કાયદાનો રક્ષક જ ભાન ભૂલ્યો ! દારૂના વેપારમાં પોલીસકર્મીએ હાથ મિલાવ્યો, કોન્સ્ટેબલ સહિત પાંચ આરોપીને વોન્ટેડ જાહેર કરાયા – જુઓ Video
ગુજરાતમાં ઉત્તરાયણના પર્વે દારૂના મોટા વેપલાનો પર્દાફાશ થયો છે. ગુજરાત પોલીસે વિદેશી દારૂની હેરાફેરી કરતી ગેંગ પર કાર્યવાહી કરી છે, જેમાં એક પોલીસ કોન્સ્ટેબલની સંડોવણી પણ સામે આવી છે.
મોરબીમાં ઉત્તરાયણના પર્વે દારૂના મોટા વેપલાનો પર્દાફાશ થયો છે. ટંકારા પોલીસે વિદેશી દારૂની હેરાફેરી કરતી ગેંગ પર કાર્યવાહી કરી છે, જેમાં પોલીસ કોન્સ્ટેબલની સંડોવણી પણ સામે આવી છે. આ કાર્યવાહીમાં પોલીસે ટ્રક, કન્ટેનર અને બોલેરો સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
પોલીસ દ્વારા વિદેશી દારૂની 33 હજારથી વધુ બોટલ કબજે કરવામાં આવી છે, જેની કુલ કિંમત 1 કરોડ રૂપિયાથી વધુ હોવાનું જાણવા મળ્યું છે. આ મામલે ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે પોલીસ કોન્સ્ટેબલ સહિત પાંચ આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.
ઘટનામાં મોરબી પોલીસમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ માનસુર દેવદાનભાઈ ડાંગરનું નામ સામે આવ્યું છે. પોલીસે અલગ અલગ બ્રાન્ડની કુલ 1070 પેટી દારૂ ઝડપી પાડી છે. દારૂ સાથે બોલેરો અને કન્ટેનર ટ્રક સહિત કુલ 1.30 કરોડનો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો છે.
આ કેસમાં રાજસ્થાનના નિવાસી કમલેશ વડેરા, જીતમાલ કટારા અને નાનાલાલ વાલિયા સિંગાડાની ધરપકડ કરવામાં આવી છે. વધુમાં કેરારામ હરખારામ, પ્રિન્સ ઝાલરિયા, મોરબી પોલીસ કર્મચારી માનસુર ડાંગર, બોલેરો ચાલક અને દારૂ મોકલનાર સહિતના પાંચ આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.
નોંધનીય છે કે, દાહોદમાં પણ દારૂની હેરાફેરીના મામલે ત્રણ પોલીસ જવાન પકડાયા હતા. તપાસ દરમિયાન ખુલ્યું કે, એક હેડ કોન્સ્ટેબલ દારૂ ભરેલી કાર ચલાવતો હતો, જ્યારે બે કોન્સ્ટેબલ કારનું પાયલોટિંગ કરી રહ્યા હતાં.

