BCCIએ 17 વર્ષ બાદ કરી ઐતિહાસિક જાહેરાત, IPL 2025માં ખેલાડીઓ કરશે વધારાની કમાણી
BCCIના નવા નિર્ણયથી ખેલાડીઓને IPLની આગામી સિઝનમાં વધારાના પૈસા કમાવવાની તક મળશે. IPL સિઝનના 17 વર્ષ પૂર્ણ થયા બાદ પ્રથમ વખત BCCIએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટની જેમ આ લીગમાં ખેલાડીઓને મેચ ફી ચૂકવવાની જાહેરાત કરી છે. BCCI સેક્રેટરી જય શાહે 'X' પર પોસ્ટ કરી આ ઐતિહાસિક જાહેરાત કરી હતી.
ઈન્ડિયન પ્રીમિયર લીગની આગામી સિઝન ખેલાડીઓ માટે વધુ શાનદાર સાબિત થવા જઈ રહી છે. આગામી સિઝન પહેલા યોજાનારી મેગા ઓક્શનમાં કયો ખેલાડી કઈ ટીમ માટે રમશે અને તેને કેટલો પગાર મળશે તે તો થોડા અઠવાડિયા પછી જ ખબર પડશે, પરંતુ એટલું ચોક્કસ છે કે ટૂર્નામેન્ટ દરમિયાન જે ખેલાડીઓને મેદાન પર તેમની પ્રતિભા બતાવવાની તક મળશે, તેમની કમાણી પહેલા કરતા વધુ થશે. એક ઐતિહાસિક નિર્ણયમાં, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે જાહેરાત કરી છે કે આગામી IPL સિઝનથી ખેલાડીઓને મેચ ફી ચૂકવવામાં આવશે, જેના કારણે ખેલાડીને તેના ઉપરાંત 1.05 કરોડ રૂપિયા સુધીની વધારાની રકમ મળી શકશે.
ખેલાડીઓની કમાણીમાં થશે વધારો
2008માં શરૂ થયેલી IPLની અત્યાર સુધીમાં 17 સિઝન પૂર્ણ થઈ છે, જેમાં ઘણા ખેલાડીઓએ કરોડોની કમાણી કરી છે. ગત સિઝનમાં જ ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ઝડપી બોલર મિચેલ સ્ટાર્કને 24.75 કરોડ રૂપિયામાં KKRએ ખરીદ્યો હતો. જ્યારે ઘણા યુવા ખેલાડીઓને પણ તેમની મૂળ કિંમતે ખરીદવામાં આવ્યા હતા, જે IPLની શરૂઆતમાં 10 લાખ રૂપિયા હતા અને હવે તે 20 લાખ રૂપિયા છે. આ રીતે, કોઈપણ સિઝન માટે પસંદ કરાયેલા ખેલાડીઓને તે સિઝન માટે તેટલી જ રકમ મળી હતી જેના માટે તેમને હરાજીમાં ખરીદવામાં આવ્યા હતા. હવે તેમાં વધારો થવાનો છે.
ખેલાડીઓને મેચ ફી પણ મળશે
IPLની છેલ્લી 17 સિઝનમાં ખેલાડીઓને માત્ર તેમની હરાજી ફી જ પગાર તરીકે મળતી હતી, પરંતુ હવે પહેલીવાર ખેલાડીઓને આંતરરાષ્ટ્રીય ક્રિકેટની જેમ મેચ ફી પણ મળશે. BCCI સેક્રેટરી જય શાહે શનિવારે IPL ગવર્નિંગ કાઉન્સિલની બેઠક બાદ સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં જાહેરાત કરી હતી કે ખેલાડીઓને આગામી સિઝનથી IPLમાં મેચ ફી પણ મળશે. શાહે કહ્યું કે ખેલાડીઓને એક મેચ માટે 7.5 લાખ રૂપિયા મળશે. તેમણે કહ્યું કે આ રીતે જો કોઈ ખેલાડી લીગ સ્ટેજની તમામ 14 મેચ રમે છે તો તેની કમાણી વધીને 1.05 કરોડ રૂપિયા થઈ જશે.
In a historic move to celebrate consistency and champion outstanding performances in the #IPL, we are thrilled to introduce a match fee of INR 7.5 lakhs per game for our cricketers! A cricketer playing all league matches in a season will get Rs. 1.05 crores in addition to his…
— Jay Shah (@JayShah) September 28, 2024
મેચ ફી માટે 12.60 કરોડ રૂપિયાનું અલગ ફંડ
હવે જો કોઈ ખેલાડી, લીગ તબક્કાની 14 મેચો સિવાય, પ્લેઓફમાં ફાઈનલ સહિત 3 વધુ મેચ રમે છે, તો તે કુલ 1.23 કરોડ રૂપિયાની વધારાની કમાણી કરી શકે છે. આનો અર્થ એ છે કે ભલે કોઈ ખેલાડીની હરાજી ફી કરોડોમાં હોય અથવા તેની મૂળ કિંમત માત્ર 20 લાખ રૂપિયા હોય, તેને ટૂર્નામેન્ટ દરમિયાન તે જેટલી મેચ રમશે તેના રૂપિયા મળશે. શાહે કહ્યું કે તમામ ફ્રેન્ચાઈઝી મેચ ફી માટે 12.60 કરોડ રૂપિયાનું અલગ ફંડ રાખશે.
રીટેન્શન નિયમોના નિર્ણય પર બધાની નજર
BCCIનો આ એવો નિર્ણય છે, જેની કોઈએ આગાહી કરી ન હતી. એવું ચોક્કસપણે માનવામાં આવે છે કે આ વખતે BCCI મેગા ઓક્શન માટે ફ્રેન્ચાઈઝીની સેલેરી પર્સ રૂ. 100 કરોડથી વધારીને રૂ. 120 કરોડ કરી શકે છે. હવે જોવાનું એ રહે છે કે શું આ 12.60 કરોડ રૂપિયા હરાજી પર્સનો ભાગ હશે કે તેનાથી અલગ હશે. બધા રીટેન્શન નિયમોને લઈને બોર્ડના નિર્ણયની રાહ જોઈ રહ્યા અને આ બધા વચ્ચે જય શાહે ઐતિહાસિક જાહેરાત કરી છે.
આ પણ વાંચો: IND vs BAN: નિયમ તોડીને જોઈ રહ્યો હતો મેચ, કાનપુરથી મોકલાયો પરત, 5 વર્ષ ભારત આવવા પર પ્રતિબંધ