મગફળીનો પાક ટેકાના ભાવે વેચવા માગતા ખેડૂતોની નોંધણી રદ, સેટેલાઈટમાં ન દેખાતું હોવાનું કહીને રજિસ્ટ્રેશન કરાયા રદ- Video
ટેકનોલોજી લોકોની સવલતો માટે હોય છે ના કે મુશ્કેલી વધારવા માટે. પરંતુ સૌરાષ્ટ્રના ખેડૂતોની મુશ્કેલી આ ટેકનોલોજીએ જ વધારી છે. કારણ કે સેટેલાઈટ દ્વારા પહેલા સરકારે સર્વે કર્યો જેમા મગફળીનું ખેતર ન દર્શાવાતા ખેડૂતોની નોંધણી જ રદ કરી નાખી.
સૌરાષ્ટ્રભરમાં મગફળી પકવતા ખેડૂતોની મુશ્કેલી ઘટવાનું નામ નથી લઈ રહી. ટેકાના ભાવે મગફળી રજીસ્ટ્રેશન કરાવનાર અનેક ખેડૂતોનું રજીસ્ટ્રેશન રદ થયું છે. સરકાર દ્વારા સેટેલાઈટ સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં ખેતરમાં મગફળી ન દર્શાવવામાં આવતા ખેડૂતોનું રજીસ્ટ્રેશન રદ થયું છે. જેના કારણે ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે કે, ડિજીટલ કામગીરીથી ખેડૂતોની મુશ્કેલી વધી છે..
બીજી તરફ ખેડૂતો કહી રહ્યા છે કે, રજીસ્ટ્રેશન સમયે પણ લાઈનોમાં ઊભું રહેવું પડ્યું અને હવે સેટેલાઈટના આધારે રજીસ્ટ્રેશન રદ કરાયું. આ તમામને લઈ ખેડૂતો સરકાર સામે રોષે ભરાયા છે. સાથે સવાલ ઉઠાવ્યા કે, ખેતીના કામ કરવા કે કચેરીના ધરમધક્કા ખાવા ?
જસદણ પંથકના ખેડૂતોના પણ રજિસ્ટ્રેશન રદ થવા મામલે ખેડૂતોએ તંત્ર સામે રોષ ઠાલવ્યો. ખેડૂતોએ મોટી સંખ્યામાં એકઠાં થઈ પ્રાંત અધિકારીને આવેદન પત્ર આપ્યું અને સેટેલાઈટની ખામીનો ભોગ ખેડૂતો બની રહ્યા હોવાનો આક્ષેપ કર્યો. સાથે ખેડૂતોએ માગ કરી છે કે, તલાટી મંત્રી અથવા VC ખેતરમાં સર્વે કરે.