Shravan-2021: દેવાધિદેવ મહાદેવ (mahadev) એ એકમાત્ર એવાં દેવ છે કે જેમની પૂજા શિવલિંગના રૂપે કરવાનો મહિમા છે. એ જ કારણ છે કે વિધ વિધ શિવાલયોમાં મહેશ્વરના અત્યંત અદભુત અને દિવ્ય શિવલિંગ સ્વરૂપોના ભક્તોને દર્શન થતાં રહે છે. ભાગ્યે જ કોઈ મંદિર એવાં હશે કે જ્યાં ભક્તોને મહેશ્વરના ‘મૂર્તિ’ રૂપના દર્શન થતાં હોય. એ જ કારણ છે કે ખૂબ ઓછાં જોવા મળતા શિવજીના મૂર્તિ રૂપના દર્શન માટે ભક્તો હંમેશા જ ઉત્સાહિત બની જતા હોય છે. પણ, આવાં મૂર્તિપ્રેમી શિવભક્તોમાંથી ભાગ્યે જ કોઈને ખ્યાલ હશે કે દેવાધિદેવનું વિશ્વનું સૌથી દુર્લભ મૂર્તિ રૂપ ક્યાં વિદ્યમાન છે ! આજે આપણે શિવજીના આ જ રૂપ વિશે વાત કરવી છે. અને તેમનું આ રૂપ એટલે સમાધિશ્વર. (samadhishvara)
સમાધિશ્વરનો અર્થ થાય છે સમાધિમાં રત ઈશ્વર ! એ તો સૌ જાણે છે, કે મહાદેવ મહાયોગી છે. અને સમાધિમાં લીન રહેનારા છે. અને એટલે જ તે સમાધિશ્વરના નામે પણ પ્રસિદ્ધ છે. પણ, આ સમાધિશ્વરનું એક અદભુત રૂપ વિદ્યમાન થયું છે રાજસ્થાનના ચિત્તોડગઢમાં. સિસોદિયા રાજપૂતો સદૈવ શિવજીના ઉપાસક રહ્યા છે. અને તેમની આ જ શિવભક્તિની પ્રતીતિ તેમના સ્થાપત્યો દ્વારા પણ વર્તાતી જ રહી છે. જેનું સર્વોત્તમ ઉદાહરણ એટલે ચિત્તોડગઢ પર વિદ્યમાન સમાધિશ્વરનું મંદિર !
સમાધિશ્વર મંદિરના ગર્ભગૃહમાં દેવાધિદેવની અત્યંત વિશાળ પ્રતિમાનું સ્થાપન થયું છે. મહેશ્વર અહીં ‘ત્રિમૂર્તિ’ રૂપે વિદ્યમાન થયા છે. પ્રથમ નજરે કદાચ એવો ભાસ થાય કે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ અહીં એકાકાર રૂપ ધરી બિરાજ્યા છે. પણ, વાસ્તવમાં આ તો ‘ત્રિમુખી’ શિવજી છે. શિવજીનું આવું દુર્લભ રૂપ બીજે ક્યાંય જોવા નથી મળતું. ભક્તો સમાધિશ્વરને ‘સમાધિશ્વરા’ અને ‘સમિધેશ્વર’ના નામે પણ સંબોધે છે.
આ વિશાળ મૂર્તિ સંબંધી સૌથી રસપ્રદ વાત એ છે, કે મહાદેવના ત્રણેય મુખની મુદ્રાઓ અલગ-અલગ છે. ગર્ભગૃહમાં જમણી તરફ દેખાતાં શિવમુખના હાવભાવ અત્યંત બિહામણાં લાગે છે. કહે છે કે આ જમણું મુખ શિવજીના અઘોર રૂપનો નિર્દેશ કરે છે. અને તામસિક ગુણનો પરચો આપે છે. શિવજીનું ડાબી તરફનું શાંત મુખ સાત્વિક ગુણનો નિર્દેશ કરે છે. જ્યારે વચ્ચેનું પ્રસન્નચિત્ત મુખ તેમના રાજસિક ઠાઠનો ભક્તોને પરચો કરાવે છે. એટલે કે, ત્રિમુખી સમાધિશ્વર ભક્તોને તેમના ત્રિગુણાત્મક સ્વરૂપની પ્રતીતિ કરાવી રહ્યા છે.
ઐતિહાસિક પુરાવા અનુસાર સમાધિશ્વર મંદિરનું નિર્માણ પરમાર વંશના રાજા ભોજે અગિયારમી સદીમાં કરાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે રાજા ભોજને ‘ત્રિભુવનનારાયણ’નું બિરુદ પ્રાપ્ત હતું. અને તેમના નામ પરથી જ પ્રાચીન સમયમાં મંદિર ત્રિભુવનનારાયણના નામે પ્રસિદ્ધ હતું. વર્ષ 1428માં મહારાણા મોકલે મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો. અને તેને લીધે મંદિર ‘મોકલના મંદિર’ના નામે પણ ખ્યાત થયું. આજે પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ શિવજીના આ દુર્લભ રૂપના દર્શને અહીં આવે છે.
આ પણ વાંચોઃ ભૂલથી પણ મહાદેવને આ વસ્તુઓ ન કરતા અર્પણ, નહીંતર બની જશો પાપના ભાગીદાર !
આ પણ વાંચોઃ ‘મહાકાલ’ને શા માટે કહેવાય છે પૃથ્વીલોકના સ્વામી ? જાણો, ઉજ્જૈનીના મહાકાલેશ્વર જ્યોતિર્લિંગની મહત્તા