Breaking News : અમદાવાદમાં કપડા ધોવાની ફેકટરીની ટાંકી સાફ કરવા ઉતરેલા 3 મજૂરોના મોત
અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં કપડા ધોવાની કંપનીની ટાંકીમાં સાફ સફાઈ કરવા ઉતરેલા કામદારોના ગેસ ગળતરથી મોત થયા હોવાનો કિસ્સો સામે આવ્યો છે. આ દુર્ઘટના અંગે અમદાવાદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. તો મૃત્યુ પામનાર યુવાનોના પરિવારજનોએ ગંભીર આક્ષેપો કર્યો છે.
દાણીલીમડા વિસ્તારની એમ. કે. ક્રિએશન કંપનીમાં એક દુર્ઘટના બની છે. અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં કપડા ધોવાનું કામકાજ કરતી એમ. કે. ક્રિએશન કંપનીની ટાંકી સાફ કરવા માટે રૂપિયા 18,000માં કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. ગઈ કાલે સાંજે પાંચ લોકોને લઈને ટાંકી સાફ કરવાનું કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. ગઈ કાલે સાંજ સુધીમાં અડધું કામ પૂર્ણ કરવાં આવ્યા હતું. બાકીનું કામ આજે સવારે શરૂ કરવાનું હતું, જેમાં પાંચની જગ્યાએ ત્રણ યુવકો કામે આવ્યા હતા.
સાફ સફાઈ કરતા સમયે એક યુવાન નીચે પડતા અન્ય યુવાનો તેમને બચાવવા ગયા હતા. બચાવવા જતા ત્રણેય યુવાનોના મોત થયા છે. ગેસ ગળતરના કારણે યુવાનોના મોત થયા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. છેલ્લા એક વર્ષથી આ કંપની બંધ હતી. આગળ વધુ તપાસ હાથ ધરીને કોન્ટ્રાકટર અને માલિકની ધરપકડ કરાશે.
દુર્ઘટનામાં મૃત્યુ પામેલા યુવાનોના પરિવારજનોએ ગંભીર આક્ષેપ કરતા કહ્યું છે કે, ઘટના ગઈકાલ રાત્રે બની હતી. આખી રાત મૃતદેહો ટાંકીમાં પડી રહ્યાં હતા, છતા કોઈ કાર્યવાહી હાથ ધરવામાં આવી નહોતીં.