પાકિસ્તાનને ભલે કરાંચી ટેસ્ટમાં જીત નથી મળી પરંતુ, રાહત જરુર મળી છે. કરાંચીમાં ન્યુઝીલેન્ડ અને પાકિસ્તાન વચ્ચે ટેસ્ટ મેચ રમાઈ હતી. બંને વચ્ચે 2 ટેસ્ટ મેચોની શ્રેણી રમાઈ રહી છે. જેની પ્રથમ ટેસ્ટ મેચ ડ્રો રહી છે. આ પહેલા ઈંગ્લેન્ડે પાકિસ્તાનની આબરુ તેના જ ઘરમાં ધૂળ ધાણી કરી દીધી હતી. પાકિસ્તાનને તેના જ ઘર આંગણે 3 ટેસ્ટ મેચોની શ્રેણીમાં ક્લીન સ્વીપ કરી દીધુ હતુ. આ પહેલા ઓસ્ટ્રેલિયા સામે પણ ઘર આંગણે પાકિસ્તાને હાર મેળવી હતી. હવે ફરી એકવાર તે હારીને શરમજનક સિલસિલો આગળ ના વધે તેની ચિંતામાં શ્રેણીની શરુઆતથી હતુ.
કરાચીમાં રમાયેલી ટેસ્ટનો અંતિમ દિવસ આમતો રોમાંચ ભર્યો હતો. પાકિસ્તાને 137 રનની લીડ બીજી ઈનીંગમાં મેળવી હતી. એ વખતે જ એમ લાગી રહ્યુ હતુ કે, પાકિસ્તાનને હારનો ખતરો ટળી ગયો છે. જોકે પાકિસ્તાને બીજી ઈનીંગ ડીક્લેર કરી દીધી હતી. આમ ન્યુઝીલેન્ડને 15 ઓવરમાં 138 રનનુ લક્ષ્ય મળ્યુ હતુ.
દિવસના અંતિમ સેશનમાં પાકિસ્તાને દાવ ડીક્લેર કરી દીધો હતો. તે સમયે પાકિસ્તાનની ટીમ 311 રન 8 વિકેટના નુક્શાન પર હતી. ન્યુઝીલેન્ડની સરસાઈને બાદ કરતા લક્ષ્ય 138 રનનુ સેટ થયુ હતુ. જોકે દિવસના અંતે માત્ર 15 જ ઓવરની રમત બાકી રહી હતી. એ વખતે જ એમ લાગી રહ્યુ હતુ કે, પાકિસ્તાનની હાર ટળી ગઈ છે. જોકે કિવી બેટ્સમેનોની ચોથી ઈનીંગની રમતની શરુઆત જોતા ખરાબ સૂર્યપ્રકાશની સમસ્યા ના હોત તો મેચ અંતિમ બોલ સુધી રોમાંચક રહી હોત. જોકે રમાયેલી 7.3 ઓવરની દરેક પળ પણ રોમાંચ આપનારી હતી.
કિવી ટીમે લક્ષ્ય સામે 61 રન એક જ વિકેટના નુક્સાન પર નોંધાવ્યા હતા. આમ વધુ 7.3 ઓવરમાં કિવી ટીમે 77 રન જ કરવાના બાકી રહ્યા હતા. જે રન નિકાળવા પાંચમાં દિવસની રમતમાં પિચના હિસાબથી મુશ્કેલ હતા. છતાં મેચનો દરેક બોલ રોમાંચ ધરાવતો હોત એ નક્કી હતુ. જોકે પાકિસ્તાન માટે મેચનુ પરિણામ આબરુ સાથે જોડાયેલુ હતુ. જોકે સૂર્યપ્રકાશની સમસ્યાએ પાકિસ્તાનની આબરુને બચાવી લીધી હતી અને હારનો સિલસિલો અટક્યો હતો.
ટેસ્ટની પ્રથમ ઈનીંગના અંતે ન્યુઝીલેન્ડની ટીમને 174 રનની સરસાઈ મળી હતી. એ વખતે ફરી એકવાર આબરુ ધૂળ ધાણી થવાનો ભય પાકિસ્તાનની ટીમ પર હતો. જોકે પાકિસ્તાને બીજી ઈનીંગમાં 311 રન 8 વિકેટે બનાવી સ્થિતી સંભાળવા પ્રયાસ કર્યો હતો. પાકિસ્તાને પ્રથમ ઈનીંગમાં 438 રન નોંધાવ્યા હતા. કેન વિલિયમસનની બેવડી સદીની મદદથી પ્રવાસી ટીમે 612 રન નોંધાવ્યા હતા. જે સમયે કિવી ટીમે 9 વિકેટ ગુમાવી હતી અને દાવ ડિક્લેર કરી દીધો હતો. જોકે બાબર આઝમ અને તેની ટીમ મેચ ડ્રો થઈ ત્યાં સુધી ચિંતામાં મુકાયેલી હતી.