IND A vs AUS A : પહેલા પાકિસ્તાન સામે જીતાડ્યા, હવે ઓસ્ટ્રેલિયા સામે બચાવ્યા, તિલક વર્મા ફરી બન્યો સંકટમોચક
એશિયા કપ 2025ની ફાઈનલ મેચમાં પાકિસ્તાન સામે જોરદાર બેટિંગથી ટીમને જીત અપાવનાર તિલક વર્મા ફરી એકવાર મેદાનમાં પોતાનો જલવો બતાવી રહ્યો છે. એશિયા કપમાં જેમ મુશ્કેલ સ્થિતિમાં તેણે મજબૂત બેટિંગથી ટીમને જીત અપાવી હતી, તેમ ફરી એકવાર ઓસ્ટ્રેલિયા સામે તિલક વર્માએ 94 રનની શાનદાર ઈનિંગ રમી ટીમને સન્માનજનક સ્કોર સુધી લઈ ગયો. ફરી એકવાર તિલક વર્મા ટીમનો સંકટમોચક બન્યો હતો.

એશિયા કપ 2025ના ટાઈટલ મેચમાં પાકિસ્તાન સામે શાનદાર અડધી સદી ફટકારીને ટીમ ઈન્ડિયાને શાનદાર જીત અપાવનાર તિલક વર્માએ ફરી એકવાર દમદાર ઈનિંગ રમી. તેણે ફરી એકવાર મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી, ઓસ્ટ્રેલિયા A સામે મજબૂત ઈનિંગ રમી અને ઈન્ડિયા A ની ઈનિંગને બચાવી. આ દરમિયાન, તેણે 9 ચોગ્ગા અને છગ્ગા ફટકાર્યા, જેનાથી ટીમનો સ્કોર 250ની નજીક પહોંચી ગયો. જોકે, આ પ્રદર્શન છતાં, ઈન્ડિયા A બધી ઓવર રમી શકી નહીં અને 25 બોલ પહેલા ઓલઆઉટ થઈ ગઈ.
તિલક વર્માની દમદાર ઈનિંગ
ઓસ્ટ્રેલિયા A સામેની બીજી અનઓફિશિયલ ODIમાં પ્રથમ બેટિંગ કરતા ઈન્ડિયા A ની શરૂઆત ખરાબ રહી અને ફક્ત 17 રનમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી. ત્યારબાદ મેદાન પર આવેલા તિલક વર્માએ ફરી એકવાર મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી. તિલક વર્માએ ઈન્ડિયા A ની ઈનિંગ સંભાળી અને ટીમનો સ્કોર 200ને પાર પહોંચાડ્યો.
94 રનની લડાયક ઈનિંગ રમી
તિલક વર્માએ રિયાન પરાગે ચોથી વિકેટ માટે 101 રનની ભાગીદારી કરી. રિયાન પરાગે 54 બોલમાં 6 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 58 રન બનાવ્યા. તિલક વર્માએ 122 બોલમાં 5 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 94 રનની શાનદાર ઈનિંગ રમી. જોકે, તે પોતાની સદી સુધી પહોંચી શક્યો નહીં અને છેલ્લા બેટ્સમેન તરીકે આઉટ થયો.
Tialk Varma misses out on a by just 6 runs as Australia A bowl India A out for 246#INDAvAUSA pic.twitter.com/53qgfbNmhc
— Cricbuzz (@cricbuzz) October 3, 2025
ઈન્ડિયા A 246 રનમાં ઓલઆઉટ
ઓસ્ટ્રેલિયા A સામે પ્રથમ બેટિંગ કરતા ઈન્ડિયા A ટીમ 45.5 ઓવરમાં 246 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. અભિષેક શર્મા, પ્રભસિમરન સિંહ અને કેપ્ટન શ્રેયસ અય્યર નિષ્ફળ રહ્યા અને છ ઓવરમાં જ આઉટ થઈ ગયા. તિલક વર્મા અને રિયાન પરાગ સિવાય રવિ બિશ્નોઈએ 30 બોલમાં 26 રન બનાવ્યા, જેમાં બે ચોગ્ગા અને બે છગ્ગાનો સમાવેશ થાય છે. હર્ષિત રાણાએ 13 બોલમાં 21 રન બનાવ્યા, જેમાં એક ચોગ્ગા અને બે છગ્ગાનો સમાવેશ થાય છે.
જેક એડવર્ડ્સે ચાર વિકેટ લીધી
ઓસ્ટ્રેલિયા A ના કેપ્ટન જેક એડવર્ડ્સે શાનદાર બોલિંગ કરી, 8.5 ઓવરમાં 56 રન આપીને ચાર ખેલાડીઓને આઉટ કર્યા. તનવીર સાંગા અને વિલ સધરલેન્ડે બે-બે વિકેટ લીધી. ઈન્ડિયા A એ પ્રથમ વનડે 171 રનથી જીતી લીધી. હવે, ઓસ્ટ્રેલિયા A આ મેચ જીતીને ત્રણ મેચની વનડે શ્રેણી 1-1 થી બરાબર કરવા માંગશે.
આ પણ વાંચો: ‘વેસ્ટ ઈન્ડિઝ નામનો કોઈ દેશ જ નથી’… જાણો 4 વર્લ્ડ કપ જીતનાર ટીમનો મજેદાર ઈતિહાસ
