રવિ શાસ્ત્રીની મોટી ભવિષ્યવાણી… T20 વર્લ્ડ કપમાં તૂટશે 300 રનની દીવાલ, આ બે ટીમને ગણાવી સૌથી ખતરનાક
આગામી T20 વર્લ્ડ કપ 2026ને લઈને ક્રિકેટ જગતમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ દરમિયાન, ભારતીય ટીમના પૂર્વ કોચ અને દિગ્ગજ કોમેન્ટેટર રવિ શાસ્ત્રીએ એક એવી ભવિષ્યવાણી કરી છે કે, જેણે ચાહકોને ચોંકાવી દીધા છે.

T20 વર્લ્ડ કપ 2026ને લઈને ક્રિકેટ જગતમાં જબરદસ્ત ક્રેઝ જોવા મળી રહ્યો છે. આ દરમિયાન, ભારતીય ટીમના પૂર્વ કોચ અને દિગ્ગજ કોમેન્ટેટર રવિ શાસ્ત્રીએ એક ચોંકાવનારી ભવિષ્યવાણી કરી છે.
કઈ 2 ટીમ 300 રનનો આંકડો પાર કરશે?
શાસ્ત્રીનું માનવું છે કે, આ વર્લ્ડ કપમાં T20 ક્રિકેટનો સૌથી મોટો રેકોર્ડ તૂટી શકે છે અને ટીમ 300 રનનો જાદુઈ આંકડો પાર કરી શકે છે. તેમણે આ રેકોર્ડ માટે ભારત અને ઓસ્ટ્રેલિયાને સૌથી પ્રબળ દાવેદાર ગણાવ્યા છે.
શાસ્ત્રીને પૂછવામાં આવ્યું કે, શું આ વખતે T20માં 300 રન બની શકે છે? ત્યારે તેમણે બેબાક જવાબ આપ્યો. શાસ્ત્રીના જણાવ્યા અનુસાર, ભારત અને ઓસ્ટ્રેલિયા પાસે એવો વિસ્ફોટક ટોપ ઓર્ડર છે કે, જે કોઈપણ બોલિંગ આક્રમણને હંફાવી શકે છે.
શાસ્ત્રીએ તર્ક આપ્યો કે, જો ટોપ ઓર્ડરનો કોઈ એક બેટ્સમેન સદી ફટકારી દે છે, તો ટીમ માટે 300 ની નજીક પહોંચવું શક્ય બની જશે. નોંધનીય છે કે, T20 વર્લ્ડ કપના ઇતિહાસનો અત્યાર સુધીનો સૌથી મોટો સ્કોર 260 રન છે, જે શ્રીલંકાએ વર્ષ 2007માં કેન્યા સામે બનાવ્યો હતો.
ખિતાબની સૌથી પ્રબળ દાવેદાર ટીમ કઈ?
રવિ શાસ્ત્રીએ સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપ હેઠળની ભારતીય ટીમને ખિતાબની સૌથી પ્રબળ દાવેદાર તો ગણાવી છે પરંતુ સાથે જ એક ચેતવણી પણ આપી છે. શાસ્ત્રીનું કહેવું છે કે, ઘરઆંગણે રમવાનું અને ખિતાબ જાળવી રાખવાનું દબાણ ગમે ત્યાંથી આવી શકે છે.
તેમના મતે, T20 મેચમાં ખરાબ 10-15 મિનિટ પણ આખી ટૂર્નામેન્ટની રમત બગાડી શકે છે. ઘણીવાર ખેલાડીઓ દબાણને કારણે જ આ મહત્વપૂર્ણ ક્ષણોમાં ભૂલ કરી બેસે છે. ભારત માટે એ જોવું રસપ્રદ રહેશે કે, તેઓ આ મનોવૈજ્ઞાનિક દબાણને કેવી રીતે સંભાળે છે.
7 ફેબ્રુઆરીએ રમાશે ‘મુકાબલો’
રવિ શાસ્ત્રીએ ટીમ ઈન્ડિયાની તાકાત પર ભરોસો વ્યક્ત કરતા કહ્યું કે, જો ભારત ટૂર્નામેન્ટની શરૂઆત સારી કરશે, તો તે રસ્તામાં આવતા કોઈપણ અવરોધને પાર કરી લેશે. ભારત પોતાના અભિયાનની શરૂઆત 7 ફેબ્રુઆરીએ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં અમેરિકા સામે કરશે.
