IND vs AUS: રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ સહિત કોણ કોણ જોવા મળશે એક્શનમાં? નાગપુર ટેસ્ટ માટે કેવી હશે Playing 11
India Vs Australia: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 4 ટેસ્ટ મેચોની શ્રેણીની પ્રથમ મેચ ગુરુવારથી શરુ થનારી છે. સિરીઝની પ્રથમ મેચ નાગપુરમાં રમાનારી છે. સિરીઝમાં બંને ટીમોનો ખરા અર્થમાં ટેસ્ટ થનારો છે.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 4 ટેસ્ટ મેચોની બોર્ડર ગાવાસ્કર ટ્રોફી રમાનારી છે. સિરીઝની શરુઆત ગુરુવારથી થઈ રહી છે, જેની પ્રથમ મેચ નાગપુરમાં રમાનારી છે. બંને ટીમો ખરા અર્થમાં સિરીઝમાં ટેસ્ટ પાસ કરી રહી છે. સિરીઝ નક્કી કરશે કે, આઈસીસી વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચ માટે કોણ ટિકિટ મેળવશે. રોહિત શર્મા માટે પણ સિરીઝ ખૂબ જ મહત્વની છે અને તે એક વર્ષની કેપ્ટનશિપમાં સૌથી મોટા પડકારનો સામનો કરી રહ્યો છે. જોકે સિરીઝની શરુઆતે પ્રથમ મેચની અંતિમ ઈલેવન પણ કેપ્ટનની પરીક્ષા લેશે. કારણ કે પ્લેઈંગ ઈલેવન પસંદ કરવી એ કપરુ થનારુ છે.
બુધવારે જ ભારત અને ઓસ્ટ્રેલિયાના કેપ્ટનની નાગપુરમાં પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. જોકે આ દરમિયાન ભારતીય સુકાનીએ પ્લેઈંગ ઈલેવનને લઈ પત્તા ખોલવાથી સ્પષ્ટ ઈન્કાર કરી દીધો હતો. તેણે અંતિમ ઈલેવન માટે સસ્પેન્શ જારી રાખ્યુ હતુ. તો બીજી તરફ ઓસ્ટ્રેલિયન ટીમના કેપ્ટન પેટ કમિન્સે પણ આમ જ કર્યુ હતુ. આમ તો કાંગારુ ટીમ પહેલાથી જ પોતાની ઈલેવનને લઈ કેટલીક બાબતો જાહેર કરવાની રણનિતી ધરાવે છે.
કાંગારુઓ પર સ્પિનરોનો ફફડાટ કોણ બનાવશે
ભારત પ્રવાસે આવતા પહેલાથી જ ઓસ્ટ્રેલિયન ટીમ ભારતીય સ્પિનરોના ડરથી ફફડી રહી છે. ભારતીય ટીમ ત્રણ સ્પિનરો સાથે ઉતરશે એ નિશ્ચિત છે. ટીમ ઈન્ડિયા સિરીઝમાં 4 સ્પિનરો સાથે આવી છે. જેમાં હવે સવાલ એ છે કે, રવિચંદ્રન અશ્વિનને સાથ આપનારા અન્ય 2 સ્પિનરો કોણ હશે. ભારત પાસે સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ તેમજ કુલદીપ યાદવ છે. કુલદીપ યાદવને તક મળવાની સંભાવનાઓ વર્તાઈ રહી છે, જોકે બેટિંગ સાઈડથી પણ વિચારવામાં આવે તો રવિન્દ્ર જાડેજા અને અક્ષર પટેલને મોકો મળી શકે છે. આ બંને ગુજ્જુ ખેલાડીઓના ટીમમાં હોવાથી બેટિંગ લાઈન પણ મજબૂત ગોઠવી શકાય છે.
નાગપુર ઉમેશ યાદવ માટે હોમ ગ્રાઉન્ડ છે. આ મેદાન પર ઉમેશને બહાર બેસીને સમય વિતાવવો પડે એવી સંભાવનાઓ વધારે છે. પેસ બોલિંગમાં હાલનુ ફોર્મ જોતા મોહમ્મદ શમી સાથે સિરાજનુ રમવુ નિશ્ચિત મનાય છે. આમ પેસ એટેકમાં ઉમેશ કરતા સ્વાભાવિક જ સિરાજ પહેલી પસંદ બની રહે.
સૂર્યા કે ગિલ?
ટીમ સિલેક્શનમાં સૌથી કપરી સ્થિતી ક્યા બેટરને મોકો આપવો એને લઈ છે. કેએલ રાહુલ લગ્ન બાદ ટીમ ઈન્ડિયામાં પરત ફર્યો છે. હવે વિકેટકીપર બેટ્સમેન સહિતના 3 સ્થાનો પર કોનો સમાવેશ કરવો એ સમસ્યા થવાની છે. જોકે ક્રિકેટ એક્સપર્ટના મત મુજબ રાહુલને ડ્રોપ કરવો જોઈએ અને ગિલને તક મળવી જોઈએ. ગિલ હાલમાં ફુલ ફોર્મમાં છે. જ્યારે રાહુલ સંઘર્ષની સ્થિતીમાં છે. તો વળી સૂર્યકુમાર યાદવ ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યૂને લઈ ઉત્સુક છે. સૂર્યા શાનદાર ફોર્મ ધરાવે છે.
વિકેટકીપર બેટ્સમેનના રુપમાં નાગપુરમાં કેએસ ભરતને સ્થાન મળી શકે છે. ભરત પણ ટેસ્ટ ડેબ્યૂ માટે રાહ જોઈ રહ્યો છે, જે મોકો તેને ગુરુવારે મળી શકે છે. ઈશાન કિશનને ઓસ્ટ્રેલિયા સામે મોકો મળવાની શક્યતા ઓછી છે. આમ સૂર્યા અને ભરત બે ખેલાડીઓનુ ટેસ્ટ ડેબ્યૂ શક્ય બની શકે છે.
ઓસ્ટ્રેલિયાની અંતિમ ઈલેવન કેવી હશે
કાંગારુ ટીમને સિરીઝની શરુઆત પહેલા ઈજાગ્રસ્ત ખેલાડીઓને લઈ પરેશાની છે. મિશેલ સ્ટાર્ક, જોશ હેઝલવુડ અને કેમરોન ગ્રીન નાગપુરમાં રમાનારી પ્રથમ ટેસ્ટ નહીં રમે. સ્કોટ બોલેંડને સ્થાન મળી શકે છે. નાગપુરમાં ઓસ્ટ્રેલિયા પોતાની બેટિંગ લાઈન સેટ છે એને છેડછાડ કરવા પ્રયાસ નહીં કરવામાં આવે.
સ્પિન એટેકમાં ઓસ્ટ્રેલિયાની ટીમમાં નાથન લાયન સાથે એશ્ટન એગર જોવા મળી શકે છે. આ સિવાય ટોડ મર્ફીનુ ડેબ્યૂ થઈ શકે છે. આ સિવાય લેગ સ્પિનર મિશેલ સ્વેપસનને કાંગારુ ટીમ ભારત સામે ઉતારી શકે છે. જોકે એગરને તક મળવાની શક્યતા વધારે છે. ભારતીય ખેલાડીઓને લેફ્ટ આર્મ સ્પિનરો સામે મુશ્કેલી રહે છે.
ભારત-ઓસ્ટ્રેલિયા: સંભવિત પ્લેઇંગ 11
ભારત: રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, રવિન્દ્ર જાડેજા, કેએસ ભરત (વિકેટકીપર), અક્ષર પટેલ, રવિચંદ્રન અશ્વિન, મોહમ્મદ શમી અને મોહમ્મદ સિરાજ.
ઓસ્ટ્રેલિયા: પેટ કમિન્સ (કેપ્ટન), ડેવિડ વોર્નર, ઉસ્માન ખ્વાજા, માર્નસ લાબુશેન, સ્ટીવ સ્મિથ, ટ્રેવિસ હેડ, પીટર હેન્ડ્સકોમ્બ, એલેક્સ કેરી (વિકેટકીપર), એશ્ટન અગર, નાથન લિયોન અને સ્કોટ બોલેન્ડ.