IPL 2022: મુંબઈ સામે Pat Cummins એ બેટ વડે મચાવી દીધી ધમાલ, 14 બોલમાં અડધી સદી ફટકારી નોંધાવી દીધા વિક્રમ
પેટ કમિન્સ (Pat Cummins) ની ગણતરી વિશ્વના સર્વશ્રેષ્ઠ બોલરોમાં થાય છે, પરંતુ આ મેચમાં તેના બોલ નહીં, પરંતુ તેના બેટથી કોલકાતાએ જીત મેળવી હતી.

ઈન્ડિય પ્રીમિયર લીગ 2022 (IPL 2022) માં બુધવારે કોલકાતા નાઈટ રાઈડર્સ (kolkata knight Riders) નો મુંબઈનો મુકાબલો થયો હતો. આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા મુંબઈએ કોલકાતા સામે 162 રનનો ટાર્ગેટ આપ્યો હતો. કોલકાતા માટે આ લક્ષ્ય હાંસલ કરવું મુશ્કેલ બની રહ્યું હતું કારણ કે મુંબઈના બોલરો સારી બોલિંગ કરી રહ્યા હતા. કોલકાતાએ તેના મહત્વના બેટ્સમેનોની વિકેટ ગુમાવી દીધી હતી. આન્દ્રે રસેલ પાસેથી અપેક્ષાઓ હતી, પરંતુ તે પણ મુંબઈની શોર્ટ-બોલની રણનીતિમાં ફસાઈ ગયો હતો. રસેલ 14મી ઓવરના પહેલા બોલ પર આઉટ થયો અને અહીંથી કોલકાતાને જીતવા માટે 41 બોલમાં 61 રનની જરૂર હતી. જોકે વેંકટેશ અય્યર બીજા છેડે હતો અને સારું રમી રહ્યો હતો, પરંતુ તેમ છતાં ટીમની જીત મુશ્કેલ જણાતી હતી. પરંતુ તે પછી પેટ કમિન્સ (Pat Cummins) આવ્યો હતો અને તેણે બેટથી પોતાની તોફાની અંદાજને બતાવી અને ચાર ઓવર પહેલા જ કોલકાતાને વિજય અપાવ્યો હતો.
કમિન્સ જે પ્રકારની બેટિંગ કરે છે તેવી કોઈને અપેક્ષા ન હતી, એટલુ જ નહી કોલકાતા અને કમિન્સે પોતે પણ કરી નહી હોઈ શકે. કમિન્સે આવતાની સાથે જ છગ્ગા અને ચોગ્ગાનો વરસાદ કર્યો હતો અને અડધી સદી ફટકારી હતી. આ સાથે તેણે કેટલાક રેકોર્ડ પણ બનાવ્યા. કમિન્સે આ મેચમાં 15 બોલમાં અણનમ 56 રન બનાવ્યા હતા. તેની ઇનિંગમાં છ છગ્ગા અને ચાર ચોગ્ગા સામેલ હતા.
સૌથી ઝડપી પચાસ રન
કમિન્સે આ મેચમાં માત્ર 14 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી અને તે IPL માં સૌથી ઝડપી અડધી સદી ફટકારનાર બેટ્સમેન બની ગયો છે. તેણે આ મામલે કેએલ રાહુલની બરાબરી કરી લીધી છે. રાહુલે આ કામ 2018 માં આઈએસ બિન્દ્રા સ્ટેડિયમમાં દિલ્હી ડેરડેવિલ્સ સામે કિંગ્સ ઈલેવન પંજાબ (પંજાબ કિંગ્સ) તરફથી રમતા કર્યું હતું. આ મામલામાં યુસુફ પઠાણ અને સુનીલ નરેન બીજા નંબરે છે. આ બંનેએ IPL માં 15-15 બોલમાં અડધી સદી ફટકારી હતી.
એક ઓવરમાં 35 રન ફટકાર્યા
કમિન્સ 14મી ઓવરમાં મેદાનમાં ઉતર્યો હતો. આ ઓવરના પાંચમા બોલ પર તેણે ટિમલ મિલ્સને સિક્સર ફટકારી અને છેલ્લા બોલ પર ચોગ્ગો ફટકાર્યો. કમિન્સે અહીંથી જે આક્રમક સ્વરૂપ બતાવ્યું તે મુંબઈની હારનું મોટું કારણ બન્યું. કમિન્સે બુમરાહને પણ છોડ્યો ન હતો. બુમરાહે 15મી ઓવર નાંખી, આ ઓવરનો બીજો અને ત્રીજો બોલ ખાલી રમ્યો પણ ચોથા અને પાંચમા બોલ પર સળંગ સિક્સર અને ફોર ફટકારી. આ પછી એવી ઓવર આવી જેણે કોલકાતાને જીત અપાવી.
ડેનિયલ સેમ્સ 16મી ઓવર લાવ્યો. કમિન્સે પ્રથમ બોલ પર શાનદાર સિક્સર ફટકારી હતી. તેના આગળના બોલ પર ચોગ્ગો ફટકાર્યો. તેણે ત્રીજા અને ચોથા બોલ પર વધુ બે સિક્સર ફટકારી હતી. પાંચમા બોલ પર બે રન આવ્યા. અહીં કમિન્સ આઉટ થતા બચી ગયો. કમિન્સના શોટ પર સૂર્યકુમારે શાનદાર કેચ લીધો પરંતુ આ બોલ નો બોલ જાહેર થયો હતો અને બે રન મળ્યા. પછીના બોલ પર કમિન્સે ચોગ્ગો ફટકારીને પોતાની ફિફ્ટી પૂરી કરી અને અંતિમ બોલ પર તેણે સિક્સર ફટકારી. આ ઓવરમાં કુલ 35 રન આવ્યા હતા. આઈપીએલના ઈતિહાસમાં આ બીજી સૌથી મોંઘી ઓવર છે.
તેની પ્રથમ મેચ રમી રહ્યો હતો
સિઝનમાં કમિન્સ પોતાની પ્રથમ મેચ રમી રહ્યો હતો. અગાઉ તે પોતાની રાષ્ટ્રીય ટીમ સાથે પાકિસ્તાનના પ્રવાસે હતો અને પછી શેન વોર્નના અંતિમ સંસ્કારમાં હાજરી આપવા ગયો હતો. તે એક તારીખે પાછો ફર્યો અને ત્રણ દિવસનુ ક્વોરેન્ટાઇન પૂર્ણ કર્યુ હતુ. જોકે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના નિયમને કારણે તે 5 એપ્રિલ પહેલા રમી શક્યો ન હતો. આ મેચ તેની આ સિઝનની પ્રથમ મેચ હતી જે તેણે પોતાના બેટથી યાદગાર બનાવી દીધી છે.
આ પણ વાંચો : KKR vs MI: રોહિત શર્મા IPL માં ઉમેશ યાદવ સામે લાચાર, વધુ એકવાર ‘હિટમેન’ નો ફ્લોપ શો
આ પણ વાંચો : Sabarkantha: હિંમતનગરમાં કોંગ્રેસ, પાટીદાર અને રાજપૂત અગ્રણીઓ ભાજપમાં જોડાયા, સીઆર પાટીલે કરાવ્યા કેસરીયા
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-