WWC 2022: વડોદરાની યુવતીનો કમાલ ! વિશ્વકપમાં ધમાલ મચાવનારી મહિલા ક્રિકેટર પંડ્યા બ્રધર્સને હંફાવી બેટીંગ શીખી હતી
યાસ્તિકા ભાટિયા (Yastika Bhatia) ડોમેસ્ટિક ક્રિકેટમાં બરોડાની ટીમ તરફથી રમે છે. 11 વર્ષની ઉંમરે તેને બરોડાની અંડર-19 ટીમમાં સ્થાન મળ્યું હતું.
વડોદરા (Vadodra) માં જન્મેલી યુવા બેટ્સમેન યાસ્તિકા ભાટિયા (Yastika Bhatia) એ આઈસીસી મહિલા વર્લ્ડ કપ 2022 (Icc Women World Cup 2022) માં બાંગ્લાદેશ સામે ભારતની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. યાસ્તિકાએ 50 રનની ઇનિંગ રમી અને તેને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવી. તેણે વર્લ્ડ કપ માં સતત બીજી અડધી સદી ફટકારી હતી. ઓસ્ટ્રેલિયા સામેની છેલ્લી મેચમાં તેણે 59 રન બનાવ્યા હતા. ભારતને વર્લ્ડ કપમાં આ યુવા બેટ્સમેન પાસેથી ઘણી આશાઓ હતી અને અત્યાર સુધી તે ઘણી હદ સુધી તેના પર ખરી ઉતરી છે. 21 વર્ષની યાસ્તિકાએ સપ્ટેમ્બર 2021માં ભારત માટે ડેબ્યૂ કર્યું હતું. ત્યારથી તે મિડલ ઓર્ડરનો ભાગ બની ગઈ છે.
યાસ્તિકા ભાટિયા ડાબોડી બેટ્સમેન છે. તેણે ભારત માટે અત્યાર સુધીમાં એક ટેસ્ટ, 12 વનડે અને ત્રણ T20 રમી છે. વનડેમાં તેણે ત્રણ અડધી સદીની મદદથી 369 રન બનાવ્યા છે. તે વડોદરાથી આવે છે. બાંગ્લાદેશ સામેની મેચમાં જ્યારે તે બેટિંગ કરવા ઉતરી ત્યારે ભારતની હાલત ખરાબ હતી. સ્મૃતિ મંધાના, શેફાલી વર્મા અને મિતાલી રાજની વિકેટ 74 રનમાં પડી ગઈ હતી. આવા સમયે તેણે 80 બોલનો સામનો કરીને 50 રનની ઇનિંગ રમી હતી. તેણે પોતાની ઇનિંગમાં બે ચોગ્ગા ફટકાર્યા હતા. યાસ્તિકની બેટિંગના કારણે ભારતે 229 રન બનાવ્યા હતા, જે પિચની દૃષ્ટિએ ખૂબ જ સારુ કહી શકાય. બાદમાં ટીમ ઈન્ડિયાએ 110 રનની આસાન જીત નોંધાવી હતી.
પંડ્યા બ્રધર્સના બોલનો સામનો કર્યો
યાસ્તિકાને વર્ષ 2021માં દક્ષિણ આફ્રિકા સામેની હોમ વનડે સીરિઝ દરમિયાન જ ટીમ ઈન્ડિયામાં જગ્યા મળી હતી. પરંતુ પછી તેનું ડેબ્યુ થઈ શક્યું નહીં. તે પછી ઇંગ્લેન્ડ પ્રવાસ માટે પણ તેની પસંદગી કરવામાં આવી ન હતી. આ દરમિયાન તેણે બરોડામાં કિરણ મોરેની દેખરેખ હેઠળ પોતાની રમતને નિખારી હતી. તેણે બરોડાની રણજી ટીમના ખેલાડીઓ સાથે પ્રેક્ટિસ કરી અને હાર્દિક અને કૃણાલ પંડ્યાની બોલિંગનો સામનો કર્યો. આમ તેણે પંડ્યા બ્રધર્સના બોલનો સામનો કરીને પોતાની તૈયારીઓ કરી હતી.
ભાટિયાની અડધી સદીએ જીતમાં મહત્વની ભૂમિકા ભજવી
Back-to-back half centuries for India No. 3 @YastikaBhatia and this time she gets there in 79 balls. After 43 overs, India are 176-5.
Follow the match ▶️ https://t.co/ZOTtBWYhWG#TeamIndia | #CWC22 | #INDvBAN pic.twitter.com/v0THRTd9SY
— BCCI Women (@BCCIWomen) March 22, 2022
યાસ્તિકાએ સપ્ટેમ્બર-ઓક્ટોબર 2021માં ઓસ્ટ્રેલિયામાં ડેબ્યૂ કર્યું હતું. ત્યારબાદ 2021-2022 સિનિયર વિમેન્સ વન ડે ચેલેન્જર ટ્રોફીમાં, તેણે ભારત A માટે સૌથી વધુ રન બનાવ્યા. આ રમતના કારણે તેને ન્યૂઝીલેન્ડ પ્રવાસ અને વર્લ્ડ કપ માટે પસંદ કરવામાં આવી હતી.
બિરયાની-પાણીપુરીને છોડી દીધી
યાસ્તિકા ભાટિયાએ પણ પોતાને ફિટ રાખવા માટે ખાવા-પીવામાં ફેરફાર કરવા પડ્યા હતા. તેણે ચિકન બિરયાની અને પાણીપુરી છોડી દેવી પડી. તેમના ડાયટિશિયને જણાવ્યું કે ભાત શરીરને ધીમો પાડે છે. ઉપરાંત, રિકવરીમાં પણ સમય લાગે છે. સાથે જ તેને પાણીપુરી પણ ઘણી પસંદ છે, પરંતુ છેલ્લા સાત વર્ષથી તે તેનાથી દૂર છે.