ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) હેડ ક્લાર્ક ભરતી (HeadClerkExam) પેપર લીક કૌભાંડના મામલાને લઈ મુખ્ય સુત્રધાર જયેશ ઉર્ફ મુકેશ પટેલની ધરપકડ થઈ ચૂકી છે અને હાલમાં રિમાન્ડ હેઠળ છે. જયેશ ની પૈસા કમાઈ લેવાનુ આ પહેલું પરાક્રમ નથી પરંતુ આ પહેલા પણ કરોડો રુપિયાનુ કૌભાંડ કાકા સાથે મળીને આચરી ચુક્યો છે અને જેલમાં પણ રહી ચુક્યો છે.
પ્રાંતિજ પોલીસ (Prantij Police) મથકમા જયેશ અને તેના કાકા જશવંત પટેલ અને ભત્રીજા દેવલ પટેલ તેમજ વેવાઈ સહિત ૧૧ આરોપીઓ સામે પેપર લીક કૌભાંડ મામલાની તપાસ નોધાયેલી છે. પોલીસને હાથ તાળી આપવાનુ સ્વપ્ન સેવી ભૂગર્ભમાં ઉતરેલા જયેશ ઉર્ફે મુકેશ ઈશ્વરભાઈ પટેલને ઝડપી લેવાયો છે અને હાલમાં તે રિમાન્ડ હેઠળ છે. પરંતુ જયેશ માટે કૌભાંડ આચરીને પૈસા કમાવવા તે આ પહેલ વહેલો કિસ્સો નથી લોકોને રાતા પાણીએ નવડાવવાનો ખેલ કરવાનો તે ગજબનો કલાકાર છે.
આર્થિક ગુનાઓ આચરીને પૈસા ખંખેરી લેવાનો તે ભેજાબાજ છે. તેણે બાઈક વ દર મહિને ઈનામી ડ્રો કરવાની યોજના અમલમાં મુકીને લોકોના કરોડો રુપિયા ખંખેરી ચુક્યો છે. તેણે પ્રાંતિજ અને હિંમતનગર ઉપરાંત અનેક જિલ્લાઓમાં ઓફીસો ખોલીને બાઈકનુ ઈનામ કરવાની સ્કીમ ખોલી હતી જેમા લોકોના પૈસા હપતા સ્વરુપે મેળવીને ડ્રોની ઓફીસોને તાળા લગાવી દીધા હતા. જેમા તેના કાકા જશવંત પટેલ પણ સામેલ હતા. કાકા જશંવતભાઈ પણ હાલ પેપર લીક મામલામાં રિમાન્ડ હેઠળ છે.
જયેશ અને તેના મિત્રોએ ફ્રેન્ડસ ગ્રુપ નામની યોજના ખોલી હતી. જેના દ્વારા તેઓએ બનાસકાંઠાના ધાનેરા સહિત સાબરકાંઠના તલોદ ઉપરાંત અનેક સ્થળોએ રેસિડેન્સ ડેવલોપીંગની સ્કિમો પણ અમલમાં મુકી હતી જે સ્કિમો પણ હજુ અધૂરી છે અને જેના બુકિંગ ચના પૈસા ભરનારા લોકો ઘરના ઘરની રાહ જોઈ રહ્યા છે. જયેશ અને જશવંત પટેલ સામે પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં તે બંને સહિત છ જણા સામે વર્ષ ૨૦૧૭ મા ફરિયાદ નોંધાઈ હતી. જેમા તે ફરાર થઈ ગયો હત અને જે વેળા પણ પોલીસે તેને ઝડપી પાડ્યો હતો. ત્યાર બાદ તે ૨૨ દિવસ સુધી જેલમાં રહ્યો હતો.
આમ જયેશ પૈસા ખંખેરી લઈ પોલીસ અને કાયદાની જાળમાંથી કેવી રીતે પસાર થવાય તેને લઈ રીઢો થઈ ચૂક્યો છે. જેને લઈ હાલમાં પણ પેપર લીક કાંડમાં પોલીસની તપાસને અવળે પાટે લઈ જવા આડા અવળા જવાબો રિમાન્ડ દરમ્યાનની પૂછપરછમાં આપી રહ્યો છે. જોકે હવે તેની બાકીની પૈસા ખંખેરવાની યોજનામાં પૈસા પરત મેળવવા ધક્કા ખાઈ રહેલા રોકાણકારો અને ઘર બુકિંગ કરનારાઓ પણ સાબરકાંઠા પોલીસનો સંપર્ક કરવા લાગ્યા છે.
હવે જયેશ પટેલ અને તેના ભાગીદારો સામે વધુ ફરીયાદો નોંધાવવાનો સીલસીલો શરુ થઈ શકે છે. જયેશ પટેલ અને તેના ભાગીદારો એ કરોડો રુપિયા લોકો પાસેથી મેળવી ઓળવી જઈ ફરિયાદ માટે આગળ આવનારાઓને ગંદી ગાળો અને ધાકધમકીઓ આપતા રહે છે. જેની સીડી પણ હવે સાબરકાંઠા પોલીસ સમક્ષ રજૂ કરવામાં આવનાર છે. સાથે જ જયેશ અને તેના ભાગીદાર મિત્રો રાતોરાત કેવી રીતે કરોડપતિ બની ગયા તેની લૂંટારુ યોજનાઓનો પણ પર્દાફાશ કરાશે.