પાકિસ્તાનના ક્રિકેટરોની પ્રતિક્રિયાઃ ભારતનું નસીબ ખરાબ હતું, ભારત સારુ રમ્યું પણ ઓસ્ટ્રેલિયા તેનાથી સારુ રમ્યું, વર્લ્ડ કપ ઉતાર-ચઢાવથી ભરેલો રહ્યો-જુઓ વીડિયો
ક્રિકેટ વિશ્વ કપની ફાઈનલમાં ઓસ્ટ્રેલિયાની જીત અને ભારતની હાર પર પાકિસ્તાનના ક્રિકેટરોએ પણ પ્રતિક્રિયા આપી છે. મોહમ્મદ રિઝવાને ભારતના પ્રયાસને બિરદાવ્યા હતા. તો કામરાન અકમલે લખ્યુ કે, આ વર્લ્ડ કપ ઉતાર-ચઢાવથી ભરેલો રહ્યો.

ક્રિકેટ વિશ્વ કપની ફાઈનલ મેચમાં, ઓસ્ટ્રેલિયાએ ભારતને હરાવીને છઠ્ઠી વખત વિશ્વ ચેમ્પિયન બન્યું છે. અમદાવાદના મોટેરા સ્થિત નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં, ગઈકાલ 19મી નવેમ્બરે રમાયેલ વન ડે ઈન્ટરનેશનલ વિશ્વ કપની ફાઈનલ મેચમાં ભારત સામે છ વિકેટે જીત મેળવી હતી. આ વિશ્વ કપમાં લીગ મેચથી લઈને સેમિ ફાઈનલ સુધીની ભારતની 10 મેચની વિજયકૂચને ઓસ્ટ્રેલિયાએ ફાઈનલમાં અટકાવી દીધી હતી. મેચના પરિણામ બાદ, ક્રિકેટ જગત સાથે સંકળાયેલા સૌ કોઈની સોશિયલ મીડિયા ઉપર એક પછી એક પ્રતિક્રિયાઓ આવી રહી છે. પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન બાબર આઝમે ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને લખ્યું કે, ક્રિકેટ ઓસ્ટ્રેલિયાને અભિનંદન, ફાઈનલમાં કમાન્ડિંગ પ્રદર્શન.
પાકિસ્તાનના અનેક ખેલાડીઓએ ઓસ્ટ્રેલિયાની જીત અને ભારતની હાર પર સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયા આપી છે. પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર વસીમ અકરમે લખ્યું છે કે, ઓસ્ટ્રેલિયાને વર્લ્ડ ચેમ્પિયન બનવા બદલ અભિનંદન. ઓસી ઓસી ઓયે ઓયે. આ પ્રતિક્રિયા લખવાની સાથે વસીમ અકરમે, શનૈરા વસીમને ટેગ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, શનૈરા વસીમ મૂળ ઓસ્ટ્રેલિયાની છે અને વસીમ અકરમની પત્નિ છે.

wasim akram
રાવલપીંડી એક્સપ્રેસના નામે જાણીતા પાકિસાતનના પૂર્વ ફાસ્ટ બોલર, શોએબ અખ્તરે સોશિયલ મીડિયા પર વીડિયો પોસ્ટ કરવાની સાથે કહ્યું- ઓસ્ટ્રેલિયા છઠ્ઠી વખત વર્લ્ડ કપ જીત્યું છે. 1987 થી જીતી રહ્યા છે. આ ટીમ એક યા બીજુ કરે છે અને તેથી જ તે ઘણા વર્લ્ડ કપ જીતે છે. ભારત ફાઇનલમાં નસીબના જોરે નથી પહોચ્યું. પરંતુ તે સારું રમીને ત્યાં પહોંચ્યુ હતું. ટીમ ઈન્ડિયા સતત 10 મેચ જીતીને લડાઈ કરીને ત્યાં પહોંચી હતી.
વિકેટ જોઈને મને દુઃખ થયું. મને લાગ્યું કે ફાઈનલ માટે આનાથી સારી વિકેટ હોઈ શકે છે. જો વિકેટ થોડી ઝડપી કે બાઉન્સ થઈ હોત, જો તમે મેચ લાલ પીચ પર રમી હોત, તો તમારે ટોસ પર આટલું નિર્ભર ન રહેવું પડત. તમે ટોસ હાર્યા કે તરત જ તમે વિચાર્યું કે અમે સ્પિનરોને કામે લગાડીને ઓસ્ટ્રેલિયાના બેટ્સમેનને ફસાવીશું, જે થઈ શક્યું નહીં. મને ટીમ ઈન્ડિયાનો અભિગમ પસંદ ના આવ્યો. ભારત વર્લ્ડ કપ હારી ગયું છે. જો ત્યાં કોઈ હતું જે ભારતને રોકી શકે તેમ હતા તે ઓસ્ટ્રેલિયાએ તેમને રોક્યા છે.
પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર, વકાર યુનિસે પણ ઓસ્ટ્રેલિયાની જીતની ઉજવણી કરી હતી. તેણે લખ્યું- તમને પહેલા પણ કહ્યું હતું. પેટ કમિન્સ અને તેની ટીમના સાથીઓને અભિનંદન. ઓસી ઓસી ઓયે ઓયે ઓયે.
કામરાન અકમલે લખ્યું- ઓસ્ટ્રેલિયન ટીમને આટલી જોરદાર રીતે વર્લ્ડ કપ જીતવા બદલ અભિનંદન. આ વર્લ્ડ કપ તમારા માટે ઉતાર-ચઢાવથી ભરેલો રહ્યો છે અને અંતે તમે લોકો ચેમ્પિયન છો. હાડ લક ટીમ ઈન્ડિયા. તમે લોકોએ આ વર્લ્ડ કપ દરમિયાન શાનદાર ક્રિકેટ રમી હતી.
જુઓ વીડિયો
પાકિસ્તાનના વિકેટકિપર મોહમ્મદ રિઝવાને સોશિયલ મીડિયા એકસ પર પોસ્ટ કરીને લખ્યું – આખા વર્લ્ડ કપમાં ભારત જે રીતે ક્રિકેટ રમ્યું તે અદ્ભુત હતું, પરંતુ ઓસ્ટ્રેલિયાએ ફાઇનલમાં શાનદાર ક્રિકેટ રમ્યું. ઓસ્ટ્રેલિયાને છઠ્ઠી વખત વર્લ્ડ ચેમ્પિયન બનવા બદલ અભિનંદન.
પાકિસ્તાનના નવા ટી-20 કેપ્ટન શાહીન શાહ આફ્રિદીએ પણ સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયા આપતા લખ્યું- વર્લ્ડ કપ ટાઈટલ જીતવા પર ક્રિકેટ ઓસ્ટ્રેલિયાને ખૂબ ખૂબ અભિનંદન. અંતિમ દિવસે ચોક્કસપણે શ્રેષ્ઠ ટીમ તરીકે ઉભરી. ભારતનું નસીબ ખરાબ હતું, પરંતુ ટીમે સમગ્ર ટૂર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું.
પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન શોએબ મલિકે લખ્યું- ટીમ ઓસ્ટ્રેલિયા જીતની હકદાર છે. ટીમ ઈન્ડિયાએ સમગ્ર વિશ્વ કપ દરમિયાન શાનદાર પ્રદર્શન કર્યું, પરંતુ મેં હંમેશા કહ્યું છે કે ટીમ ઓસ્ટ્રેલિયા દબાણમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરે છે અને તેણે ફાઇનલમાં ફરી એકવાર સાબિત કર્યું.