Breaking News: મહેન્દ્ર સિંહ ધોનીને ફટકો, હાઈકોર્ટે 10 લાખ જમા કરાવવાનો આદેશ આપ્યો; આખરે શું છે સમગ્ર મામલો?
ક્રિકેટર એમ.એસ. ધોનીને મોટો ફટકો પડ્યો છે. મદ્રાસ હાઈકોર્ટે ધોનીને જણાવ્યું છે કે, એક સીડી (CD) માં રહેલા પુરાવાઓને ટ્રાન્સક્રાઇબ (લખાણમાં ફેરવવા) કરવાનો ખર્ચ તેમણે પોતે ભોગવવો પડશે, જે ખર્ચ આશરે 10 લાખ રૂપિયા છે.

વર્ષ 2013 ના IPL બેટિંગ કૌભાંડ પર એક પ્રાઇવેટ ટેલિવિઝન ડિબેટ દરમિયાન નિવૃત્ત IPS જી. સંપત કુમારે આરોપ લગાવ્યો હતો કે, CSK પ્લેયર મહેન્દ્ર સિંહ ધોની પણ આ મામલામાં સંડોવાયેલો હતો. આ મુદ્દે ધોનીએ નિવૃત્ત અધિકારી સામે 100 કરોડ રૂપિયાનો માનહાનિનો દાવો દાખલ કર્યો છે.
આદેશમાં જસ્ટિસે શું જણાવ્યું?
જસ્ટિસ આર.એન. મંજુલાએ ધોની દ્વારા દાખલ કરવામાં આવેલા એક કેસ પર 11 ફેબ્રુઆરીએ વચગાળાનો આદેશ પસાર કરતા આ નિર્દેશ આપ્યો હતો. પોતાના આદેશમાં જસ્ટિસે જણાવ્યું હતું કે, 28 ઓક્ટોબર, 2025 ના આદેશ અનુસાર, આ કોર્ટના દુભાષિયા (interpreter) એ આ કેસ સંબંધિત સીડી (CD) ની સામગ્રી લખવા અને તેનો અનુવાદ કરવાનું કાર્ય સંભાળ્યું છે. જો કે, આ આદેશ જરૂરી ફીની ચુકવણીની શરતે પસાર કરવામાં આવ્યો છે.
ન્યાયાધીશે વધુમાં જણાવ્યું હતું કે, દુભાષિયા પાસેથી જાણવા મળ્યું છે કે, આ એક ખૂબ જ મોટું કામ છે. બીજું કે, તેને પૂર્ણ કરવામાં ઓછામાં ઓછા એક દુભાષિયા અને એક ટાઇપિસ્ટનો લગભગ ત્રણથી ચાર મહિનાનો સમય લાગશે તેમજ ખર્ચ પણ થશે.
તેમણે જણાવ્યું હતું કે, એક દુભાષિયાનો પૂરો સમય અને એક ટાઇપિસ્ટની પણ જરૂરિયાત છે તેમજ નકલો તૈયાર કરવામાં વધારાનો ખર્ચ પણ છે. તેથી ટ્રાન્સક્રિપ્શન (લેખન) અને અનુવાદ માટેની ફી 10 લાખ રૂપિયા નક્કી કરવામાં આવી હતી, જે ધોની પક્ષે ચૂકવવાપાત્ર છે.
દુભાષિયાની નિમણૂક કરવી જરૂરી
ન્યાયાધીશે કહ્યું કે, સામાન્ય સંજોગોમાં અને કોઈપણ મુકદ્દમામાં આ વાદી (ધોની પક્ષ) નું કામ હોય છે અને તેણે પોતાની ફરિયાદ સાથે દસ્તાવેજો રજૂ કરવાના હોય છે. જજ મુજબ, સંજોગોને જોતા સત્તાવાર દુભાષિયાની નિમણૂક કરવી જરૂરી હતી અને જેવી રીતે 28 ઓક્ટોબર, 2025 ના અગાઉના આદેશમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે, તેથી વાદી માટે કરવામાં આવેલા કામના ખર્ચની ચુકવણી કરવી અનિવાર્ય છે.
જજે દુભાષિયાને નિર્દેશ આપ્યો કે, તેઓ સીડી (CD) ની સામગ્રીનું ટ્રાન્સક્રિપ્શન અને અનુવાદ માર્ચ 2026 ના ત્રીજા અઠવાડિયા પહેલા પૂર્ણ કરી લે. તેમણે વધુમાં જણાવ્યું કે, વાદીએ (ધોનીએ) મદ્રાસ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ રાહત ફંડમાં 12 માર્ચ, 2026 ના રોજ અથવા તે પહેલાં 10 લાખ રૂપિયાની ચુકવણી કરવાની રહેશે. જજે આ મામલાની આગામી સુનાવણી 12 માર્ચના રોજ નક્કી કરી છે.
