Sunil Gavaskar Birthday : ક્રિકેટર્સથી ભરેલો છે લિટલ માસ્ટરનો પરિવાર, જીજાજી અને દીકરી રહી ચૂક્યા છે ઈન્ટરનેશનલ ખેલાડી
Sunil Gavaskar 77th Birthday : ભારતીય ક્રિકેટના દિગ્ગજ સુનીલ ગાવસ્કર આજે પોતાનો 77મો જન્મદિવસ મનાવી રહ્યો છે,સુનીલ ગાવસ્કરની ગણતરી દુનિયાના સૌથી મહાન ખેલાડીઓમાં થાય છે. સુનિલ ગાવસ્કરનો આખો પરિવાર ક્રિકેટર્સથી ભરેલો છે.

ભારતીય ક્રિકેટના ઈતિહાસમાં જ્યારે પણ સફળ બેટ્સમેનની વાત આવે તો લિટિલ માસ્ટર સુનીલ ગાવસ્કરનું નામ સૌથી ઉપર આવે છે.સુનીલ ગાવસ્કર આજે પોતાનો 77મો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહ્યો છે. તે ટેસ્ટ ક્રિકેટમાં 10,000 રન બનાવનાર દુનિયાનો પહેલો બેટ્સમેન છે. પરંતુ શું તમે જાણો છો કે, સુનીલ ગાવસ્કરનું જ કરિયર શાનદાર રહ્યું નથી પરંતુ તેનો આખો પરિવાર ભારતીય ક્રિકેટના દિગ્ગજો સાથે જોડાયેલો છે.
સુનિલ ગાવસ્કરના માતા-પિતા
સુનિલ ગાવસ્કરનો જન્મ 10 જુલાઈ 1949ના રોજ મુંબઈના એક મિડલ ક્લાસ પરિવારમાં થયો હતો. તેના પિતાનું નામ મનોહર ગાવસ્કર હતુ. જે મુંબઈમાં ક્લબ લેવલમાં સારા ક્રિકેટર હતા. તેની માતા મીનલ ગાવસ્ક એક હાઉસવાઈફ હતા. સુનીલ ગાવસ્કરને બાળપણમાં ક્રિકેટ તરફ આગળ વધવામાં માતા-પિતાનો મોટો ફાળો રહ્યો છે.
ગાવસ્કરના મામા માધવ મંત્રી
સુનીલ ગાવસ્કરના પરિવારમાં ઈન્ટરનેશલ ક્રિકેટનો રસ્તો તેના મામા દ્વારા ખુલ્યો હતો. તેના સગા મામા માધવ મંત્રી ભારતના પૂર્વ ટેસ્ટ વિકેટકીપર અને બેટ્સમેન હતા. માધવ મંત્રીએ ભારત માટે 4 ટેસ્ટ મેચ રમી હતી. બાળપણમાં જ્યારે સની પોતાના મામાના ઘરે જતો હતો. તો અહી ભારતની ટેસ્ટ કેપ અને જર્સી જોઈ તેના મનમાં પણ દેશ માટે રમવાની જિદ થતી હતી. ત્યારબાદ તે મુંબઈ ક્રિકેટ એસોસિએશનના અધ્યક્ષ રહ્યા હતા.
બહેન કવિતા અને જીજાજી ગુંડપ્પા વિશ્વનાથ
કવિતા વિશ્વનાથ અને નૂતન ગાવસ્કર સુનીલ ગાવસ્કરની 2 મોટી બહેનો છે. કવિતાના લગ્ન ભારતીય ક્રિકેટના એક મહાન બેટ્સમેન ગુંડપ્પા વિશ્વનાથ સાથે થયા છે. 1970ના દશકમાં સુનીલ ગાવસ્કર અને ગુંડપ્પા વિશ્વનાથ ભારતીય બેટ્સમેન ભારતીય બેટિંગના બે મજબૂત આધારસ્તંભોમાંના એક હતા. આમ, ભારતના બે મહાન બેટ્સમેન સાઢુભાઈ અને સાળા છે. બીજી બાજુ, નૂતન ભારતીય મહિલા ક્રિકેટ સંઘ (WCAI) ના મહાસચિવ તરીકે સેવા આપી ચૂક્યા છે.

પત્ની માર્શનેલ ગાવસ્કર
સુનીલ ગાવસ્કરે વર્ષ 1974માં માર્શનેલ મેહરોત્રા સાથે લગ્ન કર્યા છે. માર્શનેલ કાનપુરના એક જાણીતા બિઝનેસમેનના પરિવારમાંથી આવે છે. ગાવસ્કરના આખા કરિયર દરમિયાન લાઈલાઈટથી દુર રહી પરિવારને સંભાળ્યો હતો. 1973માં એક ક્રિકેટ મેચ જોવા દરમિયાન માર્શનેલ સુનીલ ગાવસ્કરનો ઓટોગ્રાફ લેવા ગઈ હતી. કહેવામાં આવે છે કે, ઓટોગ્રાફ મળ્યા બાદ સુનીલ સાથે પ્રેમ થયો હતો. ત્યારબાદ બંને લગ્ન કર્યા હતા.
દીકરો રોહન ગાવસ્કર
સુનીલ અને માર્શનેલ ને એક દીકરો છે. જેનું નામ રોહન ગાવસ્કર છે. પિતાની જેમ રોહને પણ ક્રિકેટમાં પોતાનું કરિયર પસંદ કર્યું હતુ. રોહન ગાવસ્કરે ઘરેલું ક્રિકેટમાં બંગાળનું પ્રતિનિધિત્વ કર્યું છે અને શાનદાર પ્રદર્શનના કારણે ભારતીય ટીમમાં સ્થાન બનાવ્યું છે. તેમણે 2004-2005 દરમિયાન ભારત માટે 11 વનડે ઈન્ટરનેશનલ મેચ રમી છે. હાલના સમયમાં રોહન એક સફળ ક્રિકેટ કોમેન્ટેટર છે. રોહનના લગ્ન ડેવિનિયા ડિસુજા સાથે થયા છે.
