ICC Women World Cup: શું ભારતીય મહિલા ક્રિકેટ ટીમ રચશે ઇતિહાસ, ગાંગુલીએ ટીમને આપ્યો ખાસ સંદેશો
આઈસીસી મહિલા વર્લ્ડ કપની 12મી સિઝન 4 માર્ચથી શરૂ થઇ રહી છે. ભારતીય ટીમ અત્યાર સુધી 2005 અને 2017માં વર્લ્ડ કપની ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો, પણ ટાઇટલ જીતી શકી ન હતી.
ભારતીય મહિલા ક્રિકેટ ટીમ (Indian Women Cricket Team) માટે આગામી 2 મહિના ઘણા મહત્વના રહેવાના છે. મિતાલી રાજની (Mithali Raj) આગેવાની હેઠળ ટીમ ઇન્ડિયા વર્લ્ડ કપમાં ભાગ લઇ રહી છે. ભારતીય ચાહકોને આશા છે કે ટીમ ઇન્ડિયા આ વખતે ટાઇટલ લઇને આવશે. આ પગલે ભારતીય ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ (Sourav Ganguly) વર્લ્ડ કપ માટે મહિલા ક્રિકેટ ટીમને શુભેચ્છાઓ પાઠવી છે.
સૌરવ ગાંગુલીએ કહ્યું, ‘મહિલા વર્લ્ડ કપ શરૂ થવાને હવે 30 દિવસ બાકી છે. હું ટીમને સફળતા માટે શુભકામના પાઠવું છું. આઈસીસીને આ મોટી ટુર્નામેન્ટના આયોજન માટે ‘ઓલ ધ બેસ્ટ’ કહેવા માંગુ છું. મહિલા ક્રિકેટ છેલ્લા ઘણા સમયથી સારી અને સાચી દિશામાં પ્રગતી કરી રહ્યું છે. અમે ઓસ્ટ્રેલિયામાં જોયું ટી20 વર્લ્ડ કપની મેચ માટે 86 હરાજ લોકો મેદાન પર હાજર રહ્યા હતા.’
ભારતીય ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ કહ્યું, ‘ભારત ગત વર્લ્ડ કપની ફાઇનલમાં ઇંગ્લેન્ડ સામે હારી ગયું હતું. ઓસ્ટ્રેલિયામાં ટી20 વર્લ્ડ કપની ફાઇનલમાં પણ ભારત પહોંચ્યું હતું. ભારતના ખેલાડીઓને ‘ઓલ ધ બેસ્ટ’. અમે તમને બધાને સપોર્ટ કરીએ છીએ. તમારા માટે યાદગાર ક્ષણ થવા જઇ રહ્યું છે.’
30 days for the start of the women's World Cup in NZ ..wish the Indian team and the rest of the teams all the very best …@ICC @BCCI pic.twitter.com/ep8gkbCncJ
— Sourav Ganguly (@SGanguly99) February 4, 2022
આઈસીસી મહિલા વર્લ્ડ કપની આ 12મી સિઝન રમાશે. પહેલીવાર આ વર્લ્ડ કપ 1973માં રમાયો હતો. ભારતીય ટીમ અત્યાર સુધી 2005 અને 2017 માં વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચી હતી, પણ ટાઇટલ જીતવામાં સફળ રહી ન હતી.
મહિલા વર્લ્ડ કપ 2022માં કુલ 8 ટીમો રમી રહી છે. જેમાં ફાઇનલ સહિત કુલ 31 મેચ રમાવાની છે. ટુર્નામેન્ટ કુલ 31 દિવસ ચાલશે. તમામ મેચ 6 સ્થળો પર રમાશે. જેમાં ઓકલેન્ડ, ક્રાઇસ્ટચર્ચ, ડુનેડિન, હેમિલ્ટન, તૌરંગા અને વેલિંગ્ટન સ્થળો રહેશે. ટુર્નામેન્ટ રાઉન્ડ રોબિન ફોર્મેટમાં રમાશે. ટોપ પર રહેનાર 4 ટીમો સેમિ ફાઇનલમાં રહેશે. સેમિ ફાઇનલ અને ફાઇનલ માટે રિઝર્વ ડે રાખવામાં આવ્યો છે. મહિલા વર્લ્ડ કપની ફાઇનલ મેચ ક્રાઇસ્ટચર્ચ રમાશે.
આઈસીસી મહિલા વર્લ્ડ કપ માટે ટીમ ઇન્ડિયા, ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ અને સાઉથ આફ્રિકાને સીધો પ્રવેશ મળ્યો છે. આ તમામ ટીમને આઈસીસી મહિલા ચેમ્પિયનસિપ 2017-20 પ્રમાણે પ્રવેશ મળ્યો છે. જ્યારે ન્યુઝીલેન્ડ યજમાન હોવાના કારણે વર્લ્ડ કપમાં સીધો પ્રવેશ મળ્યો છે. જ્યારે બાકીની ત્રણ ટીમો પાકિસ્તાન, બાંગ્લાદેશ અને વેસ્ટ ઇન્ડિઝની ટીમો વર્લ્ડ કપ ક્વોલિફાયર મારફતે પોતાની જગ્યા બનાવી છે.
આ પણ વાંચો : હાર્દિક પંડ્યા ટીમ ઇન્ડિયામાં આવતા પહેલા રણજી ટ્રોફી રમશે, સૌરવ ગાંગુલીએ આપી માહિતી
આ પણ વાંચો : સમર અને વિન્ટર ગેમ્સ હોસ્ટ કરનાર બેઇજિંગ વિશ્વનું પહેલું શહેર બન્યું