પિંક બોલથી રમાયેલી ટેસ્ટ મેચોમાં ટીમ ઈન્ડિયાનું પ્રદર્શન કેવું રહ્યું ? અહીં જાણો
ભારત અને શ્રીલંકા વચ્ચે બે મેચની ટેસ્ટ સીરિઝની બીજી અને અંતિમ મેચ ડે-નાઇટ રહેશે. આ મેચ પિંક બોલથી રમાશે.
ભારત અને શ્રીલંકા (INDvSL) વચ્ચે બે મેચની ટેસ્ટ સીરિઝની બીજી અને છેલ્લી મેચ બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે. આ ડે-નાઈટ ટેસ્ટ હશે. જેમાં ક્રિકેટ મેચ લાલને બદલે ગુલાબી બોલથી (Pink Ball Test Match) રમાશે. અત્યાર સુધી ટીમ ઈન્ડિયા આ ગુલાબી બોલથી માત્ર ત્રણ ટેસ્ટ રમી છે. આ ત્રણ મેચમાં ભારતે બે મેચમાં જીત અને એક મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે.
મળતી માહિતી પ્રમાણે બેંગ્લોરમાં રમાનાર ભારત અને શ્રીલંકા વચ્ચેની પિંક બોલ ટેસ્ટ ભારતમાં બે વર્ષના લાંબા સમય ગાળા બાદ ક્રિકેટ મેચમાં 100% ની ક્ષમતા સાથે દર્શકોને સ્ટેડિયમમાં પ્રવેશ આપવામાં આવશે. જેને લઇને ક્રિકેટ ચાહકોમાં ભારે ઉત્સાહની લાગણી ફરી વળી હતી.
પહેલી પિંક બોલ ટેસ્ટ મેચ
ટીમ ઈન્ડિયાએ વર્ષ 2019ના નવેમ્બરમાં તેની પ્રથમ પિંક બોલ ટેસ્ટ રમી હતી. કોલકાતાના ઈડન ગાર્ડનમાં રમાયેલી આ પિંક બોલ ટેસ્ટ મેચમાં ભારતીય ટીમ બાંગ્લાદેશ સામે ટકરાઇ હતી. આ મેચમાં બાંગ્લાદેશની ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પહેલી ઇનિંગમાં બાંગ્લાદેશની ટીમ માત્ર 106 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ત્યાર બાદ કેપ્ટન કોહલીની સદીની મદદથી ભારતે 347 રન પર પોતાનો દાવ ડિકલેર કર્યો હતો. બાંગ્લાદેશની ટીમ બીજી ઇનિંગમાં પણ ખાસ કંઈ કરી શકી ન હતી અને 195 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી અને ભારત આ મેચ એક ઇનિંગ અને 46 રનથી જીતી ગઇ હતી.
એડિલેડમાં ભારતે રમી હતી પોતાની બીજી ડે-નાઇટ ટેસ્ટ મેચ
ડિસેમ્બર 2020માં આયોજિત આ ટેસ્ટમાં ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ ઇનિંગમાં ટીમ ઈન્ડિયાએ 244 રનનો શાનદાર સ્કોર બનાવ્યો હતો અને ઓસ્ટ્રેલિયાની ટીમને 191 રનમાં સમેટાઇ ગઇ હતી અને ભારતને 53 રનની લીડ મેળી હતી. પરંતુ બીજા દાવમાં ભારતીય ટીમ 36 રનના શરમજનક સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ હતી. ઓસ્ટ્રેલિયાએ 90 રનનો ટાર્ગેટ માત્ર 2 વિકેટ ગુમાવીને મેળવી લીધો હતો. આ રીતે ભારતને તેની બીજી પિંક બોલ ટેસ્ટમાં જ ખૂબ જ શરમજનક હાર મળી.
ઇંગ્લેન્ડ સામે રમાઇ હતી ત્રીજી પિંક બોલ ટેસ્ટ મેચ
ફેબ્રુઆરી 2021માં રમાયેલી આ ટેસ્ટ ખૂબ જ રસપ્રદ હતી. આ ટેસ્ટમાં ઈંગ્લેન્ડ 112 રનમાં ઓલઆઉટ થતાં ભારતીય ઇનિંગ પણ માત્ર 145 રન પર સમેટાઈ ગઇ હતી. ત્યાર બાદ ઈંગ્લેન્ડ બીજી ઇનિંગમાં પણ 81 રનમાં ઓલઆઉટ થઈ ગઇ હતી. અહીંથી ભારતે એકપણ વિકેટ ગુમાવ્યા વિના 49 રનનો લક્ષ્યાંક હાંસલ કરીને પિંક બોલ ટેસ્ટ જીતી લીધી હતી. આ મેચમાં અક્ષર પટેલ ‘પ્લેયર ઓફ ધ મેચ’ રહ્યો હતો. તેણે 70 રનમાં 11 વિકેટ ઝડપી હતી.
આ પણ વાંચો : WI vs ENG: વેસ્ટ ઇન્ડિઝ સામેની ટેસ્ટ શ્રેણીમાં ઇંગ્લેન્ડની વધી મુશ્કેલી, સ્ટાર બોલર ઘાયલ થતા મેદાન બહાર