શ્રેયસ અય્યર પહેલીવાર IPL ઓક્શનમાં જોવા મળશે, આ કારણે લેવામાં આવ્યો મોટો નિર્ણય
આ પહેલીવાર નથી જ્યારે કોઈ ટીમનો કેપ્ટન IPL ઓક્શનમાં હાજર રહેશે. બે સિઝન પહેલા દિલ્હી કેપિટલ્સનના કેપ્ટન રિષભ પંતે પણ ઓક્શનમાં હાજરી આપી હતી. હવે પંજાબ કિંગ્સનો કેપ્ટન શ્રેયસ અય્યર ઓક્શનમાં હાજર રહેશે તેવા સમાચાર સામે આવ્યા છે.

16 ડિસેમ્બરે, IPLના અધિકારીઓ અબુ ધાબીના એતિહાદ એરેના ખાતે ભેગા થશે. આ 2026 સિઝન માટે ખેલાડીઓના ઓક્શનનો પ્રસંગ હશે. ગયા સિઝનના મેગા ઓક્શન પછી આ વખતે એક મીની ઓક્શન યોજાશે. આ વખતે શ્રેયસ અય્યર ઓક્શનને વધુ ખાસ બનાવવા જઈ રહ્યો છે. પંજાબ કિંગ્સનો કેપ્ટન અય્યર ઓક્શન ટેબલ પર જોવા મળી શકે છે.
શ્રેયસ IPL ઓક્શનમાં થશે સામેલ
એક રિપોર્ટમાં ખુલાસો થયો છે કે ઈજાને કારણે હાલમાં ટીમ ઈન્ડિયાની બહાર રહેલા અય્યર આ વખતે ઓક્શનમાં અબુ ધાબીમાં હોઈ શકે છે. અય્યરે અગાઉ ક્યારેય કોઈ ટીમના કેપ્ટન તરીકે ઓક્શનમાં ભાગ લીધો નથી. જોકે, આ વખતે તે શક્ય છે કારણ કે, પ્રથમ, તે હાલમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી દૂર છે અને બીજું, પંજાબ કિંગ્સ તેના કોચ વિના ઓક્શનમાં જઈ રહ્યું છે.
પંજાબના ઓક્શન ટેબલ પર હાજર રહેશે
હા, ઓકશનમાં અય્યરનો સમાવેશ થવાનું એક મુખ્ય કારણ પંજાબ કિંગ્સનો કોચ રિકી પોન્ટિંગ છે, જે ભાગ લઈ શકશે નહીં. પોન્ટિંગ હાલમાં ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે ચાલી રહેલી એશિઝ શ્રેણી માટે કોમેન્ટ્રી પેનલનો ભાગ છે. તે શ્રેણીના પ્રસારણકર્તા 7 ક્રિકેટ સાથે સંકળાયેલો છે, અને તેથી આ ઓકશનમાં ભાગ લેશે નહીં. જો કે, આની બીજી બાજુ એ છે કે ઓકશનમાં પંજાબ પાસે ખરીદવા માટે ફક્ત ચાર ખેલાડીઓ છે, અને તેથી પોન્ટિંગને આ ઓકશનમાંથી રજા આપવામાં આવી છે.
ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં થયો ઈજાગ્રસ્ત
અય્યર છેલ્લા દોઢ મહિનાથી ક્રિકેટની બહાર છે. ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર ODI શ્રેણી દરમિયાન કેચ લેતી વખતે તેને ઈજા થઈ હતી. તેને પાંસળીમાં ઈજા થઈ હતી. ઓસ્ટ્રેલિયામાં જ તેની સર્જરી થઈ હતી અને ત્યારથી તે રિકવરી અને રિહેબિલિટેશનમાંથી પસાર થઈ રહ્યો છે. જાન્યુઆરી 2026માં ન્યુઝીલેન્ડ સામેની ODI શ્રેણી માટે તે પાછો ફરે તેવી અપેક્ષા છે.
પંત 2024 ઓક્શનમાં હાજર રહ્યો હતો
આ પહેલીવાર નથી જ્યારે કોઈ કેપ્ટન ઓકશનના ટેબલ પર હશે. અગાઉ પણ કેટલાક એવા કિસ્સા બન્યા છે જ્યાં કોઈ કેપ્ટન અથવા સ્ટાર ખેલાડી ઓકશનમાં હાજર રહ્યો હોય. સૌથી લેટેસ્ટ ઉદાહરણ 2024 સિઝનના ઓકશન દરમિયાન હતું, જ્યારે રિષભ પંત, જે અકસ્માતને કારણે આખી સિઝન માટે બહાર રહ્યો હતો, તે તેની ભૂતપૂર્વ ટીમ દિલ્હી કેપિટલ્સ સાથે ઓકશન ટેબલ પર દેખાયો હતો.
આ પણ વાંચો: IND vs SA: ચંદીગઢના નવા સ્ટેડિયમમાં પહેલીવાર રમશે ટીમ ઈન્ડિયા, જાણો IPL મેચોમાં કેવું રહ્યું છે ખેલાડીઓનું પ્રદર્શન
