Breaking News : PSL છોડીને IPL રમવા આવી રહ્યા છે ખેલાડીઓ, મોહસીન નકવીએ આપી ધમકી
IPL અને PSLની ટકકર વચ્ચે વિદેશી ખેલાડીઓ PSL છોડવા પર પીસીબી ગુસ્સે થયું છે. ચેરમેન મોહસિન નકવીએ આવા ખેલાડીઓ વિરુદ્ધ કાનુની કાર્યવાહી કરવાની ચેતવણી આપી છે. જ્યારે PSL 2026 ચાહકો વગર રમાશે.
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડેના ચેરમેન મોહસિન નકવીએ વિદેશી ખેલાડીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની ચેતવણી આપી છે, જે છેલ્લા સમયે પાકિસ્તાન સુપર લીગ એટલે કે,PSL 2026 છોડી ઈન્ડિયન પ્રીમિયર લીગ આઈપીએલ રમવા આવી રહ્યા છે. નકવીએ આવા ખેલાડીઓ વિરુદ્ધ કાનુની કાર્યવાહી કરવાનું કહ્યું છે. ઘણા ખેલાડીઓ IPL રમવા માટે PSL છોડી રહ્યા છે.
ઝિમ્બાબ્વેના બ્લેસિંગ મુઝારાબાની KKR માં રિપ્લેસમેન્ટ ખેલાડી તરીકે જોડાયો છે. ઈસ્લામાબાદ યુનાઈટેડે તેને ઓક્શનમાં ખરીદ્યો હતો. શ્રીલંકાનો દાસુન શનાકા પણ પીએસએલ છોડી રાજસ્થાન રોયલ્સમાં સામેલ થવાનો છે. તો સેમ કરનના કારણે ટીમનો ભાગ બનશે. વેસ્ટઈન્ડિઝના ગુડકેશ મોતી પણ પીએસએલમાં સોલ્ડ થયા બાદ આઈપીએલનો ભાગ બનવાનો છે. ગત્ત વર્ષે કોબિન બૉશ પીએસએલ છોડી મુંબઈ ઈન્ડિયન્સનો ભાગ બન્યો હતો.
મોહસિન નકવીએ ખેલાડીઓને ધમકી આપી
પાકિસ્તાન સુપર લીગ છોડી આઈપીએલમાં રમવા આવી રહેલા ખેલાડીઓને પીસીબીના ચેરમેન મોહસિન નકવીએ કાનુની કાર્યવાહી કરવાની ધમકી આપી છે. તેમણે સોશિયલ મીડિયામાં વાત કરતા કહ્યું કે, “આ વર્ષે PSLમાં આવનારા ખેલાડીઓને જુઓ. બે કે ત્રણ ખેલાડીઓ તો છોડી પણ ગયા છે. અમે તેમની સામે કાનૂની કાર્યવાહી કરવાનું વિચારી રહ્યા છીએ. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોની સરખામણીમાં આ વર્ષના ખેલાડીઓમાં કેટલો તફાવત છે તે જુઓ.”
નકવીએ કહ્યું કે ઘણા ખેલાડીઓ જેમણે ક્યારેય પાકિસ્તાનની મુલાકાત લીધી નથી તેઓ આ વખતે PSL માં રમી રહ્યા છે. તેમણે કહ્યું, “જે ખેલાડીઓ પહેલા ક્યારેય પાકિસ્તાનની મુલાકાત લીધી નથી તેઓ હવે PSL માટે અહીં આવી રહ્યા છે. IPL સાથે ટક્કર થાય તો કોઈ વાંધો નથી, કારણ કે વિશ્વભરના ઘણા બધા ખેલાડીઓ છે. IPL હોવા છતાં, અમે ઘણા આંતરરાષ્ટ્રીય ખેલાડીઓને આકર્ષવામાં સક્ષમ છીએ.”
પીએસએલ ચાહકો વિના રમાશે
પાકિસ્તાન સુપર લીગ 2026 ચાહકો વિના રમાશે. નકવીએ રવિવારે પુષ્ટિ આપી હતી કે, પીએસએલ બંધ દરવાજા પાછળ રમાશે. પશ્ચિમ એશિયામાં ચાલી રહેલી યુદ્ધની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. શરૂઆતમાં છ સ્થળોએ યોજાવાનું હતું, પરંતુ હવે આ સંખ્યા ઘટાડીને બે કરવામાં આવી છે. લીગ મેચો લાહોર અને કરાચીમાં રમાશે. પીએસએલનો ઉદ્ઘાટન સમારોહ પણ રદ કરવામાં આવ્યો છે.
પાકિસ્તાન સુપર લીગ 26 માર્ચથી શરૂ થશે. પહેલી મેચ લાહોર કલંદર્સ અને હૈદરાબાદ કિંગ્સમેન વચ્ચે રમાશે. આ વખતે છને બદલે આઠ ટીમો લીગમાં ભાગ લઈ રહી છે. આઈપીએલ 28 માર્ચથી શરૂ થવાની છે.

