IPL 2022 Mega Auction: આગામી ફેબ્રુઆરીમાં બેંગલુરુમાં યોજાશે મેગા ઓક્શન, અમદાવાદ અને લખનઉ સહિતની 10 ફેન્ચાઇઝી આ દિવસે થશે એકઠા
IPL 2022 મેગા ઓક્શન (IPL Mega Auction) માં 10 ટીમો સામેલ થશે. જેમાં લખનૌ અને અમદાવાદ (Ahmedabad) ના રૂપમાં બે નવી ટીમો પ્રથમ વખત હરાજીમાં ભાગ લેશે.
IPL 2022 ની મેગા ઓક્શન (IPL Mega Auction) બે દિવસ ચાલશે અને 12 અને 13 ફેબ્રુઆરીએ બેંગ્લુરુમાં યોજાશે. IPL ના ઈતિહાસમાં આ અત્યાર સુધીની સૌથી મોટી હરાજી હશે. મીડિયા રિપોર્ટ અનુસાર મેગા ઓક્શન માટે ખેલાડીઓની યાદી જાન્યુઆરી સુધીમાં નક્કી કરવામાં આવશે. આ માટે, ખેલાડીઓ હજુ પણ બે નવી ટીમો દ્વારા જાળવી રાખવાની રાહ જોઈ રહ્યા છે. IPL 2022 થી લખનૌ અને અમદાવાદ (Ahmedabad) ના રૂપમાં બે નવી ટીમો જોડાઈ રહી છે. તેમને વધુમાં વધુ ત્રણ ખેલાડીઓને જાળવી રાખવાનો અધિકાર મળ્યો છે. આ રીટેન્શન મેગા ઓક્શન પહેલા કરવાની રહેશે.
અગાઉ નવી ટીમોને જાળવી રાખવાની છેલ્લી તારીખ 25 ડિસેમ્બર હતી, પરંતુ હવે આ સમયમર્યાદા લંબાવી શકાય છે. કારણ કે સીવીસી કેપિટલને હજુ સુધી અમદાવાદ ફ્રેન્ચાઈઝીનો લેટર ઓફ ઈન્ટેન્ટ મળ્યો નથી.
CVC કેપિટલ સટ્ટાબાજીની કંપનીઓ સાથેના સંબંધોને કારણે વિવાદમાં આવી હતી. જેના કારણે BCCI એ કાયદાકીય સલાહ લેવી પડી હતી. હવે તે પ્રકાશમાં આવ્યું છે કે સીવીસી કેપિટલને કાયદાકીય નિષ્ણાતો તરફથી ક્લીનચીટ મળી છે અને ટૂંક સમયમાં બીસીસીઆઈ તેને અમદાવાદની સત્તાવાર માલિકી આપશે.
નવી ટીમ લખનૌ સાથે આવી કોઈ ગડબડ નથી. આ જ કારણ છે કે તેણે તેના મુખ્ય કોચ (એન્ડી ફ્લાવર), સહાયક કોચ (વિજય દહિયા) અને માર્ગદર્શક (ગૌતમ ગંભીર) પણ પસંદ કર્યા છે. કેએલ રાહુલ (KL Rahul) ના લખનૌસાથે જોડાવવાના સમાચાર પણ જોરમાં છે. આ સિવાય બેન સ્ટોક્સ પણ આ ટીમનો ભાગ બની શકે છે.
90 કરોડનું કુલ પર્સ અપાયુ હતું
દરમિયાન પહેલાથી જ અસ્તિત્વમાં રહેલી આઠ ટીમોએ 30 નવેમ્બરના રોજ તેમના રિટેન કરાયેલા ખેલાડીઓ વિશે માહિતી આપી હતી. હરાજી પહેલા તમામ ટીમોને 90 કરોડ રૂપિયાનું પર્સ આપવામાં આવ્યું હતું. રિટેન કરવા પર, પર્સમાંથી પૈસા કપાઈ જાય છે. નવી ટીમોના રિટેન કરાયેલા ખેલાડીઓના નામ જાહેર થયા બાદ તેમના પર્સ પણ ફાઈનલ કરવામાં આવશે. બાકીના પર્સ સાથે આઈપીએલ મેગા ઓક્શનમાં ખેલાડીઓની બોલી લગાવી શકાશે.
જૂની ટીમોના પર્સની સ્થિતી
જૂની ટીમોની વાત કરીએ તો CSK પાસે 48, દિલ્હી કેપિટલ્સ પાસે 47.50, કોલકાતા નાઈટ રાઈડર્સ પાસે 48, મુંબઈ ઈન્ડિયન્સ પાસે 48, પંજાબ કિંગ્સ પાસે 72, રાજસ્થાન રોયલ્સ પાસે 62, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર પાસે 57 વધુ સનરાઈઝર્સ હૈદરાબાદ પાસે 68 કરોડ રૂપિયા છે. CSK, મુંબઈ, કોલકાતા, દિલ્હીએ ચાર-ચાર ખેલાડીઓને જાળવી રાખ્યા હતા. જ્યારે રાજસ્થાન, બેંગ્લોર, હૈદરાબાદે ત્રણ-ત્રણ ખેલાડીઓને રિટેન કર્યા હતા. પંજાબે માત્ર બે ખેલાડીઓને જાળવી રાખ્યા છે.