ઈન્ડિયન પ્રીમિયર લીગની બીજી મેચ આજે મોહાલીમાં રમનારી છે. IPL 2023 નો પ્રથમ ડબલ હેડર દિવસ શનિવારે છે અને જેમાં પ્રથમ મેચ બપોરે મોહાલીમાં પંજાબ કિંગ્સ અને કોલાકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે રમાનારી છે. પંજાબ કિંગ્સની આગેવાની શિખર ધવન સંભાળી રહ્યો છે, જ્યારે કોલાકાતા નાઈટ રાઈડર્સ ટીમનુ સુકાન નિતીશ રાણા સંભાળશે. બંને ખેલાડીઓને આ સિઝનમાં કેપ્ટનશિપ મળી છે. રાણાને શ્રેયસ અય્યર ઈજાને લઈ બહાર હોવાને લઈ સિઝનમાં આ મહત્વની ભૂમિકા નિભાવવાની જવાબદારી ટીમ મેનેજમેન્ટે સોંપી છે.
ધવન અને રાણા બંને સામે સિઝનમાં ટીમને ફાઈનલ સુધી સફર કરાવવાનો મહત્વનો પડકાર છે. આ માટે બંને ટીમો ટૂર્નામેન્ટમાં પોતાના અભિયાનની સફળ શરુઆત કરવાનો પ્રયાસ કરશે. પંજાબને ટૂર્નામેન્ટમાં પ્રથમ ટાઈટલ માટે ધવન દમ લગાવશે. જોકે કાગિસો રબાડા પ્રથમ મેચમાં પંજાબ માટે ઉપલબ્ધ નથી, તે મોટી ખોટ સમાન રહેશે. બેયરિસ્ટો પણ ઈજાને લઈ પહેલાથી જ બહાર થયો છે. પ્રથમ મેચમાં પંજાબ નાથન એલિસન અને મેથ્યૂ શોર્ટને મેદાને ઉતારી શકે છે.
કોલકાતા નાઈટ રાઈડર્સ ટીમ બે વાર આઈપીએલનુ ટાઈટલ જીતવામાં અત્યાર સુધી સફળ રહી ચુકી છે. કોલકાતાએ પ્રથમવાર વર્ષ 2012 માં ટાઈટલ જીત્યુ હતુ. બાદમાં 2014 માં ફરીથી ટાઈટલ જીત્યુ હતુ. આ વખતે કોલકાતાએ પંજાબને હરાવીને ટ્રોફી જીતી હતી. આમ બે વાર ટૂર્નામેન્ટમાં ચેમ્પિયન રહી ચુક્યુ છે. જ્યારે 2021માં કોલકાતાની ટીમ રનર અપ રહી હતી. જોકે ગત સિઝનમાં કોલકાતાનુ પ્રદર્શન કંગાળ રહ્યુ હતુ. બે વારની ચેમ્પિયન ટીમ પોઈન્ટ્સ ટેબલમાં 7માં ક્રમે રહીને સફર પૂર્ણ કરી હતી.
જોકે પંજાબ અત્યાર સુધીમાં એક પણ વાર ટ્રોફી પોતાના હાથમાં ઉઠાવવાનો મોકો લઈ શક્યુ નથી. પંજાબ કિંગ્સની હાલત પણ ગત સિઝનમાં ખરાબ રહી હતી. ગત સિઝનમાં છઠ્ઠા ક્રમે રહીને ટીમની સફર પુરી થઈ હતી. આમ હવે ધવન ટીમને પોતાની આગેવાનીમાં ફાઈનલની સફર કરાવવા પૂરો દમ લગાવતો નજર આવી શકે છે.
ગત સિઝનમાં ખરાબ પ્રદર્શન બાદ હવે પંજાબ કિંગ્સ આ સિઝનમાં પૂરો દમ લગાવવા માટે ઈરાદો રાખી રહ્યુ છે. આ માટે તેણે મેગા ઓક્શન દરમિયાન મોંઘા દાટ ખેલાડીઓને ખરીદ્યા છે. પોતાની નબળાઈઓને દૂર કરવા માટે મહત્વના ખેલાડીઓને પોતાની સાથે જોડવાનો પ્રયાસ ઓક્શનમાં કર્યો હતો.
ગત સિઝનમાં ઓલરાઉન્ડરની સમસ્યા જણાઈ હતી. આ માટે તેણે સેમ કુરન પર 18.50 કરોડ રુપિયા ખર્ચ કર્યા હતા. કુરન પરની ખર્ચ કરેલી આ રકમ આઈપીએલ ઈતિહાસની સૌથી મોંઘી છે. આ સિવાય જબરદસ્ત ફોર્મમાં રહેલા સિકંદર રજાને પણ પંજાબે પોતાની સાથે જોડ્યો છે. જોકે કોલકાતા પાસે આંદ્રે રસેલ અને સુનિલ નરેન જેવા મજબૂત ઓલરાઉન્ડર ખેલાડીઓ સામેલ છે. શાકિબ અલ હસન ફોર્મમાં છે. આ સિવાય ટીમ સાઉથી અને લોકી ફરગ્યુશન પણ સામેલ છે.
KKR Full Squad: નીતિશ રાણા, રિંકુ સિંહ, રહેમાનુલ્લાહ ગુરબાઝ, ડેવિડ વિઝા, કુલવંત ખેજરોલિયા, સુયશ શર્મા, અનુકુલ રોય, લોકી ફર્ગ્યુસન, આન્દ્રે રસેલ, વેંકટેશ ઐયર, ઉમેશ યાદવ, હર્ષિત રાણા, ટિમ સાઉથી, શાર્દુલ ઠાકુર, સુનીલ નરેન, વૈભવ અરોરા, વરુણ ચક્રવર્તી, નારાયણ જગદીશન, લિટન દાસ, મનદીપ સિંહ, સાકિબ અલ હસન.
PBKS Full Squad: શિખર ધવન, ભાનુકા રાજપક્ષે, જીતેશ શર્મા, પ્રભસિમરન સિંહ, અથર્વ તાયડે, હરપ્રીત બ્રાર, લિયામ લિવિંગ્સ્ટન, રાજ અંગદ બાવા, મેથ્યુ શોર્ટ, ઋષિ ધવન, શાહરૂખ ખાન, અર્શદીપ સિંહ, બલતેજ સિંહ, કાગીસો રબાડા, નાથન એલિસ, રાહુલ ચાહર, સેમ કુરન, સિકંદર રઝા, હરપ્રીત ભાટિયા, વિધ્વત, મોહિત રાઠી, શિવમ સિંહ.
રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ફૂટબોલ, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…