દિગ્ગજો જે કામ ન કરી શક્યા તે આ બેટ્સમેને કરી બતાવ્યું, ઇંગ્લેન્ડના ઓપનરે તોડ્યો ’47 વર્ષ’ જૂનો રેકોર્ડ
ક્રિકેટના મક્કા ગણાતા લોર્ડ્સના ઐતિહાસિક મેદાન પર એક નવો ઈતિહાસ રચાયો છે. ભારત સામે રમાઈ રહેલી છેલ્લી વન-ડે મેચમાં ઇંગ્લેન્ડના ઓપનર બેન ડકેટે પોતાની તોફાની બેટિંગથી ચોગ્ગા-છગ્ગાની રમઝટ બોલાવી દીધી હતી. આ આક્રમક બેટિંગના સહારે તેણે 47 વર્ષ જૂનો એક એવો મોટો રેકોર્ડ તોડી નાખ્યો છે કે, જેને ક્રિકેટ જગતના મોટા-મોટા દિગ્ગજો પણ સ્પર્શી શક્યા નહોતા.

ક્રિકેટના મક્કા ગણાતા લોર્ડ્સના ઐતિહાસિક મેદાન પર ઇંગ્લેન્ડના ઓપનર બેન ડકેટે ઇતિહાસ રચી દીધો છે. ભારત સામે રમાયેલી છેલ્લી વન-ડે મેચમાં ડકેટે પોતાની તોફાની બેટિંગથી 47 વર્ષ જૂના એક એવા રેકોર્ડને ધ્વસ્ત કરી દીધો, જેને મોટા-મોટા દિગ્ગજો સ્પર્શી પણ શક્યા નહોતા. બસ આના કારણે ઇંગ્લેન્ડની ટીમ આ મેચમાં પહેલા બેટિંગ કરતા એક મોટો સ્કોર બનાવવામાં સફળ રહી હતી.
લોર્ડ્સ પર બેન ડકેટનું ‘મોટું કારનામું’
મેચમાં ઓપનર તરીકે ઉતરેલા બેન ડકેટ શરૂઆતથી જ શાનદાર લયમાં જોવા મળ્યો હતો. તેણે ભારતીય બોલરોની લાઇન-લેન્થ બગાડતા 135 બોલમાં 141 રનની મેરેથોન ઇનિંગ રમી હતી. પોતાની આ ઐતિહાસિક ઇનિંગમાં ડકેટે 18 ચોગ્ગા અને 1 છગ્ગો ફટકાર્યો હતો. ‘ડકેટ’ ઇનિંગની 44 મી ઓવરમાં આઉટ થઈને પેવેલિયન પરત ફર્યો હતો પરંતુ ત્યાં સુધીમાં તે લોર્ડ્સના મેદાન પર એક નવો ઇતિહાસ લખી ચૂક્યો હતો.
આ બેન ડકેટની વન-ડે કરિયરની ચોથી સદી છે અને આ સાથે જ તે લોર્ડ્સના મેદાન પર વન-ડે ક્રિકેટ ઇતિહાસમાં સૌથી મોટી ઇનિંગ રમનાર બેટ્સમેન બની ગયો છે. તેણે વેસ્ટઇન્ડીઝના મહાન બેટ્સમેન સર વિવ રિચર્ડ્સનો 47 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો છે, જેમણે વર્ષ 1979 ના વર્લ્ડ કપ ફાઇનલમાં ઇંગ્લેન્ડ સામે અણનમ 138 રન બનાવ્યા હતા.
લોર્ડ્સના મેદાન પર સૌથી મોટી વન-ડે ઇનિંગ્સ
- 141 રન – બેન ડકેટ (બનામ ભારત, 2026)
- 138* રન – વિવ રિચર્ડ્સ (બનામ ઇંગ્લેન્ડ, 1979)
- 137 રન – ડેનિસ એમિસ (બનામ ભારત, 1975)
- 137 રન – માર્કસ ટ્રેસ્કોથિક (બનામ પાકિસ્તાન, 2001)
- 136 રન – ગ્રેહામ ગૂચ (બનામ ઓસ્ટ્રેલિયા, 1989)
ખાસ ક્લબમાં જોડાયો ‘ડકેટ’
આ સદીની ઇનિંગના દમ પર બેન ડકેટે વધુ એક ખાસ સિદ્ધિ પોતાના નામે કરી લીધી છે. તે લોર્ડ્સના મેદાન પર ટેસ્ટ અને વન-ડે બંને ફોર્મેટમાં સદી ફટકારનારા વિશ્વના પસંદગીના ઓપનર્સની યાદીમાં જોડાઈ ગયો છે. ડકેટ પહેલા ઇંગ્લેન્ડના માત્ર 5 દિગ્ગજ ઓપનિંગ બેટ્સમેન જ આ કારનામું કરી શક્યા હતા.
લોર્ડ્સમાં ટેસ્ટ અને વન-ડે બંનેમાં સદી ફટકારનારા ઓપનર્સ
- ડેનિસ એમિસ
- ગ્રેહામ ગૂચ
- ગ્રીમ વૂડ
- માર્કસ ટ્રેસ્કોથિક
- એલિસ્ટર કૂક
- બેન ડકેટ
ભારત સામે બીજી સૌથી ‘મોટી ઇનિંગ’
લોર્ડ્સમાં ઇતિહાસ રચવાની સાથે-સાથે બેન ડકેટ ભારત સામે વન-ડે ક્રિકેટમાં ઇંગ્લેન્ડ તરફથી બીજી સૌથી મોટી ઇનિંગ રમનાર બેટ્સમેન પણ બની ગયો છે. આ મામલામાં તેણે વર્ષ 1975 માં ડેનિસ એમિસ દ્વારા બનાવવામાં આવેલા 137 રનના રેકોર્ડને પાછળ છોડી દીધો છે. આ યાદીમાં પૂર્વ કેપ્ટન એન્ડ્રુ સ્ટ્રોસ (158 રન) હજુ પણ ટોચ પર છે.
ભારત સામે વન-ડેમાં ઇંગ્લેન્ડના બેટ્સમેનોનો ‘બેસ્ટ સ્કોર’
- 158 રન – એન્ડ્રુ સ્ટ્રોસ (બેંગલુરુ, 2011)
- 141 રન – બેન ડકેટ (લોર્ડ્સ, 2026)
- 137 રન – ડેનિસ એમિસ (લોર્ડ્સ, 1975)
- 129 રન – રોબિન સ્મિથ (ગ્વાલિયર, 1993)
- 126* રન – ઇયાન બેલ (સાઉધેમ્પટન, 2007)
