ભારતીય મહિલા ક્રિકેટ ટીમ ન્યૂઝીલેન્ડના વર્તમાન પ્રવાસમાં અત્યાર સુધી ચાર મેચ હારી ચૂકી છે (India Women vs New Zealand Women, 3rd ODI) પરંતુ કોચ રમેશ પોવાર (Ramesh Powar) તેનાથી ચિંતિત નથી અને તેમણે કોવિડ-19 ને કારણે મેચ પ્રેક્ટિસની કમી અને આઇસોલેશનને લગતા નિયમોને નબળી કામગીરીના કારણ તરીકે દર્શાવ્યા હતા. ભારત પ્રવાસ દરમિયાનની એકમાત્ર T20 મેચ 18 રનથી હારી ગયું હતું, ત્યાર બાદ તે પાંચ મેચની ODI શ્રેણી (India Women tour of New Zealand, 2022) ની પ્રથમ ત્રણ મેચ હારી ગયું છે.
ભારતીય ટીમ અત્યાર સુધી એક પણ મેચ જીતી શકી નથી. શુક્રવારે ત્રીજી ODIમાં ભારતની ત્રણ વિકેટની હાર બાદ પોવારે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, “અમે પ્રવાસ પહેલા માત્ર ત્રણ દિવસનો પ્રેક્ટિસ કેમ્પ કરી શક્યા હતા. તમે આટલા ઓછા સમયમાં ન્યુઝીલેન્ડ જેવી ટીમ સામે સ્પર્ધાત્મક શ્રેણી માટે તૈયારી કરી શકતા નથી.
રમેશ પોવારે કહ્યું, ‘કોઈ ચિંતા નહીં. મને કોઈ વાતની ચિંતા નથી. ઓસ્ટ્રેલિયા પછી અમે ટીમ તરીકે રમ્યા નથી. અમે સીધા ન્યુઝીલેન્ડ આવ્યા. જ્યારે તમે બેટિંગ, બોલિંગ અને ફિલ્ડિંગને લગતી કેટલીક બાબતોમાં સુધારો કરવા માગો છો, તો તમારે શ્રેણી પહેલા એક સમુહ તરીકે રમવાની જરૂર છે અને તે થઇ શક્યુ નહીં.
કોચ પોવારે સ્વીકાર્યું કે આ પ્રવાસમાં બેટ્સમેનોએ સારું પ્રદર્શન કર્યું હતું પરંતુ બોલરો તે કરી શક્યા નથી પરંતુ આશા વ્યક્ત કરી હતી કે આવતા મહિને વર્લ્ડ કપ પહેલા તે સુધરશે. તેમણે કહ્યું, ‘બેટિંગમાં સુધારો થયો છે. ઈંગ્લેન્ડના પ્રવાસથી લઈને અત્યાર સુધી. અમે 270-280 નો સ્કોર કર્યો. ઓસ્ટ્રેલિયામાં પણ અમે 260-270 રન બનાવી રહ્યા હતા, તેથી બેટ્સમેનોએ તેમની ભૂમિકા ભજવી છે.
પોવારે કહ્યું, ‘હવે બોલિંગ યુનિટને લય પ્રાપ્ત કરવાની જરૂર છે. પ્રેક્ટિસમાં પ્રતિબંધો હતા, અન્ય સમાન મર્યાદાઓ હતી. તેથી બોલરોને શંકાનો લાભ આપી શકાય છે પરંતુ વર્લ્ડકપ શરૂ થયા બાદ તેઓએ સારો દેખાવ કરવો પડશે. ‘ તેમણે કહ્યું, ‘અમે અમારા સાચા ઝડપી બોલરોને મિસ કરી રહ્યા હતા. હવે મેઘના પણ ઉપલબ્ધ થશે, જેથી અમે ઓસ્ટ્રેલિયાની જેમ બોલિંગ વિભાગમાં સારો દેખાવ કરી શકીશું. હવે અમે દરેક મેચમાં ત્રણ ઝડપી બોલરોને મેદાનમાં ઉતારી શકીએ છીએ.
ભારતે પ્રથમ ત્રણ વનડેમાં માત્ર બે ઝડપી બોલર રમ્યા હતા. ફાસ્ટ બોલર મેઘના સિંહ અને રેણુકા સિંહને લાંબા સમય સુધી આઇસોલેશનમાં રહેવું પડ્યું હતું. રેણુકા ત્રીજી વન ડે માં રમી હતી પરંતુ મેઘના અને મંધાના મંગળવારે જ આઇસોલેશન થી બહાર થયા હતા અને તેથી તેમને રમવાની મંજૂરી આપવામાં આવી ન હતી.