ગુજરાતે વિઝ્યુઅલી ચેલેન્જ્ડ નેશનલ ટીમ ચેસ ચેમ્પિયનશિપમાં મારી બાજી, સતત ત્રીજી વાર બન્યું ચેમ્પિયન
વિઝ્યુઅલી ચેલેન્જ્ડ નેશનલ ટીમ ચેસ ચેમ્પિયનશિપમાં ગુજરાતની ટીમે સતત ત્રીજી વખત વિજેતા બનીને રાજ્યનું નામ રોશન કર્યું છે. 15 રાજ્યોના 150 ખેલાડીઓ વચ્ચેની તીવ્ર સ્પર્ધામાં ગુજરાતની ટીમે ઉત્કૃષ્ટ રમતકૌશલ્ય દેખાડીને સૌને પ્રભાવિત કર્યા અને વિજેતા ટ્રોફી પોતાના નામે કરી.

2 નવેમ્બર, 2025ના રોજ ગુજરાત એસોસિએશન ફોર વિઝ્યુઅલી ચેલેન્જ્ડ અને ઓલ ઈન્ડિયા ફેડરેશન ફોર ધ બ્લાઈન્ડના સંયુક્ત આયોજન હેઠળ બ્લાઈન્ડ પીપલ્સ એસોસિએશન, અમદાવાદ ખાતે નેશનલ ટીમ ચેસ ચેમ્પિયનશિપ ફોર વિઝ્યુઅલી ચેલેન્જ્ડનું સફળ આયોજન થયું હતું. જેમાં ગુજરાતની ટીમ વિજેતા જાહેર થઈ હતી. વિજેતા ટીમને ટ્રોફી અને ઈનામી રકમથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
ગુજરાતની ટીમ ત્રીજી વખત વિજેતા બની
આ પ્રતિષ્ઠિત ચેમ્પિયનશિપમાં 15 રાજ્યોના 150 ખેલાડીઓએ ભાગ લીધો હતો. ગુજરાતની ટીમે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરતાં સતત ત્રીજી વખત વિજેતા બની છે, જે સમગ્ર રાજ્ય માટે ગૌરવની બાબત છે. ગુજરાતની ટીમમાં દર્પણ ઈનાની, દર્શન પંડ્યા, અશ્વિન મકવાણા, હિમાંસી રાઠી અને વિજય કારિયાએ ઉત્કૃષ્ટ રમત દર્શાવી પ્રતિસ્પર્ધી તમામ ટીમોને હરાવી સ્પર્ધામાં પ્રભુત્વ જમાવ્યું. મહારાષ્ટ્રની ટીમે પ્રથમ રનર-અપ તથા દિલ્હીની ટીમે બીજા રનર-અપ તરીકે સ્થાન મેળવ્યું.
વિજેતા ટીમને 50,000 અને ટ્રોફી એનાયત
ઈનામ વિતરણ સમારંભમાં ડેપ્યુટી ઓફિસર શ્રી પાર્થ મિશ્રા, ડૉ. બીના પટેલ, શ્રી દક્ષેશ રાવલ અને શ્રીમતી જીલ શાહ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. વિજેતાઓને રોકડ ઈનામ, ટ્રોફી અને મેડલથી સન્માનિત કરવામાં આવ્યા. વિજેતા ગુજરાતની ટીમ ને રૂ. 50,000 અને ટ્રોફી, પ્રથમ રનર-અપ મહારાષ્ટ્રની ટીમને રૂ. 40,000 અને ટ્રોફી તેમજ બીજા રનર-અપ દિલ્હીની ટીમને રૂ. 30,000 અને ટ્રોફી આપવામાં આવી.
ખેલાડીઓને મેડલથી સન્માનિત કરાયા
શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ખેલાડીઓને વ્યક્તિગત મેડલ તથા ગુજરાત એસોસિએશન ફોર વિઝ્યુઅલી ચેલેન્જ્ડ તરફથી પ્રેમનું પ્રતીક ભેટરૂપે આપવામાં આવ્યું, જેનાથી કાર્યક્રમના ઉત્સાહમાં વધારો થયો. કાર્યક્રમનો સમાપન અત્યંત ઉત્સાહભેર થયો જેમાં સહભાગી તમામ ટીમોએ સંગઠન, રમતગમતની ભાવના અને સૌહાર્દપૂર્ણ વાતાવરણની પ્રશંસા કરી.
આ પણ વાંચો: Breaking News: ICC એ સૂર્યકુમાર યાદવ અને જસપ્રીત બુમરાહને ફટકાર્યો દંડ, રૌફ પર 2 મેચનો પ્રતિબંધ
