હવે બરાબર 11 દિવસ બાદ જામશે ક્રિકેટનો જબરદસ્ત જંગ. દુનિયાભરના સ્ટાર ક્રિકેટરો ભારતમાં શાનદાર પ્રદર્શન કરતા નજર આવશે. વાત IPL 2023 ની શરુઆતની છે. 31 માર્ચથી ઈન્ડિયન પ્રીમિયર લીગની આગામી સિઝનની શરુઆત થશે. સિઝનની પ્રથમ મેચમાં ગુજરાત ટાઈટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ એકબીજાના આમને સામને થશે. બંનેની ટક્કર સાથે જ ટૂર્નામેન્ટની શરુઆત થશે. સિઝનની શરુઆત પહેલા જ મોટા ભાગની ટીમોએ ઈજાની પરેશાનીનો સામનો કરવો પડ્યો છે. જેના કારણે અન્ય નવા ખેલાડીઓને ટીમો પોતાની સાથે જોડી રહી છે. ધોનીની ટીમ ચેન્નાઈએ પણ પોતાની સાથે એક ખેલાડીને જોડ્યો છે.
નવો ખેલાડી ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમના કાઈલ જેમિસનનુ સ્થાન લેશે. જેમિસન ઈજાને લઈ ટૂર્નામેન્ટની બહાર થયો છે. નવા ખેલાડીને ચેન્નાઈએ પોતાની સાથે જોડીને તે અંગેની જાણકારી આપી છે. ચેન્નાઈની ટીમમાં દક્ષિણ આફ્રિકાનો સિસાંદા મગલા જોડાયો છે. સિસાંદા દક્ષિણ આફ્રિકાનો ઝડપી બોલર છે. આ માટેની જાણકારી ટ્વીટ કરીને ચેન્નાઈએ ફેન્સને આપી છે. ઉલ્લેખનીય છે કે, મગાલાએ 2022 ના આઈપીએલ ઓક્શનમાં પોતાનુ નામ રજીસ્ટર કરાવ્યુ હતુ, પરંતુ તેમાં કોઈએ તેને પોતાની સાથે જોડ્યો નહોતો.
Lion Alert 🦁
Sisanda Magala is now a Superking!#WhistlePodu #Yellove 💛
— Chennai Super Kings (@ChennaiIPL) March 19, 2023
તાજેતરમાં જ દક્ષિણ આફ્રિકામાં SA20 લીગ ટી20 ફોર્મેટમાં રમાઈ હતી. આ દરમિયા મગાલાએ શાનદાર પ્રદર્શન કર્યુ હતુ. જે તેને ફળ્યુ હોય એમ સીધો જ ધોનીની ટીમનો હિસ્સો બન્યો છે. ચેન્નાઈએ તેને 50 લાખ રુપિયામાં પોતાની ટીમ સાથે જોડ્યો છે. મગાલા દક્ષિણ આફ્રિકાની ટી20 લીગમાં સનરાઈઝર્સ ઈસ્ટર્ન કેપ માટે રમયો હતો અને જેમાં તેણે 12 મેચ રમીને 14 વિકેટ ઝડપી હતી. તે સનરાઈઝર્સના સફળ બોલરો પૈકીનો બીજો હતો. સનરાઈઝર્સ ટીમ પ્રથમ સિઝનનુ ટાઈટલ પોતાના નામે કરવામાં સફળ રહી હતી. ફાઈનલ મેચમાં મગાલાએ 30 રન ગુમાવીને 2 વિકેટ ઝડપી હતી.
દક્ષિણ આફ્રિકાના જમણેરી ઝડપી બોલર મગાલાએ ઈંગ્લેન્ડ સામેની વનડે મેચમાં જાન્યુઆરી મહિનામાં 3 વિકેટ ઝડપી હતી. મગાલાએ 2021માં જ દક્ષિણ આફ્રિકા માટે ODI અને T20 ફોર્મેટ માં ડેબ્યૂ કર્યુ હતુ. મગાલાએ 5 વનડે મેચ અને 4 ટી20 આંતરરાષ્ટ્રી. મેચ અત્યાર સુધી રમી છે. જેમાં વનડેમાં 6 અને ટી20માં 3 વિકેટ ઝડપી છે. ટી20 મેચોમાં તેના પ્રદર્શન અને રેકોર્ડ પર નજર કરવામાં આવે તો, મગાલાએ 127 મેચ રમીને 136 વિકેટ પોતાના નામે કરી છે. જ્યારે 2 અડધી સદી સાથે 735 રન નોંધાવ્યા છે. તે નિચલા ક્રમે ઉપયોગી બેટર સાબિત થઈ શકે છે.