Tri Series Final 2023 : દક્ષિણ આફ્રિકાએ ભારતને 5 વિકેટે હરાવીને ત્રિકોણીય શ્રેણી જીતી લીધી
Women's T20I Tri-Series: ત્રિકોણીય T20 શ્રેણીની અંતિમ મેચમાં દક્ષિણ આફ્રિકાએ ભારતને 5 વિકેટે હરાવ્યું હતું. આ જીત સાથે દક્ષિણ આફ્રિકાએ શ્રેણી પર કબજો કરી લીધો છે.
આજે ભારત અને દક્ષિણ આફ્રીકાની મહિલા ટીમ વચ્ચે ત્રિકોણીય શ્રેણીની ફાઈનલ મેચ રમાઈ હતી. આ મહત્વપૂર્ણ મેચમાં ભારતીય ટીમને હારનો સામનો કરવો પડયો હતો.દક્ષિણ આફ્રિકાએ મહિલા ક્રિકેટમાં ભારત અને વેસ્ટ ઈન્ડિઝ સાથે રમાયેલી ત્રિકોણીય T20 શ્રેણી પર કબજો કરી લીધો છે. તેણે ફાઈનલ મેચમાં ભારતને 5 વિકેટે હરાવ્યું હતું.
ફાઇનલમાં પ્રથમ બેટિંગ કરતા ભારતે 110 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં દક્ષિણ આફ્રિકાની ટીમે 18 ઓવરમાં લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. દક્ષિણ આફ્રીકાની ક્લો ટ્રિઓને ટીમ માટે શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે માત્ર 32 બોલમાં અણનમ 57 રન બનાવ્યા હતા. ભારત તરફથી સ્નેહ રાણાએ 2 વિકેટ લીધી હતી.
Tri-series champions! 🏆
A brilliant half-century from Chloe Tryon helps South Africa beat India in the final 🙌#SAvIND | 📝 https://t.co/4fqVhVXaDH pic.twitter.com/Wrxo3BcJJL
— ICC (@ICC) February 2, 2023
Tri-Series 2023. South Africa Women Won by 5 Wicket(s) https://t.co/wiyKk2LjmH #SAvIND
— BCCI Women (@BCCIWomen) February 2, 2023
ભારતીય મહિલા ક્રિકેટ ટીમનું પ્રદર્શન
પ્રથમ બેટિંગ કરતા ભારતે 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 109 રન બનાવ્યા હતા. આ દરમિયાન હરલીન દેઓલે 46 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી હતી. હરલીને 56 બોલનો સામનો કર્યો અને 4 ચોગ્ગા પણ ફટકાર્યા. કેપ્ટન હરમનપ્રીત કૌરે 22 બોલમાં 21 રન બનાવ્યા હતા. તેણે 2 ચોગ્ગા ફટકાર્યા હતા.
ઓપનર સ્મૃતિ મંધાના કંઈ ખાસ કરી શકી નહોતી. તે ખાતું ખોલાવ્યા વિના બહાર નીકળી ગઈ. જેમિમાએ 11 રનનું યોગદાન આપ્યું હતું. દીપ્તિ શર્મા 14 બોલમાં 16 રન બનાવીને અણનમ રહી હતી. પૂજા વસ્ત્રાકર એક રન બનાવીને અણનમ રહી હતી.
દક્ષિણ આફ્રિકા મહિલા ક્રિકેટ ટીમનું પ્રદર્શન
દક્ષિણ આફ્રિકા તરફથી નોનકુલુલેકો મ્લાબાએ 2 વિકેટ ઝડપી હતી. તેણે 4 ઓવરમાં માત્ર 16 રન આપ્યા હતા. અયાબોંગા ખાકાએ 3 ઓવરમાં 17 રન આપીને એક વિકેટ લીધી હતી. કેપ્ટન સુને લુસે પણ સફળતા મેળવી હતી. તેણે 4 ઓવરમાં 22 રન આપ્યા હતા. શબનિમ ઈસ્માઈલ અને ક્લો ટ્રિઓનને એક પણ વિકેટ મળી ન હતી.
લૌરા વોલ્વાર્ડ અને તાઝમીન બ્રિટ્સ દક્ષિણ આફ્રિકાની મહિલા ટીમ માટે ઓપનિંગ કરવા આવ્યા હતા. આ દરમિયાન વોલ્વાર્ડ ખાતું ખોલાવ્યા વિના આઉટ થઈ ગઈ હતી. જ્યારે બ્રિટ્સ 8 રન બનાવીને આઉટ થઈ હતી. લારા ગુડૉલ 7 રન બનાવીને આઉટ થઈ હતી. કેપ્ટન સુને લુસ 13 બોલમાં 12 રન બનાવીને પેવેલિયન પરત ફરી હતી. ટ્રાયોએ 32 બોલમાં અણનમ 57 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે 6 ફોર અને 2 સિક્સર પણ ફટકારી હતી. નેરી ડર્કસેન 8 રન બનાવીને પેવેલિયન પરત ફરી હતી. જ્યારે નાદીન ડી ક્લાર્ક 17 રન બનાવીને અણનમ રહી હતી.