IPL 2021 માં રવિવારે રમાયેલી દિવસની પ્રથમ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) એ, પંજાબ કિંગ્સ (Punjab Kings) ને છ રનથી હરાવીને પ્લેઓફ માટે ક્વોલિફાય કર્યું હતું. આ સાથે તેઓ આ સિઝનમાં પ્લેઓફમાં પહોંચનાર ત્રીજી ટીમ બની છે. તેને પંજાબ કિંગ્સ તરફથી સારી ટક્કર મળી રહી હતી. પરંતુ વચ્ચે થી મેચની બાજી પલટાઇ હતી અને બેંગ્લોરના હાથમાંથી સરકેલી મેચ પાછી પોતાના પક્ષમાં આવી ગઇ હતી.
યુઝવેન્દ્ર ચહલે (Yuzvendra Chahal) RCB માટે આ મેચ ફેરવી. ચહલે નિર્ણાયક સમયે પંજાબના મહત્વના બેટ્સમેનોને પેવેલિયનનો રસ્તો બતાવ્યો અને મેચને આરસીબી તરફ ફેરવી. પંજાબના ઓપનર મયંક અગ્રવાલે (Mayank Agarwal) અડધી સદી ફટકારી હતી. તે ટીમની જીત માટે જવાબદાર હતો, પરંતુ ચતુર ચહલે તેની સ્પિનમાં ફસાયેલા પંજાબને નબળો પાડ્યો.
ચહલે 16 મી ઓવરના બીજા બોલ પર મયંકને કુલ 114 રન પર આઉટ કર્યો. પછી એ જ ઓવરમાં સરફરાઝ ખાન આઉટ થયો અને પંજાબને દબાણમાં લાવી દીધુ હતુ. પંજાબની ટીમ આ દબાણ માંથી ફરીથી બહાર ન આવી શકી અને અંતે મેચ હારી ગઈ. આ બે પહેલા તેણે નિકોલસ પૂરનને આઉટ કર્યો. ચહલે આ મેચમાં ચાર ઓવર ફેંકી હતી, જેમાં 29 રન આપીને ત્રણ વિકેટ લીધી. જો આપણે આ સિઝનમાં ચહલનું પ્રદર્શન જોઈએ તો તે થોડું આશ્ચર્યજનક છે.
IPL 2021 નો પ્રથમ તબક્કો ભારતમાં રમાયો હતો. કોવિડને કારણે તેને અધવચ્ચે જ રોકી દેવામાં આવી હતી. આવી સ્થિતિમાં આ લીગ સંયુક્ત આરબ અમીરાતમાં પહોંચી હતી. આ બે તબક્કામાં ચહલનું પ્રદર્શન તદ્દન અલગ અલગ છે. ચહલ ભારતમાં સાત મેચમાં માત્ર ચાર વિકેટ જ લઈ શક્યો હતો અને આ સમય દરમિયાન તેની ઇકોનોમી આઠ હતી. પરંતુ ચહલે યુએઈમાં પગ મૂકતાની સાથે જ તેની ફીરકીની ચાલ બદલાઈ ગઈ છે. ચહલે યુએઈમાં રમાયેલી મેચોમાં ટીમ માટે વિકેટની લાઇન લગાવી દીધી છે.
તેણે બીજા તબક્કામાં અત્યાર સુધીમાં પાંચ મેચ રમી છે અને 10 વિકેટ લીધી છે. કોલકાતા સાથે રમાયેલી પ્રથમ મેચમાં તેણે 23 રનમાં એક વિકેટ લીધી હતી. ચેન્નાઈ સામે તેણે 26 રનમાં એક વિકેટ લીધી હતી. મુંબઈ ઈન્ડીયન્સ સામે ચહલે અદ્ભુત કામ કર્યું અને 11 રનમાં ત્રણ વિકેટ લીધી. ત્યારબાદ રાજસ્થાન રોયલ્સ સામે રમાયેલી મેચમાં તેણે 18 રનમાં બે વિકેટ લીધી હતી. આજે રવિવારે પણ પંજાબ કિંગ્સ સામે, તેણે નિર્ણાયક સમયે ત્રણ વિકેટ ઝડપીને RCB ના પ્લેઓફ માટેનો માર્ગ મોકળો બનાવ્યો હતો.
સંયુક્ત આરબ અમીરાતમાં જ 17 ઓક્ટોબરથી વર્લ્ડ કપ શરૂ થવા જઈ રહ્યો છે. પરંતુ એક આશ્ચર્યજનક બાબત એ છે કે ચહલને આ વર્લ્ડ કપ માટેની ટીમ ઈન્ડીયામાં પસંદ કરવામાં આવ્યો નથી. ચહલની જગ્યાએ રાહુલ ચાહરની ટીમમાં પસંદગી કરવામાં આવી છે. ચહલની અત્યાર સુધીની આંતરરાષ્ટ્રીય કારકિર્દીની વાત કરીએ તો તેણે 56 વનડેમાં 97 વિકેટ લીધી છે. આ દરમ્યાન 49 ટી20 મેચમાં ચહલે 63 શિકાર ઝડપ્યા છે. ચહલે હજુ સુધી ભારત માટે ટેસ્ટ રમી નથી.