નવરાત્રીનો (NAVRATRI) અવસર એટલે તો મા જગદંબાની કૃપાને પ્રાપ્ત કરવાનો સર્વોત્તમ અવસર. ચૈત્રી નવરાત્રી અને આસો નવરાત્રીમાં શ્રદ્ધાળુઓ વિવિધ પૂજા-વિધાન દ્વારા આદ્યશક્તિને પ્રસન્ન કરવાનો પ્રયત્ન કરતા હોય છે. ત્યારે આ પૂજા-વિધાન જેટલું જ મહત્વ તો દેવીને અર્પણ થતા પ્રસાદનું પણ છે. આ પ્રસાદને આપણે ભોગ કે નૈવેદ્ય કહીએ છીએ. નવરાત્રીના નવ દિવસોમાં પણ આઠમ-નોમના પ્રસાદનું એક આગવું જ મહત્વ છે. ઘણાં ઓછા શ્રદ્ધાળુઓને ખ્યાલ છે કે શ્રદ્ધાથી આઠમ-નોમના નૈવેદ્ય કરીને પણ નવદુર્ગાની કૃપાને પ્રાપ્ત કરી શકાય છે.
મોટાભાગે શ્રદ્ધાળુઓ તેમના ઘરની પરંપરા અનુસાર દેવીને આઠમ-નોમના નૈવેદ્ય અર્પણ કરતા હોય છે. પણ, જો પરંપરા ખબર ન હોય તો આસ્થાથી ખીર, પૂરીનું નૈવેદ્ય દેવીને અર્પણ કરી શકાય. પણ, આ પ્રસાદ કરતા પણ વધુ મહત્વ પ્રસાદ બનાવવાની અને પ્રસાદ દેવીને અર્પણ કરવાની રીતનું છે. એટલે કે, સૌથી જરૂરી એ છે કે આ નૈવેદ્ય કેવાં ભાવ સાથે તૈયાર કરવું ? અને કેવાં ભાવ સાથે દેવીને અર્પણ કરવું ?
આઠમ-નોમનું નૈવેદ્ય બનાવવાની અને અર્પણ કરવાની વિધિ
1. સર્વ પ્રથમ તો નૈવેદ્ય બનાવતી વખતે સ્વચ્છતાનું પૂરતું ધ્યાન રાખવું.
2. શક્ય હોય ત્યાં સુધી દેવી માટે ભોજન બનાવતી વખતે મૌન ધારણ કરવું.
3. કહે છે કે “જેવું મન તેવું અન્ન !” એટલે કે મનમાં જેવાં વિચાર હશે એવું જ ભોજન બનશે. અને જેવું ભોજન હશે તેવું ફળ દેવી પ્રદાન કરશે. એટલે કે, શુદ્ધ વિચાર સાથે અને દેવી નામનું રટણ કરતા ભોજન તૈયાર કરવું. મન જેટલું શુદ્ધ હશે એટલો જ પ્રસાદ શુદ્ધ બનશે.
4. આઠમ-નોમના નૈવેદ્યમાં તીખી વસ્તુ ન બનાવવી !
5. ભોગ તૈયાર થયા પછી દેવીની સન્મુખ એક બાજોઠ ગોઠવી તેના પર આસન પાથરી પછી તેના પર થાળ મૂકવો. ધ્યાન રાખો કે ભૂલથી પણ થાળ જમીન પર ન મૂકવો.
6. નૈવેદ્ય થાળની સાથે શુદ્ધ જળ ભરેલો પ્યાલો કે લોટો અચૂક મૂકો, અને તેમાં તુલસીપત્ર મૂકો.
7. બે હાથ જોડી દેવીને ભાવથી ભોજન ગ્રહણ કરવા વિનંતી કરો.
8. દેવીને આ નૈવેદ્ય અર્પણ કરતી વખતે એક વિશેષ મંત્રનો જાપ કરો.
નૈવેદ્ય અર્પણનો મંત્ર
શર્કરાખંડખાદ્યાનિ, દધિક્ષિરધૃતાની ચ ।
આહારં ભક્ષ્યભોજ્યં ચ, નૈવેદ્યં પ્રતિ ગૃહ્યતામ્ ।।
દેવીને થાળ અર્પણ કર્યા બાદ તેને તરત ન લઈ લો. પ્રસાદની થાળીને દેવીની સન્મુખ દસેક મિનિટ રહેવા દો. ત્યારબાદ બે હાથ જોડી નતમસ્તક થઈને જ તે થાળ લો, અને પ્રસાદ સહુ કોઈ વહેંચી દો.
કહે છે કે આ વિધિ સાથે દેવીને થાળ અર્પણ કરવાથી મા દુર્ગા ભક્તને ધર્મ, અર્થ, કામ અને મોક્ષની પ્રાપ્તિ કરાવે છે. એટલું જ નહીં, સમગ્ર નવરાત્રીનું પુણ્ય પણ પ્રદાન કરે છે.