Aadhaar Card Changes : હવે આધારકાર્ડમાંથી સરનામું અને જન્મ તારીખ થશે ગાયબ ! ફક્ત ફોટો અને QR કોડથી થશે ઓળખ
UIDAI ટૂંક સમયમાં આધાર કાર્ડના ફોર્મેટમાં મોટો ફેરફાર લાવવા જઈ રહ્યું છે. નવી સિસ્ટમ લાગુ થતા આધાર કાર્ડ પર છપાતી તમામ વ્યક્તિગત માહિતી, જેમ કે સરનામું અને જન્મ તારીખ દૂર કરવામાં આવશે. ઓળખ માટે કાર્ડ પર ફક્ત ફોટો અને QR કોડ જ રહેશે. આ પગલાનું મુખ્ય કારણ વ્યક્તિગત ડેટાના દુરુપયોગને અટકાવવું અને ઑફલાઇન ચકાસણીની જૂની પ્રથાને સમાપ્ત કરવું છે.

આગામી સમયમાં આધારકાર્ડમાં મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. UIDAI ના CEO ભુવનેશ કુમારે જણાવ્યું કે લોકો સામાન્ય રીતે આધાર કાર્ડની ફોટોકોપી અનેક જગ્યાએ આપી દે છે, જેમાં સરનામું, પિતાનું નામ, જન્મ તારીખ જેવી વિગતો ખુલ્લેઆમ જોવા મળે છે.
આ માહિતીનો દુરુપયોગ થવાનું જોખમ વધે છે. આ જોખમ અટકાવવા માટે UIDAI વિગતો કાર્ડ પર છાપવાને બદલે તેને QR કોડમાં ડિજિટલ રૂપે સુરક્ષિત કરવાની યોજના બનાવી રહ્યું છે.
તેમણે સ્પષ્ટ કહ્યું, “જો વિગતો કાર્ડ પર હશે તો લોકો તેને દસ્તાવેજ માનીને આપતા રહેશે. તેથી ભવિષ્યમાં આધાર પર ફક્ત ફોટો અને QR કોડ જ દેખાવા જોઈએ.”
હોટલ–ઇવેન્ટમાં આધારની ફોટોકોપી આપવાની ટેવ હવે થશે બંધ
ભારતીયોમાં ID બતાવવાની જરૂર પડે ત્યારે આધારની ફોટોકોપી આપવાની લાંબા સમયથી ચાલતી ટેવ હવે બદલાશે. UIDAI ડિસેમ્બરથી એક નવો નિયમ લાગુ કરી શકે છે, જેમાં ઓફલાઇન વેરિફિકેશન બંધ કરવામાં આવશે. હવે આધાર કાર્ડનો ઉપયોગ ભૌતિક દસ્તાવેજ તરીકે નહીં, પરંતુ QR કોડ અથવા આધાર નંબરથી ઓનલાઈન વેરિફિકેશન દ્વારા થશે.
પરિણામે, કોઈ પણ વ્યક્તિ તમારી ID ની ડુપ્લિકેટ કોપી બનાવી શકશે નહીં, કારણ કે ઑનલાઈન વેરિફિકેશન વિના આ અમાન્ય ગણાશે.
mAadhaar ને બદલે નવી “સુપર એપ” આવશે
UIDAI ટૂંક સમયમાં હાલની mAadhaar એપ્લિકેશનને બદલીને એક સંપૂર્ણપણે નવી આધુનિક એપ લોન્ચ કરશે. આ એપ ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન (DPDP) એક્ટના કડક નિયમો અનુસાર વિકસાવવામાં આવી રહી છે. આગામી 18 મહિનામાં તેનો સંપૂર્ણ અમલ થશે.
નવી એપની મુખ્ય સુવિધાઓ:
- સરનામું બદલી અપડેટ કરવું વધુ સરળ
- મોબાઇલ ન ધરાવતા પરિવાર સભ્યોને પણ એપમાં ઉમેરવાનું વિકલ્પ
- ફેસ ઓથેન્ટિકેશનથી મોબાઇલ નંબર અપડેટ
- હોટેલ–સિનેમા–સોસાયટીમાં QR સ્કેન દ્વારા એન્ટ્રી
- ચહેરા દ્વારા ઓળખની નવી પદ્ધતિ
- જો કાર્ડમાં સરનામું ન હોય, તો ઓળખ કેવી રીતે થશે? તેનો જવાબ નવી ટેકનોલોજીમાં છે .. ફેસ ઓથેન્ટિકેશન.
નવા આધારકાર્ડની કામગીરી:
- આધાર ધારક વેરિફાયર (OVSE સ્કેનર) ને પોતાનો QR કોડ બતાવશે.
- સિસ્ટમ તમારું ચહેરું સ્કેન કરવા કહેશે.
- સ્કેન બાદ તમારી ઓળખ અને ઉંમર બંનેની સચોટ ચકાસણી થશે.
આ પદ્ધતિથી નકલી ID નો ઉપયોગ અટકશે અને સગીર બાળકો પુખ્ત વયની એન્ટ્રી વાળી જગ્યાઓમાં પ્રવેશ નહીં મેળવી શકે. UIDAI ટૂંક સમયમાં આ ટેકનોલોજીને સમગ્ર દેશમાં અમલમાં મૂકશે.
