સ્પેનમાં પૈરા એથલિટ માનસી જોશીએ ગુજરાતનો ડંકો વગાડ્યો, ગોલ્ડ સહિત કુલ ત્રણ મેડલ જીત્યા
સ્પેનિશ પૈરા આંતરરાષ્ટ્રીય બેડમિન્ટન ટુર્નામેન્ટમાં માનસી જોશીએ એક ગોલ્ડ અને બે સિલ્વર મેડલ જીત્યા.
પૈરા બેડમિન્ટન ખેલાડી માનસી જોશીએ (Manasi Joshi) સ્પેનમાં ગુજરાતનો ડંકો વગાડી દીધો છે. સ્પેનમાં રમાયેલ સ્પેનિશ પૈરા આંતરરાષ્ટ્રીય બેડમિન્ટન ટુર્નામેન્ટ 2022 (Spanish Para Badminton International 2022) માં ગુજરાતની માનસી જોશીએ શાનદાર પ્રદર્શન કરતા એક ગોલ્ડ સહિત કુલ ત્રણ મેડલ પોતાના નામે કર્યા છે. તમને જણાવી દઇએ કે માનસી જોશી હાલ પૈરા બેડમિન્ટનમાં વર્લ્ડ ચેમ્પિયન છે અને મહિલા કેટેગરીમાં વર્લ્ડ નંબર 2નું સ્થાન ધરાવે છે. માનસી જોશીએ આ ટુર્નામેન્ટમાં સિગલ્સ, મહિલા ડબલ્સ અને મિક્સ ડબલ્સ કેટેગરીમાં મેડલ જીત્યા હતા.
આ ટુર્નામેન્ટમાં અન્ય ભારતીય ખેલાડીઓની વાત કરીએ તો વર્લ્ડ નંબર 1 પ્રમોદ ભગતે પણ શાનદાર પ્રદર્શન કરતા તમામ કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. તો વર્લ્ડ નંબર 4 ક્રમાંકીત સુકાંત કદમે શાનદાર પ્રદર્શન કરતા ટુર્નામેન્ટમાં કુલ 2 મેડલ પોતાના નામે કર્યા હતા.
View this post on Instagram
માનસી જોશીની વાત કરીએ તો તેણે આ ટુર્નામેન્ટમાં મહિલા સિંગલ્સની ફાઇનલ મેચમાં શાનદાર પ્રદર્શન કરતા હરીફ ખેલાડી મનદીપને બે સેટમાં જ માત આપી હતી. તેણે 21-10 અને 21-13 થી મેચ પોતાના નામે કરી હતી અને ગોલ્ડ મેડલ જીતી હતી. તો મહિલા ડબલ્સમાં ફાઇનલ મેચની વાત કરીએ તો માનસી જોશી અને સંધ્યાની જોડીને મેચમાં સારી શરૂઆત કરી હતી અને મનિષા અને મનદીપની જોડી સામે પહેલા સેટમાં 21-14 થી જીત મેળવી હતી. જોકે ત્યાર બાદ મનિષા અને મનદીપે મેચમાં કમબેક કર્યું હતું અને બીજો સેટ 23-21 અને ત્રીજો સેટ 21-12 થી જીતને માનસી જોશીની જોડીને માત આપી હતી. આમ માનસી જોશીની જોડીએ મહિલા ડબલ્સમાં સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો હતો.
જ્યારે મિક્સ ડબલ્સની વાત કરીએ તો ફાઇનલ મેચમાં માનસી જોષી અને સાથીદાર રુથિક રઘુપતિનો સામનો પ્રમોદ અને પલક સામે થયો હતો. આ કેટેગરીની ફાઇનલ મેચમાં માનસી જોશી અને રુથિકની જોડીએ શાનદાર શરૂઆત કરી હતી અને પહેલો સેટ 21-14 થી જીતી લીધો હતો. પણ ત્યાર બાદ પ્રમોદ અને પલકે મેચમાં કમબેક કર્યું હતું અને બીજો સેટ 21-11 અને ત્રીજો સેટ 21-14 થી જીત મેળવી હતી અને પ્રમોદ-પલકની જોડીએ મિક્સ ડબલ્સની ફાઇનલ મેચ જીતીને ગોલ્ડ મેડલ જીત્યો હતો અને માનસી જોશી-રુથિકની જોડીએ સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો હતો.
આ પણ વાંચો : Video : મહિલા વર્લ્ડ કપમાં વિકેટકીપરના ગ્લવ્સમાં ચીપકી ગયો બોલ, રનઆઉટ થતાં બચી ગઇ બેટ્સમેન