શું ભગવાનના ચરણે ધરાવેલું કરોડોનું સોનું LSGને ટ્રોફી જીતવામાં મદદ કરશે?
IPL 2025 ફરી શરૂ થાય તે પહેલા લખનૌ સુપર જાયન્ટ્સના માલિક ભગવાનના શરણમાં પહોંચ્યા હતા. તેમણે કરોડોનું સોનું અર્પણ કર્યું અને ટીમની જીત માટે પ્રાર્થના કરી. તેમણે સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરી હતી.

આ સિઝનમાં લખનૌ સુપર જાયન્ટ્સ સાથે કંઈ સારું ચાલી રહ્યું નથી. IPLના ઈતિહાસના સૌથી મોંઘા ખેલાડી રિષભ પંતને LSGનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો, પરંતુ તે સુપરફ્લોપ રહ્યો. તેના પ્રદર્શનની ટીમ પર અસર પડી અને LSG હાલ પોઈન્ટ ટેબલમાં સાતમા સ્થાને છે. તેમના માટે પ્લેઓફમાં પહોંચવું મુશ્કેલ છે. આવી સ્થિતિમાં, ટીમની જીત માટે પ્રાર્થના કરવા માટે, LSGના માલિક સંજીવ ગોએન્કા તેમના પરિવાર સાથે તિરુપતિ તિરુમાલા મંદિર પહોંચ્યા અને ત્યાં પ્રાર્થના કરી. આ દરમિયાન તેમણે ભગવાનને કરોડો રૂપિયાનું સોનું અર્પણ કર્યું.
સંજીવ ગોએન્કાએ કરોડોનું સોનું અર્પણ કર્યું
શુક્રવાર, 16 મે, IPL 2025 ફરી શરૂ થવાના એક દિવસ પહેલા, લખનૌ સુપર જાયન્ટ્સના માલિક સંજીવ ગોએન્કા પરિવાર સાથે તિરુપતિ તિરુમાલા મંદિરમાં દર્શન કરવા પહોંચ્યા. આ મંદિર ભગવાન વેંકટેશ્વરને સમર્પિત છે, જેમને ભગવાન વિષ્ણુનો અવતાર માનવામાં આવે છે. સંજીવ ગોયેન્કાએ પરિવાર સાથે આ મંદિરમાં પૂજા કરી અને ભગવાનના ચરણોમાં કરોડો રૂપિયાનું સોનું અર્પણ કર્યું. LSGના માલિકે તેનો ફોટો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે. આમાં તેમણે લખ્યું, “આજે તિરુપતિ દેવસ્થાનમમાં દિવ્ય દર્શન કરી હું ખરેખર ધન્ય થઈ ગયો.”
Truly blessed to have a divine darshan at Tirupati Devasthanam today. pic.twitter.com/qgkngvJBrx
— Dr. Sanjiv Goenka (@DrSanjivGoenka) May 16, 2025
IPL 2025માં LSGનું ખરાબ પ્રદર્શન
આ સિઝનમાં LSG ટીમનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું છે. ટીમ 11 મેચમાંથી માત્ર 5 મેચ જીતી શકી છે, જ્યારે 6 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. તેનો રન રેટ -0.469 છે. આવી સ્થિતિમાં, હવે LSGએ પોતાની ત્રણેય મેચ મોટા માર્જિનથી જીતવી પડશે. આ પછી પણ, તેઓ પ્લેઓફમાં પહોંચી શકશે તેવી શક્યતા ખૂબ જ ઓછી છે. કારણ કે હાલમાં પોઈન્ટ ટેબલમાં LSG સાતમા સ્થાને છે. તેની ઉપર 6 ટીમો છે.
ચમત્કાર જ LSGને પ્લેઓફમાં લઈ જઈ શકે
ગુજરાત ટાઈટન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુને પ્લેઓફમાં પહોંચવા માટે ફક્ત એક જીતની જરૂર છે. આ પછી, બાકીની ચાર ટીમોના પોઈન્ટ પણ LSG કરતા વધુ છે. આવી સ્થિતિમાં, ફક્ત કોઈ ચમત્કાર જ LSGને પ્લેઓફમાં લઈ જઈ શકે છે. આ સિવાય ટીમના કેપ્ટન રિષભ પંતે બાકીની ત્રણ મેચમાં પોતાના બેટથી મોટી ઈનિંગ રમવી પડશે.
આ પણ વાંચો: Vaibhav Suryavanshi : 14 વર્ષના વૈભવ સૂર્યવંશીએ પ્લેનમાં એવું શું કર્યું કે બધા તેને કરી રહ્યા છે સલામ, જુઓ વીડિયો
