Surat Corporation: ડ્રેનેજની સફાઇ કરવામાં ઘણીવાર સુરત મહાનગર પાલિકા(SMC)ના કર્મચારીઓના મોત થયા છે. ડ્રેનેજમાં અંદર ઉતરતા શ્વાસ રૂંધાવાથી ઘણીવાર આ પ્રકારના બનાવો ભૂતકાળમાં બની ચૂક્યા છે. પરંતુ તે પછી મનપાએ આધુનિક ટેકનોલોજી વિકસાવી છે.
સુરત મહાનગરપાલિકાએ હવે મશીનરીથી જ સફાઈ કરવાનું શરૂ કર્યું છે. એટલે કે ડ્રેનેજની સફાઈ માટે કામદારો નહિ પણ રોબર્ટ મશીન કામ કરતા દેખાશે. હવે રાજ્ય સરકારે ડ્રેનેજની સફાઇ માટે સુરત મહાનગર પાલિકા બે રોબર્ટ મશીનની ફાળવણી કરી છે.
સુરત મહાનગર પાલિકા પાસે હાલમાં 8 રોબર્ટ મશીન છે. આ રોબર્ટ મશીન ડ્રેનેજમાં સફાઈ માટે ઉતારવામાં આવે છે. અને તે જાતે જ સફાઈ કરી નાખે છે. સુરતના જૂના વિસ્તારમાં વર્ષો જૂની ડ્રેનેજ લાઇન હોવા ઉપરાંત હાલ વસ્તી અને વિસ્તાર વધતાની સાથે ડ્રેનેજ નેટવર્કમાં પણ વધારો થયો છે.
હાલ શહેરમાં 114 જેટલા અલગ-અલગ મશીનથી ડ્રેનેજની સફાઈ કામગીરી કરવામાં આવે છે. પરંતુ 2006થી સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ડ્રેનેજના મેનહોલમાં કામદારોને ઉતારવાનું બંધ કરાયું છે. અને હવે તેની સફાઈ માટે રોબર્ટ મશીનથી સફાઈ ચાલુ કરવામાં આવી છે.
મહાનગરપાલિકા દ્વારા અગાઉ 8 રોબર્ટ મશીન રૂપિયા 14.75 કરોડનાં ખર્ચે ખરીદાયા છે. અને હવે રાજ્ય સરકાર દ્વારા વધુ બે મશીનો અપાયા છે. એટલે કે હવે શહેરમાં કુલ 10 રોબર્ટ મશીન છે જેનાથી ડ્રેનેજની સફાઇ કરવામાં આવશે.
Published On - 9:55 am, Thu, 27 May 21