લોર્ડ્સમાં લૂંટાવ્યા રન… ભારતનો આ યુવા ખેલાડી બન્યો વન-ડે ઇતિહાસનો ત્રીજો ‘સૌથી મોંઘો બોલર’
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે લોર્ડ્સમાં રમાઈ રહેલી ત્રીજી વન-ડેમાં ભારતીય બોલિંગ લાઇન સંપૂર્ણપણે વિખેરાઈ ગઈ. જસપ્રિત બુમરાહની ગેરહાજરીમાં ઇંગ્લેન્ડના બેટ્સમેનોએ રનનો પહાડ ખડકી દીધો છે. આ દરમિયાન ભારતનો યુવા બોલર એટલો મોંઘો સાબિત થયો કે, તેના નામે એક શરમજનક રેકોર્ડ નોંધાઈ ગયો.

ભારતીય ફાસ્ટ બોલર ગુરનૂર બ્રાર (Gurnoor Brar) લોર્ડ્સમાં ઇંગ્લેન્ડ સામેની ત્રીજી વન-ડેમાં ખૂબ જ મોંઘો સાબિત થયો. તેણે 10 ઓવરમાં 9.70 ની ઇકોનોમીથી 97 રન લૂંટાવ્યા હતા. આ દરમિયાન તેને કોઈ વિકેટ પણ નહોતી મળી. આ આંકડા સાથે ‘ગુરનૂર’ ભારત માટે એક વન-ડે મેચમાં સૌથી વધુ રન આપનાર ત્રીજો બોલર બની ગયો છે.
કરિયરની માત્ર છઠ્ઠી વન-ડે
ધ્યાન આપવા જેવી બાબત એ છે કે, ગુરનૂર લોર્ડ્સમાં પોતાની કરિયરની માત્ર છઠ્ઠી વન-ડે રમી રહ્યો છે. કરિયરના શરૂઆતના તબક્કામાં જ તે ખૂબ જ અસહજ જોવા મળ્યો હતો. ભારતનો દિગ્ગજ ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહ ઇન્જરીના કારણે આ મેચમાં રમી રહ્યો નથી. એવામાં યુવા બોલરો પર વધારે દબાણ આવ્યું, જે આંકડાઓ પરથી સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.
જણાવી દઈએ કે, ભારત માટે એક વન-ડે મેચમાં સૌથી વધુ રન આપવાનો અણગમતો રેકોર્ડ ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમારના નામે નોંધાયેલો છે. ભુવીએ વર્ષ 2015 માં દક્ષિણ આફ્રિકા સામે વાનખેડે સ્ટેડિયમ (મુંબઈ) માં રમાયેલી મેચમાં 10 ઓવરમાં 106 રન આપ્યા હતા. જો કે, આ દરમિયાન તેને 1 વિકેટ મળી હતી.
આ યાદીમાં વિનય કુમાર બીજા સ્થાન પર છે. તેણે વર્ષ 2013 માં ઓસ્ટ્રેલિયા સામે બેંગલુરુમાં 9 ઓવરમાં 1/102 રન આપ્યા હતા. જણાવી દઈએ કે, ભુવનેશ્વર અને વિનયે જ અત્યાર સુધી 100 કે તેથી વધુ રન આપ્યા છે.
ભારત માટે એક વન-ડેમાં સૌથી વધુ રન ખર્ચ કરનાર બોલર:
- 1/106 (10 ઓવર) ભુવનેશ્વર કુમાર Vs દક્ષિણ આફ્રિકા, વાનખેડે 2015
- 1/102 (9 ઓવર) વિનય કુમાર Vs ઓસ્ટ્રેલિયા, બેંગલુરુ 2013
- 0/97 (10 ઓવર) ગુરનૂર બ્રાર Vs ઇંગ્લેન્ડ, લોર્ડ્સ 2026
- 1/92 (10 ઓવર) ભુવનેશ્વર કુમાર Vs ન્યુઝીલેન્ડ, કાનપુર 2017
ઇંગ્લેન્ડે લોર્ડ્સ પર બનાવ્યો ‘સૌથી મોટો સ્કોર’
લોર્ડ્સમાં રમાઈ રહેલી ત્રીજી વન-ડેમાં ઇંગ્લેન્ડે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. હેરી બ્રુકની કેપ્ટનશીપ વાળી ઇંગ્લિશ ટીમે 50 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 387 રન બનાવ્યા. લોર્ડ્સના મેદાન પર વન-ડે ક્રિકેટનો આ સૌથી મોટો સ્કોર (ટોટલ) રહ્યો.
ટીમ માટે બેન ડકેટે શાનદાર સદીની ઇનિંગ રમતા 135 બોલમાં 18 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 141 રન બનાવ્યા. ડકેટ લોર્ડ્સના મેદાન પર વન-ડેનો સૌથી મોટો વ્યક્તિગત સ્કોર બનાવનાર બેટ્સમેન બની ગયો છે.