IPL Auction : IPL ઓક્શનની તારીખ આવી સામે, જાણો ક્યારે અને ક્યાં થશે ખેલાડીઓની હરાજી
IPL 2026 માટે યોજાનાર ઓક્શનને લઈને એક મોટી અપડેટ સામે આવી છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે મીની ઓક્શનની તારીખ અને સ્થળ અંગે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. નોંધપાત્ર વાત એ છે કે, આ વખતે પણ ઓક્શન ભારતની બહાર યોજાશે.

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026 પહેલા ખેલાડીઓના ભાવિનો નિર્ણય ઓક્શનમાં લેવામાં આવશે. આ વખતે, એક મીની-ઓક્શન યોજાશે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ આ ઓક્શન ક્યારે અને ક્યાં થશે તે અંગે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. IPL 2026 મીની ઓક્શન વિદેશમાં યોજાશે. આ સતત ત્રીજી વખત હશે જ્યારે ભારતની બહાર ઓક્શન થશે. અગાઉ 2023 માં દુબઈમાં અને 2024 માં સાઉદી અરેબિયાના જેદ્દાહમાં ઓક્શન યોજાયો હતો.
IPL ઓક્શન અંગે BCCIનો મોટો નિર્ણય
એક અહેવાલ મુજબ, IPL 2026 માટે ઓક્શન સંયુક્ત આરબ અમીરાતની રાજધાની અબુ ધાબીમાં યોજાશે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ના એક વરિષ્ઠ અધિકારીએ આ માહિતી જાહેર કરી હતી. ગયા વર્ષે સાઉદી અરેબિયામાં યોજાયેલા મેગા હરાજી બાદ, આ વખતે મીની ઓક્શન યોજાશે. અબુ ધાબીને ઓક્શનના સ્થળ તરીકે પસંદ કરવામાં આવ્યું છે.
15 કે 16 ડિસેમ્બરે ઓક્શન થશે
અહેવાલો અનુસાર, ઓક્શન 15 કે 16 ડિસેમ્બરે યોજાવાની શક્યતા છે. IPL ઓક્શન હંમેશા ચર્ચાનો વિષય રહ્યો છે. ફેન્સ તેમની મનપસંદ ટીમ દ્વારા ખરીદાયેલા ખેલાડીની આતુરતાથી રાહ જુએ છે. જો કે, હરાજી પહેલા એક ટ્રેડ વિન્ડો પણ ખુલ્લી છે, જે ખેલાડીઓની આપ-લે કરવાની મંજૂરી આપે છે. જો કે, આ વિન્ડો પણ હરાજીના સાત દિવસ પહેલા બંધ થઈ જશે.
ઓક્શન પહેલા ટીમમાં ફેરફાર થશે?
IPL 2026 મેગા ઓક્શન પહેલા એક મોટી ટ્રેડ વિન્ડોમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળી શકે છે. એક અહેવાલ મુજબ, રવિન્દ્ર જાડેજા અને સેમ કરનના બદલામાં સંજુ સેમસન માટેનો ટ્રેડ લગભગ નક્કી છે. ઓક્શન પહેલા સંજુ સેમસન ચેન્નાઈ સુપર કિંગ્સમાં જોડાઈ શકે છે. જ્યારે રવિન્દ્ર જાડેજા અને સેમ કરન રાજસ્થાન રોયલ્સમાં જોડાઈ શકે છે.
ટ્રેડ વિન્ડો ઓપન
ટ્રેડ વિન્ડો એ સમય છે જે દરમિયાન કોઈપણ IPL ફ્રેન્ચાઈઝી બીજી ફ્રેન્ચાઈઝી સાથે ખેલાડીઓની આપ-લે કરી શકે છે. બધી 10 ટીમો આ વિન્ડોનો ઉપયોગ તેમની નબળી કડીઓને મજબૂત કરવા માટે કરે છે. આ વિન્ડો IPL સિઝન સમાપ્ત થયાના બરાબર સાત દિવસ પછી ખુલે છે અને હરાજીના સાત દિવસ પહેલા બંધ થાય છે.
આ પણ વાંચો: Sanju Samson Birthday: સંજુ સેમસનને રાજસ્થાન રોયલ્સ તરફથી રમતા 11 વર્ષમાં કરી કરોડોની કમાણી
