IND vs SA: હારના 3 સૌથી મોટા કારણ! કોલકાતામાં ટીમ ઈન્ડિયાની શરણાગતિ, 1000 વિકેટ લેનાર બોલર આખી ટીમ પર ભારે પડ્યો
કોલકાતા ટેસ્ટમાં દક્ષિણ આફ્રિકાએ ભારતને 30 રનથી હરાવ્યું. જો કે, આ બધા વચ્ચે ટીમ ઈન્ડિયાની હારના 3 સૌથી મોટા કારણો બહાર આવ્યા છે.

કોલકાતા ટેસ્ટમાં દક્ષિણ આફ્રિકાએ ભારતને 30 રનથી હરાવ્યું. નોંધનીય છે કે, મેચ ફક્ત અઢી દિવસમાં જ પૂરી થઈ ગઈ. ચોથી ઇનિંગમાં ટીમ ઈન્ડિયાને 124 રનનો લક્ષ્યાંક આપવામાં આવ્યો હતો પરંતુ તેના જવાબમાં આખી ભારતીય ટીમ 93 રનમાં જ ઢળી પડી. ભારતની બીજી ઇનિંગમાં 7 બેટ્સમેન ડબલ ફિગર સુધી પહોંચી શક્યા નહોતા. આમાંથી 4 બેટ્સમેન તો પોતાનું ખાતું ખોલાવી શક્યા નહોતા.
બંને ઇનિંગ્સમાં ખરાબ શરૂઆત
બીજા દિવસથી જ સ્પિન બોલરોએ મેચ પર પ્રભુત્વ મેળવવાનું શરૂ કર્યું હતું. ભારતીય ટીમ બંને ઇનિંગ્સમાં સારી શરૂઆત કરવામાં નિષ્ફળ રહી. યશસ્વી જયસ્વાલ અને કેએલ રાહુલે પ્રથમ ઇનિંગમાં એકસાથે 18 રન ઉમેર્યા અને બીજી ઇનિંગમાં તો પ્રથમ વિકેટ જ શૂન્ય પર પડી ગઈ હતી. એકંદરે, બંને ઓપનર્સ ટીમ ઈન્ડિયા માટે મોટા સ્કોરનો પાયો નાખવામાં નિષ્ફળ રહ્યા.
બીજી ઇનિંગમાં બોલિંગ નબળી પડી
પ્રથમ ઇનિંગમાં ટીમ ઈન્ડિયા પાસે 30 રનની લીડ હતી. ભારતીય બોલરોએ બીજી ઇનિંગમાં માત્ર 91 રનમાં દક્ષિણ આફ્રિકાની 7 વિકેટ ઝડપી હતી. જો કે, આફ્રિકાની છેલ્લી ત્રણ વિકેટે 62 રન ઉમેર્યા, જે ભારતીય બેટ્સમેન માટે ખૂબ વધારે સાબિત થયા.
સિમોન હાર્મર સામે શરણાગતિ
કોલકાતાની પિચ સામાન્ય રીતે ત્રીજા દિવસથી સ્પિનરોને મદદ કરવાનું શરૂ કરે છે પરંતુ આ વખતે સ્પિનરોએ બીજા દિવસે ઝડપથી વિકેટ લેવાનું શરૂ કર્યું. મેચમાં 8 વિકેટ લેનાર સિમોન હાર્મરનો અનુભવ દક્ષિણ આફ્રિકા માટે ખૂબ ઉપયોગી સાબિત થયો. હાર્મરે 1,000 થી વધુ ફર્સ્ટ-ક્લાસ વિકેટો લીધી છે.
