રાજકોટ મહાનગરપાલિકાનું વધુ એક કારસ્તાન, મવડીમાં ગેરકાયદે જમીન પર ખડકી દીધી સ્કૂલ, સંચાલક નીકળ્યો ભાજપનો આગેવાન- Video
રાજકોટના માથે કલંક સમાન TRP અગ્નિકાંડની ઘટના બાદ પણ નઘરોળ મહાનગરપાલિકાનું તંત્ર સુધરવાનું નામ નથી લઈ રહ્યુ. હાલ જેલમાં બંધ મનસુખ સાગઠિયા અને તેની ટોળકીના વધુ એક કૌભાંડનો પર્દાફાશ થયો છે.
રાજકોટના મવડી વિસ્તારમાં શ્રીહરિ સોસાયટીમાં આવેલી જય કિશન સ્કૂલનું બિલ્ડિંગ ગેરકાયદે બાંધકામ પર ખડકી દેવાનું સામે આવતા મચ્યો છે ખળભળાટ. સ્કૂલ સંચાલક મિલન વેકરિયા દ્વારા બિલ્ડિંગ યુઝ પરમિશન તેમજ કમ્પ્લીશન સર્ટિફિકેટ ઉપરાંત ફાયર NOC મેળવવામાં આવ્યું નથી. તેમ છતાં અહીં 600 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે ત્યારે તેમના જીવ ઉપર જોખમ સર્જાયું છે. સૌથી મહત્વની વાત એ છે કે સૂચિત સોસાયટીમાં 3 માળનું બાંધકામ ખડકી દેવાયું છે. તેમ છતાં રાજકોટ મનપા તંત્ર અજાણ છે ? કે પછી આંખ આડા કાન કરે છે ? તે મોટો સવાલ છે.
સૂચિત જગ્યા ઉપર ગેરકાયદે રીતે બાંધકામ કરવામાં આવ્યું હોવાનું સામે આવતાં જ શિક્ષણ વિભાગ દોડતું થયું. જિલ્લા શિક્ષણાધિકારીની ટીમે શાળાએ પહોંચી તપાસ હાથ ધરી. શિક્ષણ વિભાગની 3 લોકોની ટીમ દ્વારા તપાસ કરાઇ. બીજી તરફ રહીરહીને જાગેલા મનપા તંત્રએ પણ કાર્યવાહી શરૂ કરી છે. સૌપ્રથમ સ્કૂલમાં નળ અને વીજ કનેક્શન કાપવામાં આવશે. ત્યાર બાદ શૈક્ષણિક કાર્ય બંધ કરાવી ગેરકાયદે બિલ્ડિંગનું ડિમોલિશન કરવામાં આવશે.
અગ્નિકાંડની જેમ આ કૌભાંડમાં પણ સાગઠિયાની ભૂમિકા શંકાના ઘેરામાં આવી છે. સાગઠિયાએ વર્ષ 2023માં સ્કૂલને તોડી પાડવા નોટિસ આપી હતી. પરંતુ ત્યાર બાદ છેલ્લા દોઢ વર્ષથી કોઇ કાર્યવાહી નથી કરાઇ. જયકિશન શાળાના સંચાલક ભાજપ આગેવાન ગોવિંદ વિરડીયા હોવાનું સામે આવ્યું છે. પરંતુ આ મામલે સ્કૂલ સત્તાધીશોએ ચોરી પર સીનાજોરી કરતા હોય તેવો રૂઆબ મારતા કહ્યું કે મવડીમાં તો ઘણી સોસાયટીઓ ગેરકાયદે ધમધમે છે. ગેરકાયદે બાંધકામ હોવા છતાં પોતે જાણે રાજકીય ઓથ ધરાવતા હોય તેમ સંચાલકોએ શેખી મારી.