ભારત v/s શ્રીલંકાની સિરીઝ પૂરી થતા જ, ફિક્સિંગમાં ફસાયો આ ખેલાડી ICCએ માંગ્યો જવાબ
શ્રીલંકાએ હાલમાં ટીમ ઈન્ડિયા વિરુદ્ધ એક ઐતિહાસિક વનડે સીરિઝ જીતી છે. પરંતુ આ મોટી જીત વચ્ચે શ્રીલંકા ક્રિકેટને એક મોટો ઝટકો લાગ્યો છે. શ્રીલંકાના ખેલાડીઓ પર ફિક્સિંગનો આરોપ લાગ્યો છે.
ટીમ ઈન્ડિયાનો શ્રીલંકા પ્રવાસ હાલમાં પૂર્ણ થયો છે. આ પ્રવાસ પર બંન્ને ટીમો વચ્ચે 3 ટી20 અને વનડે સીરિઝ રમાઈ હતી. ટી20 સીરિઝ ટીમ ઈન્ડિયાને નામ રહી હતી. તો વનડે સિરીઝમાં શ્રીલંકાએ 27 વર્ષ બાદ ભારતને હાર આપી છે, પરંતુ શ્રીલંકા માટે એક ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. શ્રીલંકાના એક ખેલાડી પર ફિક્સિંગનો આરોપ લાગ્યો છે અને ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે જવાબ માંગ્યો છે. ત્યારે હવે આ ખેલાડી પર પ્રતિબંધ લાગવાનો ખતરો મંડરાય રહ્યો છે.
શ્રીલંકાના આ ખેલાડી પર લાગ્યો ફિક્સિંગનો આરોપ
ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે શ્રીલંકાના ખેલાડી પ્રવીણ જયવિક્રમા પર આઈસીસી ભ્રષ્ટાચાર વિરોધી સંહિતાના ઉલ્લંઘન માટે ત્રણ આરોપો લગાવવામાં આવ્યા છે. શ્રી જયવિક્રમા પાસે આરોપોનો જવાબ આપવા માટે 6 ઓગસ્ટ, 2024 થી 14 દિવસનો સમય છે. તેનો આંતરરાષ્ટ્રીય મેચો ફિક્સ કરવા માટે સંપર્ક કરવામાં આવ્યો હતો.
ICCએ આ કાર્યવાહી કરી
પ્રવીણ જયવિક્રમાને 2021 લંકા પ્રીમિયર લીગમાં ફિક્સિંગ કરવા માટે અન્ય ખેલાડીનો સંપર્ક કરવાનું કહેવામાં આવ્યું હતુ. પરંતુ તેમણે આ અંગે એન્ટી કરપ્શન યુનિટને જાણ કરી ન હતી. આ સિવાય તેણે ભ્રષ્ટાચાર વિરોધી એકમની તપાસમાં પણ અવરોધ ઉભો કર્યો હતો, જેના કારણે ICCએ આ કાર્યવાહી કરી છે. આ સિવાય શ્રીલંકા ક્રિકેટ અને ICCએ વાત પર સહમત થયા છે કે ICC આંતરરાષ્ટ્રીય મેચ ફી તેમજ લંકા પ્રીમિયર લીગની ફી અંગે પગલાં લેશે.
પ્રવીણ જયવિક્રમાનું ઈન્ટરનેશલ કરિયર
પ્રવીણ જયવિક્રમા શ્રીલંકાની ટીમ માટે 3 ફોર્મેટ રમી ચૂક્યા છે. તેમણે અત્યારસુધી 5 ટેસ્ટ , 5 વનડે અને 5 ટી20 ઈન્ટરનેશનલ મેચ રમી છે. ટેસ્ટમાં તેમણે 25 વિકેટ પોતાને નામ કર્યા છે. વનડેમાં તે શ્રીલંકા માટે 5 વિકેટ અને ટી20માં 2 વિકેટ લઈ ચૂક્યા છે. પ્રવીણ જયવિક્રમાએ શ્રીલંકા માટે પોતાની છેલ્લી મેચ મે 2022માં રમી હતી. ત્યારબાદ તે ટીમમાંથી બહાર થયો હતો. પ્રવીણ જયવિક્રમા ભારત વિરુદ્ધ 4 મેચ રમી ચૂક્યો છે. જેમાં તેમણે 10 વિકેટ લીધી હતી.