Asia Cup 2023: ટીમની જર્સીને લઈ પાકિસ્તાનમાં હંગામો, ફેન્સે PCBને કર્યું ટ્રોલ, જાણો સમગ્ર મામલો
પાકિસ્તાન શ્રીલંકાના સહયોગથી આ એશિયા કપ-2023નું આયોજન કરી રહ્યું છે. પરંતુ યજમાન પાકિસ્તાન જ છે. BCCIએ આ ટૂર્નામેન્ટ માટે પોતાની ટીમને પાકિસ્તાન મોકલવાનો ઈન્કાર કરી દીધો હતો અને કહ્યું હતું કે આ ટૂર્નામેન્ટ કોઈ અન્ય દેશમાં યોજવી જોઈએ.
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) હાલમાં પોતાના જ લોકોની ટીકાનો સામનો કરી રહ્યું છે. પાકિસ્તાન ક્રિકેટ ટીમના ચાહકો અને પૂર્વ ક્રિકેટરો આ સમયે બોર્ડની જોરદાર ટીકા કરી રહ્યા છે. તેનું કારણ એશિયા કપ (Asia Cup 2023)માં ભાગ લઈ રહેલી ટીમોની જર્સી છે. વાસ્તવમાં એશિયા કપનું યજમાન પાકિસ્તાન છે અને એશિયા કપનો લોગો તેમાં ભાગ લેનારી ટીમોની જર્સી પર છે પરંતુ યજમાન પાકિસ્તાનનું નામ નથી. જ્યારે કોઈ દેશ ટુર્નામેન્ટનું યજમાન હોય છે, ત્યારે તે દેશનું નામ તે ટુર્નામેન્ટના લોગો સાથે અન્ય ટીમોની જર્સી પર દેખાય છે. આ વર્ષે ભારતમાં ODI વર્લ્ડ કપ યોજાવાનો છે અને પાકિસ્તાને (Pakistan) આ ટૂર્નામેન્ટ માટે પોતાની જર્સી લોન્ચ કરી હતી જેમાં ટૂર્નામેન્ટના નામની સાથે યજમાન ભારતનું નામ પણ છે.
પાકિસ્તાન એશિયા કપ-2023નું સત્તાવાર યજમાન
જો કે પાકિસ્તાન શ્રીલંકાના સહયોગથી આ એશિયા કપનું આયોજન કરી રહ્યું છે. પરંતુ યજમાન પાકિસ્તાન જ છે. BCCIએ આ ટૂર્નામેન્ટ માટે પોતાની ટીમને પાકિસ્તાન મોકલવાનો ઈન્કાર કરી દીધો હતો અને કહ્યું હતું કે આ ટૂર્નામેન્ટ કોઈ અન્ય દેશમાં યોજવી જોઈએ. PCB આ માટે સહમત ન થયું અને સૂચવ્યું કે જો ભારત ઇચ્છે તો તે તેની મેચ અન્ય દેશમાં રમી શકે છે.આખરે નક્કી થયું કે પાકિસ્તાન એશિયા કપનું યજમાન રહેશે પરંતુ આ ટૂર્નામેન્ટની મેચો શ્રીલંકામાં રમાશે. જોકે પાકિસ્તાનને માત્ર ચાર મેચોના યજમાન અધિકાર મળ્યા છે, બાકીની નવ મેચો શ્રીલંકામાં યોજાશે.
Why is the event host’s name missing from the #ACCAsiaCup2023 logo? .@ACCMedia1 pic.twitter.com/Fd77dt2hve
— Rashid Latif | (@iRashidLatif68) August 30, 2023
પૂર્વ કેપ્ટન રાશિદ લતીફે PCBને ઘેર્યું
પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન રાશિદ લતીફે આ મુદ્દે PCBને ઘેર્યું છે. લતીફે કહ્યું છે કે આ સહન કરવા જેવી વાત નથી અને એશિયન ક્રિકેટ કાઉન્સિલે આ મુદ્દે સ્પષ્ટતા કરવી જોઈએ કારણ કે એશિયા કપ તેમની ટૂર્નામેન્ટ છે. સોશિયલ મીડિયા પર ઘણા ચાહકો PCBને ટ્રોલ પણ કરી રહ્યા છે. આ મામલામાં સ્થિતિ વણસતી જોઈને પાકિસ્તાની બોર્ડે તેને દબાવવાનો પ્રયાસ કર્યો અને કહ્યું કે ACCએ ગયા વર્ષે નિર્ણય લીધો હતો કે હવેથી ટૂર્નામેન્ટના લોગો સાથે યજમાન દેશનું નામ આપવામાં આવશે નહીં. પરંતુ PCBનું આ નિવેદન ચાહકોને પસંદ નથી આવી રહ્યું અને તેઓ કહે છે કે જો આવું હતું તો PCBએ તેને કેવી રીતે મંજૂરી આપી? કારણ કે PCB 15 વર્ષ પછી આટલી મોટી ટીમ ઈવેન્ટનું આયોજન કરી રહ્યું છે.
ACC એ સ્પષ્ટતા કરવી જોઈએ
પાકિસ્તાનના પૂર્વ ટેસ્ટ બેટ્સમેન મોહસીન ખાને પણ આ મામલે PCBની સફાઈ માટે ટીકા કરી છે. મોહસિને કહ્યું છે કે જો ACC એ એશિયા કપના લોગોમાંથી યજમાન દેશનું નામ હટાવવાનો નિર્ણય લીધો હતો, તો પછી થોડા દિવસ પહેલા યોજાયેલ એશિયન ઇમર્જિંગ નેશન્સ કપ અને એશિયન અંડર-16 ટુર્નામેન્ટના લોગોમાંથી યજમાન દેશનું નામ કેમ હટાવવામાં આવ્યું નહીં? મોહસિને કહ્યું છે કે ACCએ આ મામલે સ્પષ્ટતા કરવી જોઈએ.
આ પણ વાંચો : વર્લ્ડ ચેમ્પિયન Neeraj chopra ઝ્યુરિચ ડાયમંડ લીગમાં ચમક્યો, ફાઇનલમાં ક્વોલિફાય થયો
BCCI સચિવ જય શાહ પર સાધ્યું નિશાન !
સમાચાર એજન્સી PTIના અહેવાલ મુજબ, પાકિસ્તાનના અન્ય એક ભૂતપૂર્વ ખેલાડીએ નામ ન આપવાની શરતે કહ્યું કે તેનું કારણ ACC પ્રમુખ અને BCCI સચિવ જય શાહ છે. તેણે કહ્યું કે ભારત અને પાકિસ્તાન બંનેની વર્તમાન રાજકીય પરિસ્થિતિને જોતા BCCIના અધિકારીએ વિચાર્યું હશે કે ભારતની જર્સી પર પાકિસ્તાનનું નામ છાપવું યોગ્ય નહીં હોય. લતીફે પણ આ શક્યતાને નકારી કાઢી ન હતી અને કહ્યું હતું કે જે પણ થયું તે યોગ્ય નથી અને તેની સ્પષ્ટતા કરવાની જરૂર છે.