7 મહિના બાદ વિરાટ કોહલી અને રોહિત શર્માનું કમબેક! આ દિવસે થશે ટીમ ઈન્ડિયામાં વાપસીની જાહેરાત
વિરાટ કોહલી અને રોહિત શર્માના ભવિષ્ય વિશે ઘણા સમયથી ઘણી અટકળો ચાલી રહી છે, અને એવું પણ માનવામાં આવે છે કે ઓસ્ટ્રેલિયા પ્રવાસ તેમનો છેલ્લો આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પ્રવાસ હોઈ શકે છે. આવું હશે કે નહીં તે આગામી દિવસોમાં ખબર પડશે. પણ તે પહેલા તેમની ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં પસંદગીને લઈ ચર્ચાઓ શરુ થઈ ગઈ છે.

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની ટેસ્ટ મેચ શરૂ થઈ ગઈ છે, જેનાથી ચાહકોમાં ઉત્સાહ ફેલાયો છે. પરંતુ ટીમ ઈન્ડિયાના ચાહકો જે ક્ષણની સૌથી વધુ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તે ક્ષણ દૂર નથી. અમદાવાદમાં ભારત-વેસ્ટ ઈન્ડિઝ ટેસ્ટના ત્રીજા દિવસે મેદાન પર કાર્યવાહી શરૂ થશે, ત્યારે બીસીસીઆઈની સિનિયર મેન્સ સિલેક્શન કમિટી પણ ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની પસંદગી કરવા માટે બેઠક કરશે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી અને વર્તમાન વનડે કેપ્ટન રોહિત શર્મા લગભગ સાત મહિના પછી ટીમમાં પાછા ફરશે.
9 માર્ચ પછી ટીમમાં વાપસી
એક અહેવાલ મુજબ પસંદગી સમિતિ ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની પસંદગી શનિવાર, 4 ઓક્ટોબરના રોજ કરશે અને તે જ દિવસે જાહેરાત થવાની અપેક્ષા છે. ટીમ ઈન્ડિયા આ પ્રવાસ દરમિયાન ODI અને T20 શ્રેણી રમશે, જે ઓક્ટોબરના બીજા ભાગમાં યોજાશે. T20 અને ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ ચૂકેલા વિરાટ અને રોહિત ફક્ત ODI ક્રિકેટમાં સક્રિય છે. તેથી, ODI શ્રેણી માટે તેમની પસંદગીની ચર્ચા જ કરવામાં આવશે. જોકે, એ વાત ચોક્કસ છે કે ભારતીય ક્રિકેટના આ બે દિગ્ગજ ઘણા મહિનાના આંતરરાષ્ટ્રીય વિરામ પછી ટીમ ઈન્ડિયાની બ્લયુ જર્સીમાં જોવા મળશે.
ચેમ્પિયન્સ ટ્રોફી-IPLમાં રમ્યા
રોહિત અને વિરાટ અગાઉ ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ટીમ ઈન્ડિયા માટે રમ્યા હતા, જ્યાં ભારતે રોહિતની કેપ્ટનશીપ હેઠળ ટાઈટલ જીત્યું હતું. રોહિતે ફાઈનલમાં મેચવિનિંગ 76 રન બનાવ્યા હતા, જ્યારે વિરાટે પાકિસ્તાન સામે સદી ફટકારી હતી અને સેમિફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સામે 84 રન બનાવીને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ જીત્યો હતો. 9 માર્ચે દુબઈમાં થયેલી તે સેમિફાઈનલ પછી, બંને સ્ટાર ફક્ત IPL 2025માં જ જોવા મળ્યા હતા. આ સિઝન દરમિયાન જ બંનેએ એક પછી એક ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી.
શું આ શ્રેણી પછી નિવૃત્ત થશે?
જોકે, આ પ્રવાસ માટે તેમની પસંદગી છતાં, પ્રશ્ન એ રહે છે કે શું આ તેમની છેલ્લી શ્રેણી હશે? જો તેમને આ શ્રેણી બાદ નિવૃત્તિ માટે પસંદ કરવામાં આવશે? જો બંને આ શ્રેણીમાં સારું પ્રદર્શન કરશે, તો શું તેઓ દક્ષિણ આફ્રિકા સામેની ODI શ્રેણી માટે પણ પસંદ કરવામાં આવશે? વધુમાં, બધાની નજર તેના પર રહેશે કે શું આ શ્રેણી ટીમ ઈન્ડિયાના ODI કેપ્ટનશીપમાં પણ ફેરફાર લાવશે. જો એમ હોય, તો આ રોહિતની છેલ્લી શ્રેણી સાબિત થઈ શકે છે. વધુમાં, શું શુભમન ગિલ રોહિતને ODI કેપ્ટન તરીકે રિપ્લેસ કરશે, કે પછી શ્રેયસ અય્યરને આ ફોર્મેટમાં જવાબદારી સોંપવામાં આવશે? ટીમની જાહેરાત થાય તે પહેલાં આ પ્રશ્નો દરેકના મનમાં સતત રહેશે.
આ પણ વાંચો: 5 5 2 4 6 2 3 3 6 3… આ ફોન નંબર નથી, ક્રિકેટ મેચનો સ્કોરકાર્ડ છે, વર્લ્ડ કપમાં શરમજનક પ્રદર્શન
