World Tribal Day : ગુજરાતમાં તાપી, નવસારી, બનાસકાંઠા સહિતના સ્થળે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી, જાણો શું છે તેનું મહત્વ
આદિવાસી સમાજના સન્માનમાં આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવે છે. 9 ઓગસ્ટને વર્ષ 1993માં યુનાઈટેડ નેશન્સે (UN) વિશ્વ આદિવાસી દિવસ તરીકે જાહેર કર્યો હતો. વર્ષ 1994ના ડિસેમ્બર મહિનામાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ પ્રથમ વખત ‘વિશ્વ આદિવાસી દિવસ’ ઉજવવાની જાહેરાત કરી હતી.

World Tribal Day : 9 ઓગસ્ટના દિવસને વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે ગુજરાતમાં (Gujarat) પણ વિવિધ શહેરોમાં વિશ્વ આદિવાસી દિવસની ધૂમધામથી ઉજવણી કરવામાં આવી રહી છે. ગુજરાતમાં તાપી, નવસારી, બનાસકાંઠા સહિતના સ્થળે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ છે. તાપીમાં વિશ્વ આદિવાસી દિવસનો રાજ્યવ્યાપી કાર્યક્રમ રાખી ઉજવણી કરવામાં આવી રહી છે. CM ભૂપેન્દ્ર પટેલની (CM Bhupendra Patel) હાજરીમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ છે.
તાપીમાં રાજ્યકક્ષાની ઉજવણી
તાપીમાં વિશ્વ આદિવાસી દિવસનો રાજ્યવ્યાપી કાર્યક્રમ યોજાઇ રહ્યો છે. CM ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ છે. અહીં વિવિધ આદિવાસી સમાજના આગેવાનો દ્વારા વિવિધ આદિવાસી સમાજની કૃતિઓ આપીને મુખ્યમંત્રીનું સ્વાગત કરવામાં આવ્યુ હતુ. સાથે જ સરકારની વિવિધ આદિવાસી કલ્યાણકારી યોજનાઓની ડોક્યુમેન્ટરી પ્રદર્શની સાથે ‘મેરી મિટ્ટી મેરા દેશ’ની ફિલ્મ ડોક્યુમેન્ટરીનું નિદર્શન કરવામાં આવ્યુ હતુ. સાથે જ કરોડો રૂપિયાના વિકાસલક્ષી કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યુ.
નવસારીમાં બિરસા મુંડાની પ્રતિમાનું અનાવરણ
નવસારી શહેરમાં આદિવાસી દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી. નવસારી નગરપાલિકા દ્વારા શહેરના કાલિયાવાડી વિસ્તારમાં બિરસા મુંડાની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું. સાથે જ કાલિયા વાડીથી દશેરા ટેકરી સુધીના માર્ગને બિરસા મુંડા માર્ગ નામ આપવામાં આવ્યું. તો મૂર્તિ અનાવરણ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો અને નગરપાલિકા તથા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોએ હાજરી આપી હતી.
આદિવાસી લોકોને રાહત કિટનું વિતરણ
તો બનાસકાંઠાના દાંતા તાલુકા મથકમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી. કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતની અધ્યક્ષતામાં કાર્યક્રમ શરૂ થયો હતો. જે પછી આદિવાસી લોકોને રાહત કીટનું વિતરણ કરવામાં આવ્યુ હતુ. દાંતા અને અમીરગઢ તાલુકામાં પણ વિશ્વ આદિવાસી દિવસના વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા.
કેમ થાય છે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી ?
આદિવાસી સમાજના સન્માનમાં આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવે છે. 9 ઓગસ્ટને વર્ષ 1993માં યુનાઈટેડ નેશન્સે (UN) વિશ્વ આદિવાસી દિવસ તરીકે જાહેર કર્યો હતો. વર્ષ 1994ના ડિસેમ્બર મહિનામાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ પ્રથમ વખત ‘વિશ્વ આદિવાસી દિવસ’ ઉજવવાની જાહેરાત કરી હતી. આદિવાસીઓના અધિકારોનું જતન-રક્ષણ કરવાના હેતુથી આ જાહેરાત કરવામાં આવી હતી. જળ, જંગલ અને જમીન આ ત્રણ બાબતોને પ્રોત્સાહન આપવા આ ઉજવણી કરવામાં આવે છે. તો સાથે જ આદિવાસી સમાજના લોકોને સામાજિક, આર્થિક અને ન્યાયિક સુરક્ષામાં સશક્ત બનાવવાના હેતુથી પણ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવે છે.
મહત્વનું છે કે આદિવાસી દિવસે બિહાર-ઝારખંડમાં અંગ્રેજો સામે લાંબો સંઘર્ષ કરી આદિવાસી પ્રજાને ન્યાય અપાવનારા આદિવાસી સ્વાતંત્ર્ય સેનાની બિરસામુંડાએ યાદ કરવામાં આવે છે. તેઓ કૃષિ ક્ષેત્રે આદિવાસીઓની લગાન માફ કરવા માટે અંગ્રેજોની સામે પડ્યા હતા.