ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે 3 મેચોની ટી20 સિરીઝ રમાઈ રહી છે. ન્યુઝીલેન્ડના ભારત પ્રવાસ અને સિરીઝની અંતિમ મેચ અમદાવાદ ખાતે રમાનારી છે. આ મેચ સાથે સાથે જ ન્યુઝીલેન્ડની ટીમ ભારત પ્રવાસ થી પરત ફરશે. સિરીઝની બીજી ટી20 મેચ લખનૌમાં રમાઈ હતી. આ મેચમાં ભારતીય બોલરોએ શરુઆતથી જ કિવી બેટરો પર જોર લગાવી દીધુ હતુ અને નિર્ધારીત 20 ઓવરમાં 99 રનના સ્કોર પર રોકી લીધુ હતુ. જોકે ભારતીય બેટરો માટે લક્ષ્ય પાર કરવુ આસાન નહોતુ રહ્યુ, અંતિમ ઓવરમાં ભારતને જીત મેળવવામાં સફળતા મળી હતી. જોકે આ લો સ્કોરિંગ મેચ માટે બંને ટીમો દ્વારા પિચને લઈ નારાજગી દર્શાવી છે.
પહેલા હાર્દિક પંડ્યાએ પિચને લઈ પોતાની નિરાશા દર્શાવી હતી. હવે ન્યુઝીલેન્ડની ટીમનુ શ્રેણીમાં સુકાન સંભાળી રહેલા મિશેલ સેન્ટનરનુ નિવેદન સામે આવ્યુ છે. સેન્ટનરે એટલી હદ સુધી ઈચ્છા રાખી હતી કે, ઝડપી બોલર લોકી ફર્ગ્યુશન સ્પિન બોલિંગ કરાવવા માટે આશા રાખી બેઠો હતો.
બીજી ટી20 મેચમાં બંને ટીમો માટે રન નિકાળવા એ મુશ્કેલ કાર્ય બની ગયુ હતુ. બંને ટીમોના એક પણ ખેલાડીના બેટથી છગ્ગો નિકળી શક્યો નહોતો. ક્રિકેટમાં ટૂંકા ફોર્મટની અસલી મજા જાણે અહીં ગાયબ થઈ ગઈ હતી અને લો સ્કોરીંગ મેચ રહી હતી. બંને ટીમના બેટરોને રન બનાવવા એટલે લોઢાના ચણા ચાવવા સમાન ખેલ બની ગયો હતો. લખનૌમાં રમાયેલી બીજી મેચમાં પિચ સ્પિનર બોલરોને ખૂબ મદદ કરી રહી હતી. આ કારણ થી કિવી કેપ્ટન મિશેલ સેન્ટનરે 20 માંથી 17 ઓવર માત્ર સ્પિનરો પાસે કરાવી હતી. બાકી રહેલી ત્રણ ઓવરમાં પણ સ્પિન બોલિંગ કરવાની અપેક્ષા રાખી હતી, આ જ કારણથી લોકીને ઓફ સ્પિન કરવા કહ્યુ હતુ.
કિવી સુકાની મિશેલ સેન્ટનરે કહ્યુ હતુ કે, ‘આ ક્રિકેટની શાનદાર રમત હતી. મેચને આટલી નજીક લઈ જવાનો શ્રેય અમારા બોલરોને જાય છે. સૂર્યા અને હાર્દિકે ટીમ ઈન્ડિયા માટે પોતાનું કામ કર્યું છે. હું ઈચ્છતો હતો કે લોકી પણ ઓફ સ્પિન કરે. તે ખૂબ મુશ્કેલ હશે. પિચમાંથી ઉછાળો પડકારજનક હતો. અમને ખબર ન હતી કે આવી પીચ પર કયો સ્કોર સુરક્ષિત રહેશે. મને લાગ્યું કે 120નો સ્કોર યોગ્ય હોત.
ભારતના બોલિંગ કોચ પારસ મ્હામ્બ્રેએ કહ્યું કે, ન્યૂઝીલેન્ડ સામેની બીજી T20 મેચ માટે તૈયાર કરવામાં આવેલી પીચ વિશે માત્ર ક્યુરેટર જ જવાબ આપી શકે છે. મ્હામ્બ્રેએ મેચ બાદ કહ્યું કે, “પિચ વિશેના સવાલનો જવાબ માત્ર ક્યુરેટર જ આપી શકે છે. અમે જાણતા હતા કે તે પડકારજનક હશે અને આભાર કે અમે મેચ પર નિયંત્રણ રાખ્યું. 120-130નો સ્કોર પડકારજનક હોઈ શકે છે. અમે તેમને 99 સુધી મર્યાદિત રાખ્યા જે પીછો કરી શકાય તેવો સ્કોર હતો”.