Virat Kohli Comeback : ગૌતમ ગંભીરના રાજીનામા બાદ વિરાટ કોહલી કરશે ટેસ્ટ ક્રિકેટમાં વાપસી? જાણો
વિરાટ કોહલીની ટેસ્ટ ક્રિકેટમાં વાપસીની શક્યતાઓ ચર્ચાઈ રહી છે, જે ગૌતમ ગંભીર સાથે જોડાયેલી હોવાની ચર્ચા ચાલી રહી છે.

ટીમ ઈન્ડિયાના દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલીએ ગયા વર્ષે અચાનક ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેતાં ક્રિકેટ જગતમાં ચકચાર મચી હતી. હવે ફરી એકવાર ચર્ચા તેજ બની છે કે શું ‘કિંગ કોહલી’ ટેસ્ટ ફોર્મેટમાં પાછા ફરી શકે છે. ખાસ કરીને ગૌતમ ગંભીરના ભવિષ્યને લઈને ચાલી રહેલી અફવાઓ બાદ, વિરાટ કોહલીની વાપસીની શક્યતાઓ પર ચર્ચા શરૂ થઈ ગઈ છે.
ગંભીરની ભૂમિકા અને કોહલીની વાપસી વચ્ચેનો સંબંધ
અહેવાલો મુજબ, જો ગૌતમ ગંભીર ટેસ્ટ ટીમના કોચ પદ પરથી દૂર થાય છે, તો વિરાટ કોહલી ટેસ્ટ ક્રિકેટમાં વાપસી કરવા અંગે ફરી વિચાર કરી શકે છે. કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે ટેસ્ટ ક્રિકેટમાં સતત નબળા પ્રદર્શનને કારણે ગંભીરની ભૂમિકા જોખમમાં છે અને તેમના સ્થાને કોઈ અનુભવી ક્રિકેટરને જવાબદારી સોંપી શકાય છે. આવી સ્થિતિમાં કોહલીની વાપસી શક્ય બની શકે છે.
મીડિયાનો શું છે દાવો
એક યુટ્યુબ ચેનલ પર મોટો દાવો કરવામાં આવ્યો છે. તેમના જણાવ્યા અનુસાર, ગૌતમ ગંભીર અને વિરાટ કોહલી વચ્ચે સંબંધો સારા નથી અને બંને વચ્ચે ઓછી વાતચીત થાય છે. અહેવાલ મુજબ, આ આંતરિક ઘર્ષણ જ વિરાટ કોહલીના ટેસ્ટ નિવૃત્તિના નિર્ણયનું એક કારણ બની શકે છે. તેમણે કહ્યું કે જો કોઈ પરિબળ કોહલીને ટેસ્ટ ક્રિકેટમાં પાછા લાવી શકે છે, તો તે નવા ટેસ્ટ કોચની નિમણૂક હશે. અહેવાલો અનુસાર, વિરાટ કોહલી 2026 દરમિયાન વાપસી કરી શકે છે.
વિરાટ કોહલીની ટેસ્ટ કારકિર્દી પર એક નજર
વિરાટ કોહલીએ 12 મેના રોજ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી હતી. ટેસ્ટ ફોર્મેટને સૌથી વધુ પસંદ કરનાર ખેલાડી તરીકે ઓળખાતા કોહલીના આ નિર્ણયથી ચાહકો અને ક્રિકેટ નિષ્ણાતો ચોંકી ગયા હતા. વિરાટ કોહલીએ 123 ટેસ્ટ મેચોમાં 9,230 રન બનાવ્યા હતા, જેમાં 30 સદી અને 31 અડધી સદીનો સમાવેશ થાય છે. 14 વર્ષ લાંબી ટેસ્ટ કારકિર્દીમાં તેઓ ભારતના સૌથી સફળ ટેસ્ટ કેપ્ટન તરીકે પણ ઓળખાયા. જો કોહલી વાપસી કરે છે, તો 10,000 ટેસ્ટ રનનો આંકડો પણ પૂર્ણ કરી શકે છે.
ગૌતમ ગંભીરનું ભવિષ્ય T20 વર્લ્ડ કપ પર આધારિત?
અહેવાલો મુજબ, ગૌતમ ગંભીરની ભૂમિકા 2026ના T20 વર્લ્ડ કપના પરિણામ પર નિર્ભર રહેશે. જો ભારત આ વર્લ્ડ કપ જીતે છે, તો ગંભીરની સ્થિતિ વધુ મજબૂત બની શકે છે. પરંતુ જો ટીમનું પ્રદર્શન નબળું રહે છે, તો ભારતીય ક્રિકેટમાં મોટા ફેરફારો જોવા મળી શકે છે. સાથે જ, એવી ચર્ચા પણ છે કે પ્રજ્ઞાન ઓઝા મુખ્ય પસંદગીકાર તરીકે અજીત અગરકરનું સ્થાન લઈ શકે છે, જ્યારે પૂર્વ ક્રિકેટર પાર્થિવ પટેલને પણ પસંદગી સમિતિમાં સામેલ કરવામાં આવી શકે છે.
નવા વર્ષની પહેલી જ મેચમાં 14 વર્ષના ખેલાડી વૈભવ સૂર્યવંશીએ કરી કમાલ, જાણવા માટે અહીં ક્લિક કરો..
