સુરત શહેરમાં પ્રતિબંધિત 'ગોગો પેપર'ના ગેરકાયદેસર વેચાણ સામે પોલીસે સખ્ત કાર્યવાહી કરી. સુરત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા આ મામલે મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં ઓનલાઇન સપ્લાય ચેઈન અને છૂટક વેચાણ કરતા વિક્રેતાઓ પર સપાટો બોલાવ્યો હતો. SOG દ્વારા સીટી લાઈટ વિસ્તારમાં એક ઓનલાઇન વેબસાઇટના ગોડાઉન પર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જ્યાંથી 'ગોગો પેપર'નો મોટા પ્રમાણમાં જથ્થો મળી આવ્યો હતો. આ ગોડાઉનનો ઉપયોગ ગેરકાયદેસર રીતે 'ગોગો પેપર'ના વેચાણ માટે ઓનલાઇન વેબસાઈટ મારફતે થતો હતો. જેનો પર્દાફાશ TV9ની ટીમે કર્યો ત્યારબાદ સુરત પોલીસ એક્ટિવ થઈ અને SOGના DCP રાજદીપસિંહ નકુમ અને ટીમ દ્વારા અહીં દરોડા પાડવામાં આવ્યા હતા.