યશસ્વી જયસ્વાલનો ખુલાસો, રોહિત શર્માએ મોકલ્યો હતો ખાસ સંદેશ, પછી ફટકારી દીધી સદી
યશસ્વી જયસ્વાલે, પોતાની ટેસ્ટ કારકિર્દીની છઠ્ઠી સદી ગઈકાલ શનિવારે ઈંગ્લેન્ડના ઓવલના મેદાનમાં ફટકારી હતી. તેણે કહ્યું કે તેને આ સદી ફટકારવાનો ખૂબ આનંદ આવ્યો. ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન રોહિત શર્માએ પણ સ્ટેન્ડમાંથી જયસ્વાલની સદી જોઈ હતી અને બિરદાવી હતી.

ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ ટેસ્ટ કેપ્ટન રોહિત શર્મા લંડનના કેનિંગ્ટન ઓવલ મેદાન પર યુવા ખેલાડીઓનો ઉત્સાહ વધારવા પહોંચ્યો હતો. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચમી ટેસ્ટ મેચ રમાઈ રહી છે તે મેદાનના સ્ટેન્ડમાં બેસીને રોહિત શર્માએ મેચના ત્રીજા દિવસે રમત નીહાળી. જોકે, તે ફક્ત મેચ જોવા જ આવ્યો ન હતો. તે મેદાનની બહાર બેસીને ભારતીય ખેલાડીઓને મદદ કરતો પણ જોવા મળ્યો હતો. હા, ઓવલ ટેસ્ટના ત્રીજા દિવસે, યશસ્વી જયસ્વાલે સદી ફટકારી અને ભારતને મજબૂત સ્થિતિમાં પહોંચાડ્યું. સદી ફટકાર્યા પછી, જયસ્વાલે ખુલાસો કર્યો કે, તેને સ્ટેન્ડમાં બેઠેલા રોહિત શર્મા તરફથી એક ખાસ સંદેશ મળ્યો હતો.
આ યશસ્વી જયસ્વાલની ટેસ્ટ કારકિર્દીની છઠ્ઠી સદી હતી અને તેણે કહ્યું કે તેને તેનો ખૂબ આનંદ આવ્યો. ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન રોહિત શર્માએ પણ સ્ટેન્ડ્સમાંથી જયસ્વાલની સદી જોઈ. ડાબોડી બેટ્સમેનએ કહ્યું કે રોહિતે તેને રમવાનું ચાલુ રાખવાનો સંદેશ આપ્યો હતો.
યશસ્વી જયસ્વાલે મેચ પછીની પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, “મેં રોહિત ભાઈને જોયો અને તેમને ‘હાય’ કહ્યું. તેમણે મને રમવાનું ચાલુ રાખવાનો સંદેશ આપ્યો.”
યશસ્વીએ પોતાની ઇનિંગ્સ અને તૈયારી વિશે કહ્યું, “મને લાગે છે કે અમારા બધા માટે પોતાને આગળ ધપાવતા રહેવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ અહીં અમારી છેલ્લી ઇનિંગ્સ હતી. માનસિક રીતે, હું મારી જાતને આગળ ધપાવતા રહેવા અને શક્ય તેટલો સ્કોર કરવા તૈયાર હતો.”
Yashasvi Jaiswal – “I saw Rohit bhai and waved at him”
This video is for all those who called that photo fake. pic.twitter.com/1OxKBrneD2
— (@jod_insane) August 2, 2025
પિચને ધ્યાનમાં રાખીને પ્લાન
જયસ્વાલે કહ્યું, “અલબત્ત, પહેલી ઇનિંગમાં વિકેટ જોઈને, હું વિચારી રહ્યો હતો કે, રન બનાવવાનો શ્રેષ્ઠ વિકલ્પ શું હોઈ શકે. હું ફક્ત એ જ રીતે રમવાનો અને સકારાત્મક રહેવાનો પ્રયાસ કરી રહ્યો હતો. મારો ઇરાદો ખૂબ જ સારો હતો. હું બોલરો પર દબાણ લાવવા માંગતો હતો કે તેઓ ક્યાં બોલિંગ કરશે અને હું ક્યાં રન બનાવી શકું. મારી માનસિકતા હંમેશા આવી જ રહે છે. મને લાગે છે કે સકારાત્મક રહેવું અને તમારા શોટ રમવાનો આધાર પરિસ્થિતિ પર રહે છે. જો પરિસ્થિતિ કંઈક બીજું માંગશે, તો હું તેનો પણ આનંદ માણીશ.”