AUS vs ENG: ઓસ્ટ્રેલિયાએ ત્રીજી ટેસ્ટ જીતીને એશિઝ જાળવી રાખી, 3 ટેસ્ટના 11 દિવસની રમતમાં ઇંગ્લેન્ડ રેસમાંથી બહાર
એશિઝ: ઓસ્ટ્રેલિયાએ એડિલેડ ટેસ્ટમાં ઇંગ્લેન્ડને હરાવીને એશિઝ જાળવી રાખી છે. આ ઓસ્ટ્રેલિયાનો સતત પાંચમો એશિઝ એવોર્ડ છે. 2017-18માં ઓસ્ટ્રેલિયાએ એશિઝ જીતી ત્યારથી ઓસ્ટ્રેલિયાએ ક્યારેય એશિઝ શિલ્ડ ગુમાવ્યો નથી.

Australia vs England: ઓસ્ટ્રેલિયાએ એડિલેડમાં ત્રીજી ટેસ્ટમાં ઇંગ્લેન્ડને 82 રનથી હરાવ્યું છે. આ સાથે, ઓસ્ટ્રેલિયાએ એશિઝ ખિતાબ જાળવી રાખ્યો છે. ઓસ્ટ્રેલિયા હવે પાંચ ટેસ્ટ મેચની એશિઝ શ્રેણીમાં 3-0ની અજેય લીડ ધરાવે છે. ઓસ્ટ્રેલિયન ટીમે, ઇંગ્લેન્ડ સામે એશિઝ જીતવામાં 3 ટેસ્ટમેચના 15 દિવસને બદલે માત્ર 11 દિવસનો સમય લીધો. અહીં એશિઝ શ્રેણીની પ્રથમ ત્રણ ટેસ્ટ મેચ માત્ર 11 દિવસમાં જ સમાપ્ત થઈ ગઈ હોવાથી 11 દિવસનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
ઓસ્ટ્રેલિયાએ એડિલેડ ટેસ્ટ કેવી રીતે જીતી?
ઓસ્ટ્રેલિયાએ એડિલેડમાં ત્રીજી ટેસ્ટમાના પાંચમા દિવસે મેચ જીતી લીધી છે. આ ત્રીજી ટેસ્ટ મેચ એવી છે કે, જે અગાઉની પ્રથમ બે ટેસ્ટમેચની સરખામણીએ લાંબી ચાલી હોય. ઓસ્ટ્રેલિયાએ ઇંગ્લેન્ડ સામે એડિલેડ ટેસ્ટ જીતવા માટે 435 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. આ લક્ષ્યનો પીછો કરતા, ઇંગ્લેન્ડ 352 રનમાં ઓલઆઉટ થઈ ગયું, જેના કારણે ઈંગ્લેન્ડ મેચની સાથેસાથે એશિઝ ખિતાબ પણ હારી ગયું. એડિલેડ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાની જીતનો હીરો વિકેટકીપર એલેક્સ કેરી હતો, જેણે 178 રન બનાવ્યા અને છ કેચ પણ ઝડપ્યા હતા.
ઇંગ્લેન્ડ 11 દિવસમાં રેસમાંથી કેવી રીતે બહાર થઈ ગયું?
3 ટેસ્ટ મેચના કુલ 15 દિવસના બદલે ઓસ્ટ્રેલિયાએ કુલ 11 દિવસની રમતમાં જ ઈંગ્લેન્ડને ઘૂળ ચાટતુ કર્યું છે. ઓસ્ટ્રેલિયાએ પર્થમાં શ્રેણીની પહેલી ટેસ્ટમેચ ફક્ત બે દિવસમાં જ જીતી લીધી હતી. જેમાં ઇંગ્લેન્ડને આઠ વિકેટથી હરાવ્યું હતું. ઓસ્ટ્રેલિયાએ બ્રિસ્બેનમાં રમાયેલી એશિઝ શ્રેણીની બીજી ટેસ્ટ મેચ ચાર દિવસમાં જીતી લીધી હતી. આ મેચ પણ આઠ વિકેટથી જીતી હતી. જ્યારે એડિલેડમાં રમાઈ રહેલ ત્રીજી ટેસ્ટ મેચ પાંચમાં દિવસે 82 રને જીતી લીધી. આમ, ઓસ્ટ્રેલિયાને ત્રણેય ટેસ્ટ જીતવામાં રમતના કુલ 11 દિવસ લાગ્યા. આ 11 દિવસ ઓસ્ટ્રેલિયાની જીત અને ઇંગ્લેન્ડની ટીમની એશિઝથી બહાર કરવા માટે નિર્ણાયક રહ્યાં.
એશિઝમાં ઓસ્ટ્રેલિયાનું વર્ચસ્વ, 7 વર્ષથી ચેમ્પિયન
આ વખતે 2025-2026માં રમાયેલ ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વિરુદ્ધ એશિઝ મેચ જીતીને ઓસ્ટ્રેલિયા સતત પાંચમું એશિઝ ટાઇટલ જીતવમાં સફળ થયું છે. તેઓએ 2017-18માં એશિઝ જીતી હતી. ત્યારબાદ તેઓએ 2019 માં એશિઝ જાળવી રાખી. તેઓએ 2021-22, 2023 અને હવે 2025-26 માં એશિઝ જાળવી રાખી છે. આ આંકડા એશિઝમાં ઓસ્ટ્રેલિયાના વર્ચસ્વ જણાવે છે અને દર્શાવે છે કે ઇંગ્લેન્ડ એશિઝ પાછું મેળવવાની રેસમાંથી કેવી રીતે બહાર થઈ ગયું છે.
આ પણ વાંચોઃ IND vs PAK, U19 Asia Cup Final : સિનયરોને અનુસરીને જૂનિયરો પણ નહીં લે પાકિસ્તાનીના હાથે એશિયા કપની ટ્રોફિ ?