IND vs ENG : ઋષભ પંતે ઈંગ્લેન્ડ સામે ઇતિહાસ રચતી વખતે કરી ભૂલ, મળ્યો ઠપકો
ઋષભ પંતને લીડ્સ ટેસ્ટમાં કરેલી ભૂલ માટે ઠપકો આપવામાં આવ્યો છે. હવે પ્રશ્ન એ છે કે પંતે એવી તો કઈ ભૂલ, ક્યારે કરી ? જ્યારે લીડ્સ ટેસ્ટમાં, તેના માટે બધું સારું થઈ રહ્યું હતુ ત્યારે તેણે કરેલ ભૂલ માટે ઠપકો આપવામાં આવ્યો છે.

ઋષભ પંતે લીડ્સ ટેસ્ટની બંને ઇનિંગ્સમાં સદી ફટકારીને એક ઇતિહાસ રચ્યો છે. પરંતુ પંતે ઇતિહાસ રચતી વખતે, એક ભૂલ પણ કરી નાખી, જેના કારણે તેને ઠપકો આપવો પડ્યો છે. ઋષભ પંતને ICC આચારસંહિતાનો ભંગ કરવા બદલ ઠપકો આપવામાં આવ્યો છે. પંત લેવલ 1 હેઠળ દોષિત ઠર્યો હતો, ત્યારબાદ મેચ રેફરીએ તેને ઠપકો આપ્યો અને તેને છોડી દીધો. મતલબ કે તેની સામે કોઈ વધુ કાર્યવાહી કરવામાં આવી ના હતી.
ICC દ્વારા જાહેર કરાયેલી એક પ્રેસ રિલીઝમાં કહેવામાં આવ્યું હતું કે, પંતને કલમ 2.8 હેઠળ દોષિત ઠરાવવામાં આવ્યો છે, જે આંતરરાષ્ટ્રીય મેચોમાં અમ્પાયરના નિર્ણયનો વિરોધ કરવા અથવા વાંધો ઉઠાવવા સાથે સંબંધિત છે. આ આચારસંહિતાનો ભંગ કરવા બદલ પંતના ખાતામાં 1 ડિમેરિટ પોઈન્ટ પણ ઉમેરવામાં આવ્યો છે.
પંતે ક્યારે એ ભૂલ કરી ? જેના માટે તેને ઠપકો આપવામાં આવ્યો?
હવે પ્રશ્ન એ છે કે પંતે ક્યારે એ ભૂલ કરી જેના માટે ઋષભ પંતને ઠપકો આપવામાં આવ્યો. આ મામલો લીડ્સ ટેસ્ટમાં ત્રીજા દિવસની રમતનો છે. ઈંગ્લેન્ડની પહેલી ઇનિંગની 61મી ઓવર દરમિયાન, અમ્પાયરે બોલ ચેક કર્યા પછી તેનો આકાર બદલાયો હોવાનો ઇનકાર કર્યો હતો. આના પર, પંતે અમ્પાયરની સામે જમીન પર બોલ ફેંકીને નારાજગી સાથે પોતાનો વિરોધ વ્યક્ત કર્યો, જેના માટે તેને ઠપકો આપવામાં આવ્યો હતો.
પંતે મેચ રેફરી સામે પોતાની ભૂલ સ્વીકારી
આઈસીસીની પ્રેસ રિલીઝ અનુસાર, ઋષભ પંતે મેચ રેફરી રિચી રિચાર્ડસન સમક્ષ તે મામલે પોતાની ભૂલ સ્વીકારી છે, જેના પછી તે મામલે વધુ સુનાવણીની જરૂર નથી. ઓન-ફિલ્ડ અમ્પાયર પોલ રાઇફલ અને ક્રિસ જાફનીએ પંતના વિરોધ અંગે મેચ રેફરીને ફરિયાદ કરી હતી. તેમના ઉપરાંત, થર્ડ અમ્પાયર શર્ફુદૌલા અને ફોર્થ અમ્પાયર માઇક બર્ન્સે પણ આ આરોપ લગાવ્યો હતો.
લેવલ 1 હેઠળ દોષિત ખેલાડીઓ માટે લઘુત્તમ સજા ઠપકો હોય છે. જ્યારે મહત્તમ સજા તેમની મેચ ફીમાં ૫૦ ટકાનો ઘટાડો અને એક કે બે ડિમેરિટ પોઈન્ટ ઉમેરવાની છે.