ભાવનગરમાં કાયદો વ્યવસ્થાના ઉડ્યા લીરેલીરા, ધારિયા, પાઈપ અને હોકી લઈને ટોલનાકા પર તૂટી પડ્યા અસામાજિક તત્વો- Video
ભાવનગરથી જે દૃશ્યો સામે આવ્યા છે, જે ગુજરાતની શાંત છબી તો ખરડી જ રહ્યા છે પરંતુ અસામાજિક તત્વોને કાયદો કે વ્યવસ્થાનો કોઈ ડર જ ન હોય તેની પણ સાબિતી પુરી રહ્યા છે.
ભાવનગરથી કાયદો વ્યવસ્થાના લીરે લીરા ઉડાડતા દૃશ્યો સામે આવી રહ્યા છે. કોબડી ટોલનાકા પરથી સામે આવી રહ્યા છે. શનિવારના રોજ ધોળા દિવસે કેટલાંક બેફામ તત્વોનું ટોળું હાથમાં તલવાર, ધારિયા, પાઈપો, અને ધોકા જેવા હથિયારો સાથે ટોલનાકા પર ધસી આવ્યું હતું. એટલું જ નહીં તેમણે અહીં મોટાપાયે તોડફોડને અંજામ પણ આપ્યો હતો. અસામાજિક તત્વોની આ આખીયે કાળી કરતૂત ટોલ પ્લાઝા પર લાગેલા કેમેરામાં કેદ થઈ ગઈ છે. દૃશ્યોમાં દેખાઈ રહેલાં “બેફામ તત્વો”ના ચહેરા જ એ જણાવી રહ્યા છે કે જાણે તેમને કાયદો કે વ્યવસ્થાનો કોઈપણ પ્રકારનો ભય જ નથી.
જ્યાં બબાલ મચી તે ભારત સરકારનો ટોલ પ્લાઝા ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર આવેલો છે. કહેવાઈ રહ્યું છે કે કેટલાંક લોકોને ટોલનાકાના કર્મચારી સાથે કોઈ બાબતે બોલાચાલી થઈ હતી. ત્યારબાદ બોલાચાલી ઝઘડામાં પરિણમી અને પછી તો મામલો બીચકતા પંદરેક વ્યક્તિનું ટોળું હથિયારો સાથે ટોલ પ્લાઝા પર ધસી આવ્યું હતું. ટોળાએ એ હદે ઉત્પાત મચાવ્યો કે ત્યાંથી પસાર થતાં લોકોમાં પણ ભયનું વાતાવરણ ફેલાઈ ગયું હતું.
મુદ્દો એ છે કે આ ઘટના ધોળા દિવસે બની હતી. ગુંડા તત્વોએ સરકારી મિલ્કતને મોટાપાયે નુકસાન પહોંચાડ્યું. તેની સાબિતી રૂપ CCTV ફૂટેજ પણ તમારી સામે છે. જો કે ઘટનાના 30 કલાક સુધી ભાવનગરની વરતેજ પોલીસે કોઈપણ પ્રકારની કાર્યવાહી ન કરી હોવાના અને FIR પણ ન નોંધી હોવાના આક્ષેપો ઉઠ્યા છે. જો કે આ વીડિયો વાયરલ થયા બાદ તેના આધારે હવે ફરિયાદ નોંધવામાં આવી છે. છતાં આક્ષેપ કરાઈ રહ્યો છે કે વરતેજ પોલીસ સામાન્ય કલમો મુજબ જ ગુનો દાખલ કરીને જાણે ભીનું સંકલેવાનો પ્રયાસ કરી રહી છે.