T20 વર્લ્ડ કપ 2026 માટે તમામ 20 ટીમો થઈ નક્કી, UAE ક્વોલિફાય થનારી અંતિમ ટીમ
આવતા વર્ષે ભારત અને શ્રીલંકામાં યોજાનાર T20 વર્લ્ડ કપ માટે તમામ 20 ટીમોએ ક્વોલિફાય કરી લીધું છે. T20 વર્લ્ડ કપ એશિયા અને ઈસ્ટ એશિયા-પેસિફિક ક્વોલિફાયર 2025 ના સુપર 6 રાઉન્ડમાં જાપાનને હરાવી UAE T20 વર્લ્ડ કપ માટે ક્વોલિફાય થનારી અંતિમ ટીમ બની છે. આ તમામ ટીમો વચ્ચે હવે T20 વર્લ્ડ કપ ટ્રોફી માટે જંગ જામશે.

મસ્કતમાં યોજાયેલા T20 વર્લ્ડ કપ એશિયા અને ઈસ્ટ એશિયા-પેસિફિક ક્વોલિફાયર 2025 ના સુપર 6 રાઉન્ડમાં પ્રભાવશાળી પ્રદર્શન બાદ ત્રણ ટીમોએ ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026 માટે ક્વોલિફાય કર્યું હતું. આ સાથે T20 વર્લ્ડ કપ 2026 માટે તમામ 20 ટીમો નક્કી થઈ ગઈ છે, જે આવતા વર્ષે ભારત અને શ્રીલંકામાં રમાશે. સંયુક્ત આરબ અમીરાત (UAE) જાપાનને હરાવીને ટુર્નામેન્ટ માટે ક્વોલિફાય થનારી અંતિમ ટીમ બની હતી.
UAE T20 વર્લ્ડ કપ માટે ક્વોલિફાય
બંને ટીમો વચ્ચે રમાયેલી આ મેચમાં, UAE એ એકતરફી રીતે મેચ જીતી લીધી. ટોસ જીતીને, UAE એ પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો, જે યોગ્ય સાબિત થયો. પ્રથમ બેટિંગ કરતા, જાપાન 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને ફક્ત 116 રન જ બનાવી શક્યું. દરમિયાન, UAE એ આ લક્ષ્ય ફક્ત 12.1 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને પ્રાપ્ત કર્યું. UAEની ઈનિંગમાં અલીશાન શરાફુએ સૌથી વધુ 46 રન બનાવ્યા, જ્યારે કેપ્ટન મોહમ્મદ વસીમે 42 રન બનાવ્યા. UAE ઉપરાંત, નેપાળ અને ઓમાને પણ એશિયા અને ઈસ્ટ એશિયા-પેસિફિક ક્વોલિફાયર 2025 થી T20 વર્લ્ડ કપ 2026 માટે ટિકિટ મળી ગઈ.
UAE lock in their place at next year’s #T20WorldCup in India & Sri Lanka
To know more https://t.co/RJPYa5d6ZZ pic.twitter.com/crHGViYy3O
— ICC (@ICC) October 16, 2025
આ 20 ટીમો વચ્ચે ટાઈટલ જંગ થશે
અફઘાનિસ્તાન, ઓસ્ટ્રેલિયા, બાંગ્લાદેશ, ઈંગ્લેન્ડ, દક્ષિણ આફ્રિકા, યુનાઈટેડ સ્ટેટ્સ અને વેસ્ટ ઈન્ડીઝે છેલ્લા T20 વર્લ્ડ કપમાં સુપર 8 માં પહોંચીને આગામી T20 વર્લ્ડ કપ માટે ક્વોલિફાય કર્યું હતું. આયર્લેન્ડ, ન્યુઝીલેન્ડ અને પાકિસ્તાને રેન્કિંગના આધારે પોતાનું સ્થાન સુરક્ષિત કર્યું હતું. કેનેડાએ અમેરિકા ક્વોલિફાયરમાંથી અને ઈટાલી અને નેધરલેન્ડ્સે યુરોપિયન ક્વોલિફાયરમાંથી ક્વોલિફાય કર્યું હતું. નામિબિયા અને ઝિમ્બાબ્વેએ આફ્રિકા ક્વોલિફાયરમાંથી ક્વોલિફાય કર્યું હતું. જ્યારે ભારત અને શ્રીલંકાએ યજમાન તરીકે પોતાનું સ્થાન સુરક્ષિત કર્યું હતું.
આ પણ વાંચો: IND vs AUS: ઓસ્ટ્રેલિયા સામે મેદાનમાં ઉતરતા જ રોહિત શર્મા રચશે ઈતિહાસ, આ ખાસ સિદ્ધિ હાંસલ કરશે
