રણજી ટ્રોફીમાં ન ચાલ્યો કોહલીનો જાદુ, 15 બોલમાં 6 રન બનાવી થયો ક્લીન બોલ્ડ, જુઓ વીડિયો
13 વર્ષ બાદ રણજી ટ્રોફી રમવા મેદાનમાં ઉતરેલા કોહલીએ ફરી એકવાર ફેન્સને નિરાશ કર્યા હતા. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ બાદ આ ડોમેસ્ટિક મેચમાં પણ વિરાટ કોહલીનું બેટ શાંત રહ્યું અને તે માત્ર 6 રન બનાવીને આઉટ થઈ ગયો. જેના કારણે અરુણ જેટલી સ્ટેડિયમ પહોંચેલા તેના ચાહકોને ભારે નિરાશાનો સામનો કરવો પડ્યો હતો. કોહલી ક્લીન બોલ્ડ આઉટ થયો હતો, જેનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો હતો.

વિરાટ કોહલી 13 વર્ષ બાદ રણજી ટ્રોફી રમવા આવ્યો છે. તેની બેટિંગ જોવા માટે અરુણ જેટલી સ્ટેડિયમમાં હજારો ચાહકો એકઠા થયા હતા. બધાને આશા હતી કે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સંઘર્ષ કરી રહેલો કોહલી રેલવે સામેની મેચમાં મોટી ઈનિંગ રમશે, પરંતુ એવું થઈ શક્યું નહીં. આ મેચમાં પણ કોહલી ફ્લોપ રહ્યો અને તેની ઈનિંગ માત્ર 6 રન પર સમાપ્ત થઈ ગઈ હતી. રેલવે તરફથી રમતા ફાસ્ટ બોલર હિમાંશુ સાંગવાને કોહલીને આઉટ કર્યો હતો.
કોહલી માત્ર 15 બોલ જ રમી શક્યો
વિરાટ કોહલીને ડોમેસ્ટિક ક્રિકેટમાં પણ નિરાશાનો સામનો કરવો પડ્યો છે. દિલ્હી તરફથી રમતા કોહલી પાસેથી એવી અપેક્ષાઓ હતી કે તે રણજી ટ્રોફીમાં રેલવે સામે તે સારા ફોર્મમાં પરત ફરશે. પરંતુ અહીં પણ તેનો સંઘર્ષ ચાલુ રહ્યો. તે રેલવે સામે માત્ર 15 બોલ જ રમી શક્યો હતો, જેમાં તેણે 6 રન બનાવ્યા હતા. ફાસ્ટ બોલર હિમાંશુ સાંગવાને તેને ક્લીન બોલ્ડ કર્યો હતો. ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન કોહલી દરેક ઈનિંગ્સમાં ઓફ-સાઈડ બોલ પર સ્લિપમાં આઉટ થઈ રહ્યો હતો. પરંતુ આ ઈનિંગમાં માત્ર એક જ ફેરફાર થયો હતો. આ વખતે તે બોલ્ડ થયો હતો.
Harish Sangwan Knocked Out Virat King Kohli , At The Score of 6 (Full Crowd Reaction + Celebration) #ViratKohli | #ViratKohli pic.twitter.com/QBHLRfsLKb
— (@LegendDhonii) January 31, 2025
6 રન બનાવી કોહલી થયો ક્લીન બોલ્ડ
હિમાંશુ સાંગવાને ઓવર ધ વિકેટથી બોલને ઓફ સ્ટમ્પ સુધી ફેંક્યો હતો. વિરાટ કોહલી ઈનકમિંગ બોલથી સંપૂર્ણપણે ડૂબી ગયો હતો અને લાઈન ચૂકી ગયો હતો. આ પછી બોલ બેટ અને પેડની વચ્ચેથી પસાર થયો અને ઓફ સ્ટમ્પની વિકેટ ઉડી ગઈ. હિમાંશુએ આ વિકેટની આક્રમક રીતે ઉજવણી કરી હતી. તેની આક્રમકતા જોવા જેવી હતી. સ્ટેડિયમમાં બેઠેલા દર્શકોને ભારે નિરાશાનો સામનો કરવો પડ્યો હતો. કોહલીના આઉટ થયા બાદ અનેક ચાહકો સ્ટેડિયમની બહાર જવા લાગ્યા હતા.
કોણ છે હિમાંશુ સાંગવાન?
વિરાટ કોહલીને આઉટ કરનાર હિમાંશુ સાંગવાન 29 વર્ષનો છે. તે દિલ્હીની અંડર-19 ટીમ તરફથી પણ રમી ચૂક્યો છે. હાલમાં તે સ્થાનિક ક્રિકેટમાં રેલવે તરફથી રમે છે. હિમાંશુએ વર્ષ 2019માં રેલવે માટે ડોમેસ્ટિક ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. તેણે અત્યાર સુધી 23 ફર્સ્ટ ક્લાસ મેચ રમી છે, જેમાં તેણે 40 ઈનિંગ્સમાં માત્ર 19.92ની એવરેજથી 77 વિકેટ લીધી છે. તેણે 17 લિસ્ટ A મેચમાં 21 વિકેટ અને 7 T20માં 5 વિકેટ લીધી છે.