Watch Video: સચિન તેંડુલકરે બસ નંબર 315 સાથે સંબંધિત એક ખાસ સ્ટોરી શેર કરી છે
Sachin Tendulkar: ક્રિકેટના માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે પોતાના બાળપણ સમયની યાદો તાજા કરી. મુંબઈની બેસ્ટની 315 નંબરની બસ સાથેની ખાસ યાદો સાથેનો વીડિયો શેર કર્યો હતો.
વિશ્વ ક્રિકેટમાં દિગ્ગજ ક્રિકેટર એવા સચિન તેંડુલકર (Sachin Tendulkar) ની વાર્તા ઘણા યુવા ખેલાડીઓને પ્રેરણા આપે છે અને તે પોતે પણ ઘણા લોકો માટે પ્રેરણારૂપ છે. તેણે પોતાની મહેનત અને રમત પ્રત્યેના જુસ્સાથી ક્રિકેટની દુનિયામાં એક અલગ સ્થાન મેળવ્યું છે. સચિન તેંડુલકરે હાલમાં જ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો હતો. જેમાં તે પોતાની જૂની યાદોને તાજી કરતો જોવા મળ્યો હતો. અગાઉ, તેણે બેસ્ટ (B.E.S.T.) બસ નંબર 315 માં તેની મુસાફરીને યાદ કરીને સોશિયલ મીડિયા પર તેની કેટલીક તસવીરો શેર કરી હતી.
બસ નંબર 315 જોઇ ભાવુક થયો સચિન તેંડુલકર
B.E.S.T. ની બસ નંબર 315 એ જ બસ છે જેમાંથી યુવાન સચિન તેંડુલકર દરરોજ શિવાજી પાર્ક પહોંચતો હતો. જ્યાં તે તેના કોચ રમાકાંત આચરેકરની દેખરેખ હેઠળ પ્રેક્ટિસ કરતો હતો. સોશિયલ મીડિયા પર શેર કરાયેલા એક વીડિયોમાં સચિન તેંડુલકરે બસ નંબર 315 વિશે વાત કરતાં તેના બાળપણના દિવસોને યાદ કર્યા હતા અને તે થોડો ભાવુક જોવા મળ્યો હતો. આ નંબરની બસમાં તે પોતાના ઘર બાંદ્રાથી શિવાજી પાર્ક જતો હતો.
ઇન્ટાગ્રામમાં પોસ્ટ કરેલ વીડિયોમાં સચિન તેંડુલકરે કહ્યું, “ઘણા વર્ષો પછી મેં 315 બસનો નંબર જોઇ છે. તે બાંદ્રા અને શિવાજી પાર્ક વચ્ચે ચાલતી હતી. જ્યાં હું હંમેશા પ્રેક્ટિસ કરવા જવા માટે ઉત્સાહિત હતો. આ બસની છેલ્લી શીટ મારી મનપસંદ શીટ હતી અને મને અપેક્ષા હતી કે તે દરરોજ ખાલી રહેશે. પ્રેક્ટિસ કર્યા પછી જ્યારે હું થાકી જતો અને બસની છેલ્લી સીટ ખાલી હોય તો હું બારી પાસે માથું રાખીને સૂઈ જતો. જ્યાં મને ઠંડી હવા મળતી. કેટલીકવાર હું ઊંઘી પણ જતો અને મારો સ્ટોપ પાછળ જતો હતો.”
અહીં જુઓ તેનો વીડિયો
View this post on Instagram
હળવા અવાજમાં સચિન તેંડુલકરે અંતે કહ્યું કે આ બધી વસ્તુઓ તેને ઘણી ખુશી આપતી હતી. તમને જણાવી દઈએ કે, મહાન ભારતીય બેટ્સમેને માત્ર 15 વર્ષની ઉંમરે મુંબઈ માટે સ્થાનિક ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું અને એક વર્ષ પછી તેણે પાકિસ્તાન સામે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું.
આ પણ વાંચો : IPL 2022: અમિત મિશ્રાએ ઉંમરને લઇને ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) ની મજાક ઉડાવી